સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7થી 8 લોકોને ઈજા પહોંચી હતી. આ અથડામણમાં કુલ 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, કેટલાંક ઘરોનાં બારી-બારણાંના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે. Dy.SP એ.કે.પટેલે જણાવ્યું હતું કે પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો છે. જૂની અદાવતમાં બબાલ થઇ હતી. આ જૂથ અથડામણમાં 10થી વધુ લોકોને ઇજા થઇ છે. 20થી વધુ વ્યક્તિને રાઉન્ડઅપ કરી છે. દિવાળીના ગરબાના આયોજન પૂર્વે હિંસા
પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે. ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતા વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ એ પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી. 25થી 30 લોકોની અટકાયત
ઘટનાની જાણ થતાં જ મોડીરાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે હિંમતનગરના DySP એ.કે. પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે હિંસા ફેલાવનારા 25થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ (અટકાયત) કરવામાં આવ્યા છે. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે અથડામણમાં 8 લોકો ઇજાગ્રસ્ત, મોટે પાયે નુકસાન
બે જૂથ સામસામે આવી જતાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, એ બાદ પરિસ્થિતિ વણસી ગઈ હતી. અસામાજિક તત્ત્વોએ લાકડીઓ વડે માર માર્યો હતો, ત્યાર બાદ ભારે પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોમાં આગચંપી અને તોડફોડ કરી હતી. ‘દિવાળીને લઈ બબાલ થઈ ને આ લોકોએ મોટું સ્વરૂપ આપી દીધું’
ગ્રામપંચાયતના સદસ્ય જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલાં પણ નાનું છમકલું થયું હતું, બે દિવસ પહેલાં પણ થયું, જોકે અમે એને ગંભીરતાથી લીધું ન હતું, જોકે કાલ રાત્રે નવ વાગ્યા પછી મોટી બબાલ થઇ હતી. એ લોકોએ પટેલોના ઘરે જઇ જઇને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું. દિવાળીને લઇને જ બબાલ થઇ અને આ લોકોએ મોટું સ્વરૂપ આપી દીધું. ‘આખા ગામમાં જેટલા પણ પટેલોનાં ઘર છે ત્યાં નુકસાન પહોંચાડ્યું’
પ્રાંતિજના મજરા ગામે થયેલી જૂથ અથડામણ અંગે ગામના રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એ લોકો વાઘબારસની આરતી કરી પટેલોના ઘરે ગયા અને સીધા નુકસાન કરવા જ માંડ્યા છે. જ્યાં જારના ગઠ્ઠામાં આગચાંપી અને પથ્થરમારો પણ કર્યો હતો. આખા ગામની અંદર 200-250 જેટલા પટેલોનાં ઘર છે ત્યાં નુકસાન પહોંચાડ્યું છે. એક વીડિયોમાં અમે જોયું કે સરપંચની મમ્મી પણ એ લોકો સાથે છે. ‘ભૈરવદાસ દાદના મંદિરના વહીવટને લઇ બોલાચાલી’
આ ઘટનાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ભૈરવદાસ દાદના મંદિરનો વહીવટ તેમને આપ્યો ત્યારથી આ સમસ્યા છે. પહેલા મંદિરનો વહીવટ પટેલોના હાથે થતો હતો, પણ, ગઈ સાલ એ લોકોએ થોડો વિવાદ કરીને ચાવી લઈ લીધી હતી, એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ વિવાદ થયેલો નહીં. એ પછી આ લોકોને પૈસાની તૂટ પડે છે, પણ પટેલો પૈસા ના આપે એટલે પ્રસંગ તૂટી પડે છે. આ લોકોને પૈસા જોઇએ છે અને પટેલો આપતા નથી એટલે પૈસા લેવા માટે આ લોકોએ પટેલોને ટાર્ગેટ બનાવ્યા છે. દિવાળીમાં બે દિવસ ગરબા થાય છે, પણ ગઇ સાલથી પટેલો ત્યાં ગરબા ગાવા પણ જતા નથી. પહેલાં એ લોકોએ પથ્થરમારો કર્યો ને પછી આગ લગાવી
ગઇકાલે સાડાનવ વાગે આરતી પતાવી અને સીધા પટેલોને ટાર્ગેટ બનાવીને ઠોકવાનું ચાલુ કર્યું. પટેલો તો મંદિરે હતો પણ નહીં, બધા પોતપોતાનાં ઘરે હતા, જ્યાં જઇને સૌથી પહેલા એ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો અને પછી આગ લગાવી. રાકેશભાઈ પટેલ વધુમાં જણાવે છે, એ લોકોએ ગાડીઓ તોડી, મકાનોના કાચ ફોડી નાખ્યા. હાલ તો આ વાહનોમાં ખાસ્સું નુકસાન થયું છે. પેલી બાજુ પાછળના ભાગમાંય વાહમાં તોડ્યા છે. આમ તો એક જ ગાડી સળગાવી છે, પણ નુકસાન બહુ પહોંચાડ્યું છે. બીજું તો તેમણે કેટલી ગાડીઓ તોડી તો હજી અંદાજ આવે પછી જ ખબર પડે. એક પક્ષે 60થી વધુ લોકો સામે ફરિયાદ કરી
પ્રાંતિજ તાલુકાના મજરા ગામે રવિવારે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગામના પટેલ સમાજના જૂથે સરપંચના પરિવાર અને ઠાકોર સમાજના 60થી વધુ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં એક ઇકો ગાડીને સળગાવી દેવા સહિત લાખો રૂપિયાના નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રેમલગ્ન અને મંદિર વહીવટની જૂની અદાવત
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હિંસાનું મુખ્ય કારણ ભૈરવદાદાના મંદિરનો વહીવટ છેલ્લા એક વર્ષથી ઠાકોર સમાજે લઈ લીધો છે. આ ઉપરાંત ઠાકોર સમાજના જગતસિંહ ડાયુસિંહ મકવાણાએ વર્ષો પહેલા કરેલા પ્રેમલગ્નને કારણે પટેલ સમાજ સાથે તેમને થયેલા સામાજિક વિચ્છેદ અને હાલમાં જગતસિંહની પુત્રી શ્વેતાબા સરપંચ તરીકે ચૂંટાતાં સર્જાયેલા સંજોગો પણ અદાવતનું કારણ છે. આરતી બાદ હિંસક હુમલો
ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ ભૈરવદાદાના મંદિરની આરતી શરૂ થયા બાદ સવા દસ વાગ્યે પ્રભાતસિંહ જેસંગજી અને જગતસિંહ ઉર્ફે જે.ડી. મકવાણા સહિત 110થી 120 લોકોનું ટોળું લાકડીઓ, ધારિયાં અને લોખંડની ટોમી જેવાં હથિયારો સાથે પટેલ સમાજના ફળિયા તરફ ધસી આવ્યું હતું. ફરિયાદ મુજબ, ટોળાએ “આ પટેલોને તો આજે મારી નાખવાના છે” એવી બૂમો પાડીને છુટ્ટો પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે ઘરોનાં બારી-દરવાજા અને કાચને નુકસાન થયું હતું. હત્યાની કોશિશ અને આગચંપીના ગંભીર આક્ષેપો ટોળાએ “આજ પછી કોઇ દિવસ ઠાકોરોની સામે પડશો તો કોઇને પણ જીવતા જવા દઇશું નહિ” એવી ધમકીઓ આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. પોલીસે મોડીરાત્રે DySP એ.કે. પટેલની આગેવાનીમાં ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને 25-30 જેટલા શખસોને રાઉન્ડ અપ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!