પાટણ જિલ્લામાં આવેલી ધારપુર હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ગેરજવાબદારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
ધારપુરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને આપવાનું દૂધ બે દિવસ જૂની તારીખનું અને ખાટું થયેલું હોવાનું સામે આવતા ચિકિત્સા વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા થયા છે.






વિગત મુજબ, હોસ્પિટલના ગાયનેક અને ટીબી વિભાગમાં રોજ દર્દીઓને દૂધ આપવામાં આવે છે,
પરંતુ તાજેતરમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા જૂની તારીખવાળું થેલી દૂધ દર્દીઓને આપવામાં આવ્યું હતું.
આ દૂધ ખાટું અને ફાટી ગયેલું હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલના ઇન્ચાર્જ અને સ્ટાફ વચ્ચેના વોટ્સએપ ગ્રુપમાં પણ આ મામલે ચર્ચા થઈ હતી,
જેમાં સ્પષ્ટ લખાણ આવ્યું હતું કે “દૂધ ખાટું થઈ ગયું છે” અને “દૂધ ફાટી ગયું છે”.
માહિતી મુજબ ગાયનેક વિભાગમાં આશરે ૧૧થી ૧૨ થેલીઓ દૂધ વહેંચવામાં આવી હતી, ત્યારબાદ તે ખાટું નીકળતાં આરોગ્ય કર્મચારીઓમાં ચકચાર મચી ગઈ હતી.
દર્દીઓના આરોગ્ય સાથે આવી રીતે ચેડા થવાથી સ્થાનિક લોકોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.
લોકોનો આક્ષેપ છે કે હોસ્પિટલ તંત્ર દ્વારા દૂધની ગુણવત્તા તપાસ્યા વિના સીધું જ દર્દીઓને આપવામાં આવ્યું, જે ગંભીર બેદરકારી ગણાય છે.
સ્થાનિક લોકોએ આ મામલે કડક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ દૂધ સપ્લાય કરતી કંપની અથવા એજન્સી પર પણ તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
હોસ્પિટલના ઇન્ચાર્જે આ મામલે કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો નથી, પરંતુ આંતરિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે આ ભૂલ માટે જવાબદાર કોણ? આરોગ્ય વિભાગે આ મુદ્દાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સરકારી આરોગ્ય વ્યવસ્થાની ગુણવત્તા અને વ્યવસ્થાપન પર સવાલો ઊભા કર્યા છે.
શું દર્દીઓની આરોગ્ય સુરક્ષા માટે તંત્ર ચેતશે કે ફરી આવી બેદરકારીની ઘટના બનશે?
લોકોની માંગ:
દૂધ સપ્લાય ચેઇન પર તાત્કાલિક તપાસ
હોસ્પિટલ ઇન્ચાર્જ અને સંબંધિત સ્ટાફ સામે પગલા
દર્દીઓ માટે ખોરાકની ગુણવત્તા ચકાસવાની સખ્ત પ્રણાલી અમલમાં મુકવી
ધારપુર હોસ્પિટલની આ ઘટના આરોગ્ય તંત્ર માટે એક ચેતવણી સમાન છે — કારણ કે દર્દીઓના આરોગ્ય સાથે આવું બેદરકારીભર્યું વર્તન અશોભનીય ગણાય છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
