આગામી 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં જોડાવાના હોવાથી તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા જળવાઈ રહે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પરિક્રમાના તમામ પાસાઓની સમીક્ષા કરીને આયોજનને અંતિમ ઓપ અપાયો હતો. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, પરિક્રમામાં પ્લાસ્ટિકની કોઈપણ ચીજવસ્તુ લઈ જઈ શકાશે નહીં અને તેનું ઉલ્લંઘન દંડનીય અપરાધ ગણાશે. તેમણે યાત્રિકોને આ અભિયાનમાં સહકાર આપવા માટે ખાસ અપીલ કરી હતી. પરિક્રમા પ્રવેશ દ્વાર પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અંદર ન જાય તે માટે સઘન ચેકિંગ અને યાત્રાળુઓને માર્ગદર્શન આપવામાં આવશે.​ 36 કિલોમીટરના રૂટ પર રાઉન્ડ ધ ક્લોક વ્યવસ્થા
પરિક્રમાના સમગ્ર 36 કિલોમીટર લાંબા રૂટ પર સુરક્ષા, આરોગ્ય અને સુવિધાઓનું સંકલન જળવાઈ રહે તે માટે તંત્રના મુખ્ય વિભાગો રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે. પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, PGVCL, પાણી પુરવઠા વિભાગ અને હેલ્થ વિભાગના કર્મચારીઓ સતત હાજર રહેશે. કલેક્ટરે જણાવ્યું કે, તમામ સંબંધિત વિભાગો ડ્યુટી લિસ્ટ પોલીસ વિભાગને આપશે અને ઈમરજન્સીમાં ત્વરિત સહાય માટે આ કર્મચારીઓની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે.​ પરિક્રમા રૂટનું નિરીક્ષણ અને સમારકામ
આયોજનના ભાગરૂપે ગઈ 25મી તારીખે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સંબંધિત અધિકારીઓ સાથે સમગ્ર 36 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન જંગલ વિસ્તારના રસ્તાઓનું રિપેરિંગ, પોલીસ અને ફોરેસ્ટના રાઉટીંગ પોઈન્ટ્સ, સ્વાસ્થ્ય સુવિધાઓ, પીવાના પાણીના પોઈન્ટ્સ અને જરૂરી ઇલેક્ટ્રિસિટી તેમજ લાઈટિંગની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન વિસ્તારમાં પણ રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટાભાગની તમામ સુવિધાઓ ઊભી કરવાની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.​ પાણી,લાઈટિંગ, અને સ્વાસ્થ્યની વિશેષ વ્યવસ્થા
ભાવિકોને પીવાના શુદ્ધ પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પરિક્રમાના રૂટ પર 5,000 લીટરની ક્ષમતાની લગભગ 42 જેટલી પાણીની ટાંકીઓ ગોઠવવામાં આવી રહી છે. ખાસ કરીને માળવેલા ઘોડી જેવા કઠિન વિસ્તારમાં પણ આ વખતે પાણીની વ્યવસ્થાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.સ્વાસ્થ્યના મામલે આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અને ફોરેસ્ટની જેટલી પણ રાઉટી છે, ત્યાં દરેકે દરેક પોઈન્ટ પર હેલ્થના કર્મચારીઓ જરૂરી દવાઓ અને સામગ્રી સાથે ઉપસ્થિત રહેશે. તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્રો, હંગામી દવાખાના અને વ્યૂહાત્મક પોઈન્ટ પર એમ્બ્યુલન્સની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસ.ટી. વિભાગના ડિવિઝનલ કંટ્રોલર રાવલે જણાવ્યું હતું કે યાત્રિકોની સુવિધા માટે 250 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત, બસ સ્ટેશનથી ભવનાથ સુધી યાત્રિકોને પહોંચાડવા માટે 60 મીની બસની શટલ સર્વિસ પણ ચલાવવામાં આવશે. એસ.ટી. બસમાં પણ પ્લાસ્ટિક પ્રતિબંધના બોર્ડ મૂકવામાં આવશે.અત્યાર સુધીમાં લગભગ 10 જેટલા અન્નક્ષેત્રોએ ફોરેસ્ટ વિભાગ પાસેથી પરમિશન માગી છે, જેની મંજૂરી પ્રક્રિયા હાલ ચાલી રહી છે.​ પરિક્રમા રૂટ પર મેડિકલ ટીમ અને દવાઓ
