દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતીઓએ પરિવાર સાથે હરવાફરવા માટેનું પ્લાનિંગ કરી નાખ્યું છે. ગુજરાતીઓએ ભારતમાં ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, કેરળ, ઉત્તરાખંડ, લોનાવલા, સાઉથ ઈન્ડિયા તેમજ ચારધામ યાત્રાએ જવાનું ટૂરિસ્ટ પેકેજ બુક કરાવી લીધું છે. વિદેશમાં બાલી, દુબઇ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામ અને કઝાકિસ્તાન જવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લેહ-લદાખ અને નેપાળમાં આંતરિક-રાજકીય વિખવાદ તથા જમ્મુ કાશ્મીરમાં વરસાદ સહિતનાં કારણોને લીધે ત્યાં જવાનો ક્રેઝ ઘટ્યો છે, જેથી ગત વર્ષની તુલનામાં દિવાળીનો ટ્રાફિક 25 ટકા ઓછો જોવા મળી રહ્યો છે. એની સામે ટિકિટના ભાવ પણ 15થી 20 ટકા વધ્યા છે. કુદરતી આફત, ભાવવધારો હોવા છતાં પણ ઉત્સવપ્રિય ગુજરાતીઓએ ફેવરિટ ટૂરિસ્ટ પોઇન્ટ પર પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવાનું મન બનાવી લીધું છે, પરંતુ ગુજરાતીઓ માટે આ વર્ષે દિવાળીમાં હરવાફરવાનું મોંઘું પડશે, જેને કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ઘટ્યો છે અને પોતાની ગાડી લઈ સૌરાષ્ટ્ર-રાજસ્થાન જવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ગત વર્ષ કરતાં થોડો ઓછો
ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સભ્ય અને રાજકોટની આદેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ગોપાલ ઉનડકટે જણાવ્યું હતું કે દિવાળીમાં બહાર ફરવા જવા માટેનો ક્રેઝ ગત વર્ષ કરતાં થોડો ઓછો છે. જે ક્રેઝ વધ્યો છે એ કઝાકિસ્તાન ઉપરાંત સાઉથ ઇસ્ટ એશિયાનો ક્રેઝ વધ્યો છે. જ્યારે દુબઇનો ક્રેઝ થોડો ઓછો થયો છે. આ વખતે ફ્લાઈટના રેટ ઘણા ઊંચા છે. ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ મુસાફરો માટે ટિકિટના દર વધ્યા
આ વખતે લેહ-લદાખની સાથે ચારધામનો ક્રેઝ ફરી જોવા મળ્યો છે, જ્યારે ઇન્ટરનેશનલ લેવલે વિયેતનામ, સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ જવાનું લોકો વધુ પસંદ કરે છે. તેમણે જણાવ્યું હતું કે નેપાળ જવા માટેનો ક્રેઝ ઘટ્યો છે એ વાત સાચી છે, પરંતુ દિવાળીના પર્વમાં નેપાળ જવાનો ક્રેઝ દર વર્ષે ઓછો જ હોય છે. જ્યારે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ મુસાફરો માટેની ટિકિટના દર વધ્યા છે. એમાં અગાઉ જીએસટી 12% હતો, એ 18% થઈ ગયું છે, જોકે એની કોઈ મોટી અસર દેખાતી નથી. અંતમાં તેમણે જણાવ્યું હતું કે દિવાળીનો બિઝનેસ આ વખતે 25% ઓછો જોવા મળે છે. ટ્રેન પહેલેથી જ હાઉસફુલ
જ્યારે રાજકોટના ક્લિક ટુ ટ્રિપના સંચાલક પીયૂષ જીવરાજાનીએ જણાવ્યું હતું કે આ વખતે ટ્રેન અગાઉથી જ હાઉસફુલ જોવા મળી છે. રાજકોટથી હરવાફરવા સહિતનાં સ્થળોએ જતી મોટા ભાગની ટ્રેનોમાં 2 માસ પહેલાં જ બુકિંગ પૂર્ણ થઈ જતાં વેઇટિંગમાં ટિકિટ મળી રહી હતી. રેલવેમાં ઓપનિંગનો ક્રેઝ એટલો સારો હતો કે હવે ટ્રેનની ટિકિટ મળતી નથી. સિક્કિમ-દાર્જીલિંગ જવામાં ધસારો
