અર્જુન ડાંગર,પાર્થિવ દેસાઈ ગર્ભપરીક્ષણ જેવો ભયાનક ગુનો હવે નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અત્યાર સુધી હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, પણ હવે ઘરે આવીને ગર્ભ પરીક્ષણ કરવાની સાથે ગેરંટી આપવામાં આવે છે એટલુ જ નહીં તેમાં ખોટા પડે તો પાંચ લાખ રૂપિયા લઇ જવાની ચેલેન્જ આપી રહ્યાં છે. આવા લેભાગુ તબીબો આટલેથી અટકતા નથી પરંતુ ગર્ભ પરીક્ષણ બાદ તમારે ગર્ભપાત કરાવવો હોય તો તેની પણ સુવિધા કરી આપવાનો ધંધો ધમધમી રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો આ ધંધો ચાલી રહ્યો છે. દિવ્યભાસ્કરને માહિતી મળતાં ગર્ભવતી ન હોય તેવી મહિલાના ગર્ભ પરીક્ષણ કરાવવાનું નક્કી કર્યુ. સુરતની એક હોસ્પિટલના પોતે તબીબ હોવાનું કહેતા મિતેશ નામના વ્યક્તિ સાથે વાત કરી, તેણે બારડોલી ઘરે આવીને તપાસ કરવાની તૈયારી બતાવી. પણ તેનો ચાર્જ રૂપિયા 20,000 નક્કી કર્યો. આ તબીબ પોતાની પાસે જે છે એવા પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીન ( આ મશીન ના ઉપયોગ પર કડક નિયંત્રણ છે ) સાથે લઇને ઘરે આવ્યા અને અને મહિલાના ગર્ભ પરીક્ષણની તૈયારી કરી. ત્યાં આયોજન મુજબ એક ઘરના મોભી આવે છે અને તબીબને કહે છે.. કે ભાઇ હાલમાં અમારે કઈ કરવું નથી .જે આવશે તે માન્ય છે અમારે પરીક્ષણ કરાવવું નથી અને વાત પડતી મૂકી.. પણ સુરતથી આવેલા તબીબે આ બાબતે તેઓ પાસે 10,000 ફી વસુલી અને જણાવતા ગયા કે પહેલાથી ચોક્કસ નિર્ણય લેવાનો , કારણ વગર તમારે ફી ચુકવવી ન પડેે.. સરકારની આંખમાં ધુળ નાખીને ધીકતો ધંધો કરનારા તબીબોને ઉઘાડા પાડી સમાજને આવા તબીબોથી સાવધ રહેવા દિવ્ય ભાસ્કરે સ્ટિંગ કર્યુ હતું. આવા પૈસાના પુજારી કહેવાતા કથિત તબીબ સાથે મોબાઇલ પર થયેલી વાતચીતના અક્ષરશ: અંશો અહીં પ્રસ્તુત છે. પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીન કેવી રીતે કામ કરે છે ?, દર મહિને રીપોર્ટ કરવો પડે , રજીસ્ટર મેન્ટેન કરવું પડે
ગર્ભ પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતું અલ્ટ્રાસાઉન્ડ મશીન હવે નવી ટેક્નોલોજીથી પોર્ટેબલ ( ગમે ત્યાં લઇ જવાય એવું) હોય છે. આ મશીનનું કદ ટેબ્લેટ જેટલું નાનું હોય છે. અને તેમાં વાયરલેસ પ્રોબ (સેન્સર) સાથે જોડાયેલી સિસ્ટમ હોય છે. આ મશીન ખરીદતા પહેલા હેલ્થ ડિપાર્ટમેન્ટની મંજુરી લેવી પડે છે. સાથે દર મહિને હેલ્થ ડિપાર્ટમેન્ટને તેનો રિપોર્ટ આપવાનો હોય છે અને તેનું રજિસ્ટ્રર પણ મેઇન્ટેઇન કરવુ પડતુ હોય છે. એટલુ જ નહિં હોસ્પિટલમાંથી તેને અન્ય સ્થળે લઇ જવુ હોય તો પણ હેલ્થ ડિપાર્ટમેન્ટની મંજુરી લેવી ફરજિયાત છે. સ્ટીંગ પૂર્ણ થયા બાદ કથિત તબીબ સાથેની ટેલિફોનિક વાતચીત