ગિરનાર પરિક્રમાના નિયત કરેલા જંગલ વિસ્તારમાં આ કામચલાઉ દવાખાના ઊભા કરવામાં આવશે. આ સ્થળોમાં ઝીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપર, માળવેલા, નળપાણીની ઘોડી ઉપર, નળપાણીની ઘોડી વિસ્તાર-શ્રવણની કાવડ વિસ્તાર, સરકડિયા વિસ્તાર, બોરદેવી વિસ્તાર, બોરદેવી મંદિર, ભવનાથ, જૈન દેરાસર અને અંબાજીની ટૂંકનો સમાવેશ થાય છે.આ દરેક મેડિકલ પોઈન્ટ પર ડોક્ટર, ફાર્માસિસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ જરૂરી જીવન રક્ષક દવાઓ, હાર્ટ એટેકને લગતી દવાઓ, ઓક્સિજન અને પ્રાથમિક સારવારની સાધન-સામગ્રી સાથેની ટીમ 24 કલાક કાર્યરત રહેશે.​ પોલીસ રાવટીઓ પર વધારાની આરોગ્ય વિભાગની ટીમો
આરોગ્ય વિભાગ દ્વારા પોલીસની રાવટીઓ (ચોકીઓ) ખાતે પણ જરૂરિયાત મુજબ 40 જેટલી વધારાની ટીમો, દવાઓ અને ઇમરજન્સી સારવારની તાલીમ સાથે તૈનાત કરવામાં આવી છે.પરિક્રમા દરમિયાન નિયત કરેલ તમામ પોઈન્ટ ખાતેથી પસાર થનાર વૃદ્ધ વ્યક્તિઓના બ્લડ પ્રેશર (BP) અને ઓક્સીજન લેવલની વિગતવાર તપાસ કરવામાં આવશે. હૃદયની તકલીફવાળા વ્યક્તિઓને અલગ તારવીને તેમને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવશે.​ સ્ટ્રેચર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા
દરેક કામચલાઉ દવાખાના ખાતે 2-સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યાં વધુ ચઢાણ છે, તેવા ઈમરજન્સી વિસ્તારો માટે વધારાના 10 સ્ટ્રેચર રાખવામાં આવ્યા છે.જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની એમ્બ્યુલન્સ ઝીણાબાવાની મઢી, બોરદેવી, બોરદેવી મંદિર, શ્રવણની કાવડ વિસ્તાર અને ભવનાથ ખાતે સ્ટેન્ડ બાય રહેશે. માળવેલા સ્થળની એમ્બ્યુલન્સ નજીકના સરકડિયા ખાતે તૈયાર રખાશે.ઇમરજન્સી માટે ઝીણાબાવાની મઢી, શ્રવણની કાવડ અને બોરદેવી ત્રણ રસ્તા ખાતે વધારાની 3 એમ્બ્યુલન્સ તૈયાર રખાશે.જૂનાગઢ જિલ્લાની બે મોબાઈલ હેલ્થ યુનિટની વાન પણ પરિક્રમા દરમિયાન ઉપલબ્ધ રહેશે.કુલ 10 જેટલી 108 એમ્બ્યુલન્સ (7 રૂટ પર અને 3 જૂનાગઢ શહેરમાં) વ્યૂહાત્મક સ્થળો જેમ કે રેલ્વે સ્ટેશન, અશોક શિલાલેખ, ભવનાથ પાર્કિંગ, ભવનાથ પોલીસ સ્ટેશન, કાળવા ચોક અને નાગમંડલ મંદિર ખાતે તૈનાત રહેશે.​ તાલીમબદ્ધ સ્ટાફ અને સ્ટેન્ડ બાય ટીમો
પરિક્રમામાં કુલ 18 મેડિકલ ઓફિસર, 12 ફાર્માસિસ્ટ, 73 પેરા મેડિકલ સ્ટાફ અને અન્ય 24 કર્મચારીઓ ફરજ બજાવશે. આ તમામ સ્ટાફને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન), પ્રાથમિક સારવાર, સેનિટેશન અને ક્લોરીનેશન તેમજ ઇમરજન્સી સારવારની વિશેષ તાલીમ આપવામાં આવી છે. તાલુકા હેલ્થ કચેરી અને જિલ્લા સ્તરે રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત, જૂનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતેની નાકોડા હોસ્પિટલમાં કામચલાઉ ICU પણ કાર્યરત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.​ ટ્રાફિક અને રિક્ષા ભાડા પર નિયંત્રણટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને ભાવિકોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફ સિક્યુરિટી બાબતમાં સતત ખડે પગે રહેશે. આ ઉપરાંત, RTO અને પોલીસ વિભાગ દ્વારા રિક્ષાચાલકો સાથે બેઠક યોજીને યોગ્ય ભાડાં નક્કી કરવામાં આવ્યા છે. યાત્રિકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતાં વધુ પૈસા ન લેવાય તે માટે સમગ્ર રૂટ પર ફરિયાદ માટેના નંબર ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કોઈપણ ફરિયાદ મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. પાર્કિંગની વ્યવસ્થા માટે પણ પોઈન્ટ નક્કી કરી લાઈટિંગ અને જગ્યા સમતળ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.​આ તમામ તૈયારીઓ દ્વારા વહીવટી તંત્રએ ગિરનારની લીલી પરિક્રમાને સુરક્ષિત, સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે કટિબદ્ધતા દર્શાવી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!