બસની જાતે સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપે છે, વૃદ્ધો, મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોની મદદ માટે હંમેશાં રહે છે આગળ
સરકારી ફરજને માત્ર નોકરી નહીં, પરંતુ જનસેવાનું માધ્યમ બનાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ રાધનપુર એસ.ટી. ડેપોમાં જોવા મળી રહ્યું છે. અહીં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શરીફભાઈ ઘાંચી પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવી સ્વભાવના કારણે લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યા છે.
શરીફભાઈ પોતાની બસની સ્વચ્છતા જાળવવા માટે કોઈની રાહ જોયા વગર જાતે જ સાવરણી લઈને સફાઈ કરે છે. બસમાં મુસાફરોને સ્વચ્છ વાતાવરણ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમનું આ કાર્ય અન્ય કર્મચારીઓ અને મુસાફરો માટે પણ સ્વચ્છતાનો સકારાત્મક સંદેશ આપી રહ્યું છે.
આ ઉપરાંત તેઓ બસમાં મુસાફરી કરતા વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ મુસાફરોને ચડવા-ઉતરવામાં મદદ કરે છે. મુસાફરોના સામાનની ગોઠવણીથી લઈને મુશ્કેલીના સમયે સહાય કરવા સુધી તેઓ હંમેશાં સેવાભાવથી આગળ આવે છે.
નોંધનીય છે કે શરીફભાઈ ઘાંચી પોતાની નિયત ફરજ ઉપરાંત માનવતાની ભાવનાને પણ એટલું જ મહત્ત્વ આપે છે. કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા રાખ્યા વગર કરવામાં આવતી તેમની આ સેવા ખરેખર સરાહનીય છે.
આજે જ્યારે સ્વચ્છતા અને નાગરિક સેવાઓ અંગે જાગૃતિની જરૂરિયાત છે, ત્યારે રાધનપુર એસ.ટી. ડેપોના શરીફભાઈ ઘાંચી જેવા કર્મચારીઓ સમાજને એક સારો સંદેશ આપી રહ્યા છે. તેમની કામગીરી અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
ફરજ સાથે સેવાભાવ અને જવાબદારી સાથે માનવતા શરીફભાઈ ઘાંચીની કામગીરીને ખરેખર સલામ!
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
