3 માસની માસૂમ બાળકી સહિત ત્રણ બાળકોનાં મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી
કચ્છના ખાવડા-ભુજ હાઇવે પર વેકરિયાના રણ વિસ્તારમાં શનિવારે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુજથી ખાવડા તરફ જઈ રહેલા ટ્રેલર અને સામેથી આવી રહેલી કાર વચ્ચે જોરદાર સામસામે ટક્કર થતાં કારમાં સવાર ઉત્તરાખંડના પરિવારના સાત સભ્યોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડનો આ પરિવાર કચ્છની મુલાકાતે આવ્યો હતો. દરમિયાન વેકરિયાના રણ વિસ્તારમાં ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારમાં સવાર કોઈને બચવાની તક મળી નહોતી. મૃતકોમાં બે પુરુષ, બે મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને માત્ર ત્રણ મહિનાની માસૂમ બાળકીના મોતના સમાચારથી લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
અકસમાતમાં જીવ ગુમાવનારની ઓળખ:
સૌરવસિંહ જસપાલસિંહ નેગી (32 વર્ષ)
સવિતા સૌરવસિંહ નેગી
સિવિકા સૌરવસિંહ નેગી (3 માસ)
રિંકી નીતિન ગુંસાઈ
વામિકા નીતિન ગુંસાઈ
રાજેશસિંહ રાવત
રક્ષિતા રાજેશ રાવત (7 વર્ષ)
ઘટનાની જાણ થતાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા FSLની મદદથી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક જ પરિવારના સાત સભ્યોનાં અકાળે મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કચ્છની મુલાકાતે આવેલા પરિવારની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.
The Gujarat Live News તરફથી તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઈશ્વર શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