તમે તમારો અને મારો ટાઈમ ખરાબ કર્યો છો. તમારે સ્ટ્રોંગ ડિસીઝન પહેલા લેવું જોઈએ. આ વાત કોઈને પુછવાનું ન હોય, તમારે અને મારે બંને એ જ ડિસિઝન લેવાનું હોય છે. તમારે કામ વગર 10,000 રૂપિયા આપવા ચૂકવવા પડ્યાને. અમે સુરતથી આવ્યા એટલે પેમેન્ટ તો લેવું જ પડે. તેમજ આ તમામ પ્રક્રિયામાં તમારો અને અમારો સમય બગડ્યો. કંઈ વાંધો નહીં હજુ કોઈ કામ પડે તો કહેજો. આ મશીનનો ઉપયોગ કરવા માટે સખત નિયંત્રણો છે
પોર્ટેબલ મશીન પર સખત નિયંત્રણો છે મુક્યો છે. આ મજૂરી વગર ગમે ત્યાં લઈ જઈ શકાતું નથી . જોકે આવા મશીનો હજુ પણ ગ્રે માર્કેટમાં મળે છે. બારડોલીમાં ઘરે આવીને આવું ગર્ભ નિરીક્ષણ કરવું એ ગંભીર બાબત છે. આવા દુષ્ણો ડામવા જરૂરી છે. ડો. ગૌતમ વ્યાસ ગેરકાયદે રીતે ધમધમતા ગર્ભ પરિક્ષણના ધંધાનો પર્દાફાશ કરવા માટે દિવ્ય ભાસ્કરે ગર્ભવતી ન હોય તેવી મહિલાનુ ગર્ભ પરિક્ષણ કરાવવાનું નક્કી કર્યુ હતું. દિવ્યભાસ્કરનો હેતુ કોઇની લાગણી દુભાવવાનો નહિં પણ સમાજમાં પ્રવર્તતા આવા ગોરખધંધા અને તે ચલાવનારા લેભાગુઓનો પર્દાફાશ કરવાનો હેતુ હતો. …વાંચો કથિત તબીબ સાથેની સંપૂર્ણ વાતચીત ભાસ્કર : મારી કઝીનને ત્રણ મહિનામાં ચાર- પાંચ દિવસ બાકી છે તો ચાલશે.
કથિત તબીબ : હા, ચાલશે
ભાસ્કર : બેડ રેસ્ટ છે, તો તમારાથી બારડોલી અવાશે
કથિત તબીબ : મને વોટ્સઅપ કોલ કરો. બારડોલી સુધી આવવા માટે મારે ગાડીની વ્યવસ્થા કરવી પડશે.
ભાસ્કર : તમે બારડોલી આવશો
કથિત તબીબ : બારડોલી આવું તો ચાર્જ વધી જશે.
ભાસ્કર : કેટલા રૂપિયા થશે
કથિત તબીબ : 20 હજાર
ભાસ્કર : બારડોલી આવી જજો, જે ફી હશે તે આપીશું.
કથિત તબીબ : સોસાયટીમાં અમો આવી ગયા છે. (તેઓ ઓળખ છુપાવવા માસ્ક પહેરીને આવ્યા હતાં.)
કથિત તબીબઃ (ઘરે) પેસન્ટને કઈ તકલીફ છે ?
ભાસ્કર : તેમને શ્વાસની બીમારી છે.
કથિત તબીબ : પેસન્ટને પુછ્યું કેટલા દિવસ થયા છે
ભાસ્કર : 3 મહિનાને 9 દિવસ
કથિત તબીબ : પેસન્ટને સૂવાની દિશા બદલવા કહ્યું
( મહિલા જણાવ્યા અનુસાર સૂઈ ગયા હતા, તબીબે બેગમાંથી પોર્ટેબલ અલ્ટ્રા સાઊન્ડ મશીન અને માઉસ બહાર કાઢ્યું. )
ભાસ્કર : આવા નાના મશીન થી કેમ ખબર પડશે ?
કથિત તબીબ: અરે કઈ ખોટું પડે તો મારી પાસે થી 5 લાખ લઈ જજો આ દરમિ્યાન આયોજન મુજબ સસરા બનેલા વડીલ રૂમમાં આવે અને તબીબને પુછે છે. આ શું કરો છો? અમારે કોઈ પરીક્ષણ કરાવવું નથી જે હોય તે માન્ય રહેશે.
કથિત તબીબ : પહેલા તમારે ઘરમાં નક્કી કરવાનું હતું ને, તમારે હાફ પેમેન્ટ કરવું પડશે.
ભાસ્કર: પેમેન્ટ વિશે નિશ્ચિત રહો, તમને પેમેન્ટ આપી દઈશું. કહી રોકડા 10,000 રૂપિયા આપ્યા હતાં.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!