પાટણ જિલ્લાનાં વારાહી ગામમાં આવેલ સરકારી દવાખાનાની સામેના મુખ્ય નાળામાં અતિવૃષ્ટિના કારણે અંદાજે ત્રણ ફૂટનો મોટો ભૂવો પડી જવા પામ્યો છે.
આ અચાનક પડેલા ભૂવાને કારણે આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકો ખાસ કરીને કોલીવાડા અને સાદપુરા ગામના રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

નાળામાં પડેલો ભૂવો રોજિંદા અવરજવર માટે મોટી અડચણ બની રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, નાળાના આ ભૂવા પરથી પસાર થતી વખતે અકસ્માત સર્જાવાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે.
ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ રસ્તો ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગનું કામ હાથ ધરાશે નહીં તો કોઈ પણ સમયે જાનહાનિ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે કોલીવાડા રોડ ફક્ત ચાર મહિના પહેલા નવીન બનાવી દેવામાં આવ્યો હતો.
છતાં અત્યારે ફાટક પાસેનો લગભગ એક કિલોમીટર વિસ્તાર ભારે બિસ્માર હાલતમાં છે.
રોડ પર ખાડાઓ અને તિરાડો પડી જતાં વાહનચાલકો માટે સતત જોખમ ઉભું થઈ રહ્યું છે.
ગામજનો તંત્ર પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે સરકારી હોસ્પિટલ સામે નાળાની બેદરકારી નાગરિકોના આરોગ્ય અને સલામતી બંને માટે ખતરનાક છે.
“જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો ક્યારેક કોઈ મોટો અકસ્માત બને અને તેની જવાબદારી કોણ લેશે?” એવો સવાલ લોકો કરી રહ્યા છે.
વારાહી અને આસપાસના વિસ્તારોના લોકોએ એકજ અવાજે માગણી કરી છે કે તંત્ર સત્વરે આ નાળાનું સમારકામ કરી લોકોની સલામતી સુનિશ્ચિત કરે. સાથે જ કોલીવાડા રોડ, જે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો, તેની ગુણવત્તા અંગે પણ તપાસ કરવામાં આવે અને તાત્કાલિક રીપેરીંગના કામો હાથ ધરવામાં આવે.
હાલ ગ્રામજનોમાં આ મુદ્દે ભારે નારાજગી છે અને જો સમયસર પગલાં નહીં લેવાય તો લોકોનો આક્રોશ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
The Gujarat Live News રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