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ વખતે ઘણાં બધાં પરિબળોને કારણે ટૂરિસ્ટ પેકેજ પર અસર પહોંચી છે. પહેલગામ હુમલા બાદ દિવાળીના તહેવાર પૂર્વે વરસાદ પડ્યો, જેના લીધે આ વખતે કાશ્મીર જવાનું પણ મોટા ભાગના લોકો પસંદ કરતા નથી. આ બધાં ફેક્ટરને કારણે સિક્કિમ અને દાર્જીલિંગ જતા લોકોનો ફ્લો વધ્યો છે. ડોમેસ્ટિકમાં રાજસ્થાન હોટ ફેવરિટ
જોકે હાલ ગોવા, કેરળ, સાઉથ ઈન્ડિયા જતા ટૂરિસ્ટોની સંખ્યામાં વધારો થયો છે, જ્યારે ડોમેસ્ટિકમાં રાજસ્થાન આ વખતે હોટ ફેવરિટ છે. એમાં જોધપુર, જેસલમેર, ઉદયપુર અને જયપુરમાં ટ્રાફિક જોવા મળે છે. જ્યારે ઇન્ટરનેશનલમાં દુબઈ, વિયેતનામ, સિંગાપોર, મલેશિયા અને બાલી જવા માટેનો ક્રેઝ જોવા મળે છે. વડોદરામાં જમ્મુ કાશ્મીર, હિમાચલ, નેપાળની ઘટનાઓ બાદ લોકો લાંબો પ્રવાસ ટાળી રહ્યા છે
વડોદરાથી દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકોના ટ્રેન્ડ વિશે વાતચીત કરતા ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન જણાવે છે કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને નેપાળમાં થયેલી ઘટનાઓ બાદ લોકો લાંબો પ્રવાસ ટાળી રહ્યા છે. હાલમાં ગોવા અને રાજસ્થાન લોકો જઈ રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં લગભગ 50 ટકા જ બુકિંગ છે. લોંગ ટર્મની જગ્યાએ શોર્ટ ટૂરનો ક્રેઝ
આ અંગે શ્રી ક્રિષ્ણા ટૂરિઝમના માલિક અને એસોસિયેશન પ્રમુખ મનીષ શાહે જણાવ્યું હતું કે આ વખતની જે દિવાળીની ટૂરો છે એ બહુ લોંગ ટૂરોવાળો માહોલ નથી. હાલમાં ચાર-પાંચ દિવસ, ત્રણ-ચાર દિવસ કે જે શોર્ટમાં લોકોને રજાઓ જેવી સેટ થાય છે એ પ્રમાણે એના બુકિંગ આવે છે. આ વખતની લોંગ ટૂરોમાં કાશ્મીર, હિમાચલ, નેપાળ આ બધાં લોકેશન પર એટલું ખાસ બુકિંગ નથી. લોકો પોતાની ગાડી લઈને શોર્ટ ટૂરમાં જાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોમાં હજુ ગભરાટ છે, હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને નેપાળની ઘટનાને લઇ લોકો લોંગ ટૂર ટાળી રહ્યા છે. આ વર્ષે માંડ બધી ભેગી થઈને 3-4 ગાડી જાય તો બહુ છે, સાથે જ લોકો ટૂંકા પ્રવાસમાં પોતપોતાની ગાડી લઈને જતા રહેતા હોય છે. હાલની તારીખમાં 40-50 ટકાની આસપાસ જ બુકિંગ
તેમણે આગળ કહ્યું હતું કે હાલની તારીખમાં જુઓ તો 40-50 ટકાની આસપાસ જ બુકિંગ લોકો પાસે છે. ઘણાની અડધી ગાડી ભરાઈ છે. હવે લાસ્ટ મોમેન્ટમાં શું થાય છે એની પર ગાડીઓ ઊપડે એવું કામ છે અને આ વખતની ટૂરો મેક્સિમમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છ, એમપી અને ગોવા છે. ઘણા બધાને એવું છે કે હવે અવારનવાર તહેવારોમાં લોકો ફરવા જતા હોય છે એટલે દિવાળીમાં લોકો જવાનું ટાળતા હોય છે કે બહુ ક્રાઉડમાં નથી જવું. આ સાથે ભાવમાં નોર્મલ 5-10 ટકા પ્લસ-માઇનસ થતું હોય છે. આ પણ અમુક તારીખો પૂરતું હોય કે ચાર-પાંચ દિવસનો જે ટાઇમ પિરિયડ હોય, એ ટાઇમ પિરિયડ પૂરતું હોય. બાકી તો પછી રેગ્યુલર નોર્મલ રેટમાં જ બધું ચાલતું હોય છે. લોકો જમ્મુ કાશ્મીર-હિમાચલની ઘટના બાદ શોર્ટ ટૂરિઝમ તરફ વળ્યા
