અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર, 2025
રાજ્યમાં લાંચખોરી સામે સતત સક્રિય રહેતી એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ આજે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં એક સફળ ટ્રેપ હાથ ધર્યો હતો.
કચેરીના એક કર્મચારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની ગુપ્ત ફરિયાદ આધારે એ.સી.બી.એ આ કાર્યવાહી કરી હતી.
માહિતી મુજબ, દસ્ક્રોઇ મામલતદાર કચેરીમાં કાર્યરત કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરાગકુમાર લક્ષ્મણભાઇ બારોટ (રહે. 39, ઉમીયાનગર સોસાયટી, બાપુનગર, અમદાવાદ) જમીન સંબંધિત નોંધની કાર્યવાહી દરમ્યાન લાંચ લેતા ઝડપાયા હતા.
ફરીયાદીના મિત્રના કાકાના નામે ઉંદરેલ ગામની સીમમાં આવેલ જમીનમાં હક્ક કમી કરવાની અરજી મામલતદાર કચેરીમાં દાખલ કરવામાં આવી હતી.
આ અરજી પર હક્ક કમીની કાચી નોંધ પડ્યા બાદ તેની પ્રમાણિત પ્રક્રિયા આગળ ધપાવવા માટે ફરીયાદી કચેરીમાં પહોંચ્યા હતા.
ત્યાં આરોપી કોમ્પ્યુટર ઓપરેટરે કામ પૂરું કરવા બદલ શરૂઆતમાં રૂ. 25,000/- ની લાંચની માંગણી કરી હતી. ચર્ચા બાદ અંતે રૂ. 15,000/-માં કામ પૂરું કરવાની માંગણી પર રાજી થયો હતો.
ફરીયાદીને આ માંગણી ગેરકાયદેસર લાગતા તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો. એ.સી.બી.એ વિગતવાર તપાસ કર્યા બાદ આજે (18/09/2025) દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે ટ્રેપ ગોઠવ્યો હતો.
ટ્રેપ દરમ્યાન આરોપી પરાગ બારોટે ફરીયાદી પાસેથી રૂ. 15,000/- ની લાંચ સ્વીકારી લેતાં જ એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ પકડી પાડ્યો.
લાંચની માંગણી કરેલ રકમ : રૂ. 25,000/-
સેટલમેન્ટ બાદ માંગણી : રૂ. 15,000/-
સ્વીકારેલ અને રીકવર કરેલ રકમ : રૂ. 15,000/-
ટ્રેપનું સ્થળ : દસ્ક્રોઇ મામલતદાર કચેરી, જી. અમદાવાદ
આ કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એન. જાદવના નેતૃત્વમાં અને મદદનીશ નિયામક શ્રી કે.બી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
એ.સી.બી. દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી એક તરફ દસ્ક્રોઇ મામલતદાર કચેરીમાં કાર્યરત કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકોમાં એજન્સી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
એ.સી.બી. એ નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ શાસકિય કર્મચારી કે અધિકારી લાંચની માંગણી કરે તો તેઓ તાત્કાલિક ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરે, જેથી ભ્રષ્ટાચાર સામે કડક પગલા લઈ શકાય.
The Gujarat Live News
