પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં એલ.સી.બી. પાટણ અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે બનાવટી ચલણી નોટો બનાવવાના રેકેટનો પર્દાફાશ કરતાં ₹500ના દરની કુલ 492 બનાવટી નોટો, જેની કુલ કિંમત ₹2.46 લાખ થાય છે, જપ્ત કરી છે.

ઉપરાંત બનાવટી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઇલ ફોન, કાતર, કાગળ અને વાહન સહિત કુલ ₹1.01 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં દેલમાલ ગામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ ત્રણ શંકાસ્પદ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દેશની આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને ચાણસ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. પટેલના માર્ગદર્શન હેઠળ બંને ટીમો સંયુક્ત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલ.સી.બી.ના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેલમાલ ગામમાં આવેલી “શિવાય ઇન્ફોટેક” નામની ઝેરોક્સની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન દુકાનમાંથી ₹500ના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 492 બનાવટી નોટો ઉપરાંત એક અસલી ₹500ની નોટ, કેનોન કંપનીનું કલર પ્રિન્ટર, કમ્પ્યુટર સેટ, પ્રિન્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી શાહી, એ-4 સાઇઝના કાગળના રીમ, બનાવટી નોટોના પ્રિન્ટવાળા કાગળો, કાપકામ માટેની બે કાતર તેમજ એક મોટરસાઇકલ અને બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ દરમિયાન દેલમાલ ગામના નિકુલજી હમીરજી ઠાકોર (ઉંમર 23) અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની સંડોવણી સામે આવી હતી. બંને સામે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)-2023ની કલમ 178, 179, 180, 181 અને 61(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં દિલ્હી અને રાજસ્થાન સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં મૂળ બનાસકાંઠાના અને હાલ દિલ્હીમાં રહેતા ધીરજ ચૌહાણ, મૂળ રાજસ્થાનના અને હાલ દિલ્હીમાં રહેતા કૈલાશ તેમજ ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પપ્પુ ઠાકોરની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચલણી નોટોની નકલ બનાવી બજારમાં ચલણમાં મૂકવાનો પ્રયાસ દેશની આર્થિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી અને પી.વી. ચૌધરી સહિત ચાણસ્મા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