આ અંગે અન્ય એક ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું હતું કે હાલમાં ગોવા અને રાજસ્થાન તરફ લોકો વળ્યા છે. હાલમાં દ્વારકા, જેસલમેર અને સાળંગપુર સહિતનાં સ્થળોએ લોકો ફરવા જઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બનેલી ઘટના બાદ શોર્ટ ટૂરિઝમ છે, પરંતુ એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદીઓ વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, હરિદ્વાર જઈ રહ્યા છે
તો અમદાવાદની વાત કરીએ તો સૌથી વધારે ભારતમાં કેરળ, અરુણાચલ પ્રદેશ, દાર્જીલિંગ અને રાજસ્થાન ફરવા માટેનો ક્રેઝ વધ્યો છે. જ્યારે ભારતની બહાર બાલી, શ્રીલંકા, દુબઈ અને વિયેતનામ જેવા દેશોમાં લોકો ફરવા માટે વધુ જઈ રહ્યા છે. સૌથી વધારે હોટ ફેવરિટ ચાલુ વર્ષે કેરળ અને તામિલનાડુ ફરવા માટે લોકો જઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તેમજ નેપાળમાં ભૂસ્ખલન તેમજ તોફાનોને કારણે બુકિંગ ખૂબ ઓછું થયું છે. ધાર્મિક પ્રવાસોમાં સૌથી વધારે લોકો વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા અને હરિદ્વાર જઈ રહ્યા છે. રામેશ્વરમ-ધનુસ્કોટી ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે
અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્ય સરકારે અઠવાડિયાથી 10 દિવસની રજા આપી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા માટે જઈ રહ્યા છે. LTC મળવાપાત્ર હોવાથી રજાઓ દરમિયાન ફરવા માટેનું બુકિંગ કરાવી રહ્યા છે. ફરવા માટે સૌથી હોટ ડેસ્ટિનેશન તરીકે કેરળ છે. રામેશ્વરમ અને ધનુસ્કોટી ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, જ્યારે દાર્જીલિંગ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયમાં પણ પોતાની પસંદગી ઉતારી છે. યુવાનોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ચાલુ વર્ષે ફરવા માટે બુકિંગ કરાવ્યું છે, જેમાં રાજસ્થાન અને ગોવા વધારે જઈ રહ્યા છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને નેપાળમાં થઈ રહેલી અન્ય તકલીફોને કારણે ત્યાં જવાનું ટાળી રહ્યા છે, પરંતુ ભારતમાં તામિલનાડુ અને કેરળ લોકો સૌથી વધુ ફરવા માટે જઈ રહ્યા છે. બાલી, શ્રીલંકા, દુબઈ, વિયેતનામ, મલેશિયા, સિંગાપુર જવાનો ક્રેઝ
ભારતની બહાર ફરવા માટે બાલી, શ્રીલંકા, દુબઈ, વિયેતનામ, મલેશિયા સિંગાપુર જેવા દેશોમાં લોકો ફરવા માટેનું બુકિંગ કરાવી રહ્યા છે, જેનું પેકેજ પ્રતિ વ્યક્તિ 70,000થી 1 લાખ સુધીનું હોય છે અને મધ્યમવર્ગને પણ પોસાય છે, જેથી ત્યાં ફરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. ભારતમાં કેરળ, તામિલનાડુ સહિત વિવિધ શહેરો અને રાજ્યોમાં ફરવા માટે પ્રતિ વ્યક્તિનું પેકેજ અંદાજિત 50,000થી 70,000 સુધીમાં તમામ સુવિધા સાથે હોય છે, જે સૌને પોસાય છે. અત્યારે હાલમાં તમામ પ્રકારનાં બુકિંગ ફુલ થઈ ગયાં છે. દિવાળીમાં ફરવા જવા માટેની તૈયારીઓ પણ લોકોએ કરી લીધી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!