નડિયાદ શહેર અને આસપાસના ગામો માટે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યની શરૂઆત થઈ છે. નડિયાદના મુખ્ય અવરજવરવાળા નડિયાદથી મરિડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડનું નિર્માણ રૂપિયા 2.36 કરોડના ખર્ચે કરવામાં આવશે, જે નડિયાદ, મરિડા, વાલ્લા, હાથજ જેવા 8થી વધુ ગામોના રહેવાસીઓ માટે લાભદાયી સાબિત થશે. આ રોડના ખાતમુહૂર્ત કર્યા બાદ નડિયાદના ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, રોડની ગુણવત્તામાં કોઇ બાંધછોડ નહીં ચાલે, જો આ વખતે જો રોડ તૂટ્યો તો બધા સસ્પેન્ડ થશો. ‘આ વખતે જો રોડ તૂટી ગયો, તો તમે સસ્પેન્ડ’
માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિકાસકાર્યની ગુણવત્તા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે માર્ગ અને મકાન વિભાગના એસો અને કોન્ટ્રાક્ટરને પાસે ઊભા રાખીને વ્યવસ્થિત કામગીરી કરવા કડક સૂચના આપી હતી. ધારાસભ્યએ સ્પષ્ટ ટકોર કરી હતી કે, મટીરિયલના સેમ્પલો લઈને જ કામ શરૂ થાય તેની એસોએ ખાતરી કરવી. તેમણે એસોને ચેતવણી આપી હતી કે, “આ વખતે જો રોડ તૂટી ગયો, તો તમે સસ્પેન્ડ.” ‘સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે’
આ ઉપરાંત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કોન્ટ્રાક્ટરને પણ કડક શબ્દોમાં બાંયધરી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે 3 વર્ષની અંદર આ રસ્તા પર કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થશે, તો તેનો ઉકેલ લાવવાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આ કડક સૂચનાઓ પાછળનો હેતુ એ છે કે નાગરિકોને વારંવાર તૂટી જતા રોડના કારણે પડતી હાલાકીમાંથી મુક્તિ મળે અને સરકારી નાણાંનો સદુપયોગ થાય. ‘કોઈપણ પ્રકારનું તોડકામ નવા રસ્તા પર નહી કરાય’
ધારાસભ્યએ વિસ્તારના લોકોને એક મહત્વની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેને પાણી, ગટર, કે અન્ય કોઈપણ કનેક્શન લઈ લેવા હોય તે રસ્તો બનતા પહેલા જ લઈ લેજો. તેમણે ચેતવણી આપી હતી કે, એકવાર રોડનું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ કોઈપણ પ્રકારનું તોડકામ આ નવા રસ્તા પર કરવામાં આવશે નહીં, જેથી રોડની મજબૂતી અને આયુષ્ય જળવાઈ રહે. આ સાથે, નડિયાદ-મરિડા માર્ગનું કાર્ય નિર્ધારિત સમયમાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો હતો. આ રોડથી 10 હજારથી વધારે લોકોને સીધો ફાયદો થશે
નવા બનનારા આ માર્ગથી આશરે 10 હજારથી વધારે લોકોને સીધો ફાયદો થશે, જ્યારે આસપાસના વિસ્તારોમાં રહેતા 20 હજારથી વધુ લોકોને અવરજવરમાં સરળતા મળશે. 3.2 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ રોડમાં ગુણવત્તાની ખાતરી માટે વિશેષ આયોજન કરાયું છે. રોડનો 1.6 કિલોમીટરનો ભાગ ડામર રોડ તરીકે અને બાકીનો 1.6 કિલોમીટરનો ભાગ સિમેન્ટ કોંક્રીટ (CC) રોડ તરીકે બનાવવામાં આવશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!