રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર ફસાયો છે. શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 10 કરોડ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા અંતે તેના ત્રાસથી કંટાળી યુવાન ઘર મૂકી લાપતા થઈ ગયો છે. દરમિયાન વ્યાજખોર વિજય મકવાણા અને તેના માણસો દ્વારા યુવકને આપેલા રૂપિયાની ઉઘરાણી બાબતનો ખાર રાખી તેના ભાઈ કે જેઓ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. તમેજ ભાઈને લુપ્ત કરી નાખ્યો છે અને રૂપિયા આપવા પડશે તેમ કહી નાસી છૂટ્યા હતા. જે ઘટનામાં રાજકોટ ગ્રામ્યની મેટોડા GIDC પોલીસે મુખ્ય આરોપી વિજય મકવાણા, દિલીપ રાઠોડ સહિત 5 શખસની ધરપકડ કરી લીધી છે. પોલીસે ફરિયાદના આધારે પાંચની ધરપકડ કરી
રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ જણાવ્યુ હતુ કે, 6 નવેમ્બરના ફરિયાદી દિલીપભાઈ આઈ ટ્વેન્ટી કાર લઈ વીરડા વાજડીના ગેટ પાસે આવતા 3 અજાણ્યા શખસે દિલીપભાઈની કારના કાચ ફોડી નાખ્યા હતાં. દિલીપભાઈને બહાર કાઢી મારતા મારતા કહ્યું હતું કે, તારા ભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે. તેમ કહી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી છે. જે ઘટના મામલે મેટોડા પોલીસ મથકમાં BNS કલમ 109 મુજબ FIR દાખલ કરવામાં આવેલી છે. જેથી આ ગુનાના આરોપી રાજકોટના વિજય નારાયણ મકવાણા અને 4 અજાણ્યા શખ્સો સામેલ હોવાથી 5 શખસની અટકાયત કરવામાં આવી છે. IG અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય SP વિજયકુમાર ગુર્જરની સૂચનાથી આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. વિજય સામે આઠ ગુના, વિશાલ હજુ ફરાર
આરોપી વિજય સામે અલગ-અલગ 8 FIR નોંધાયેલી છે, જેમાં રાજકોટ, ધ્રોલ અને આટકોટમાં મારામારી, ધાડ, આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. હજુ વિશાલ ગુમ છે, ત્યારે તે સામે આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલા રૂપિયાની લેતીદેતી હતી. દીકરાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી આરોપી અમને હેરાન કરે છેઃ વિનુભાઈ
રાજકોટના રહેવાસી વિનુભાઈ વીરડાએ જણાવ્યું હતું કે, મારા દીકરા વિશાલે વિજય મકવાણા અને તેના ભાઈ ભાવેશ મકવાણા પાસે રૂ.1 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની અમને જાણ પણ ન હતી. અચાનક તે એક ચિઠ્ઠી લખી ઘર મૂકીને જતો રહ્યો છે. જે ચિઠ્ઠીમાં તેને લખ્યું છે કે, હું ઘર છોડીને જાવ છું. વ્યાજવાળા લોકો મને જીવવા નહિ દે. ભાઈ-ભાભી, બા-બાપુ સહિતના પરિવારનું સંતાનોનું ધ્યાન રાખજો. મેં વિજય મકવાણા પાસેથી અને અન્ય લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા છે. વિજય મકવાણા પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા, જેની સામે 40% વ્યાજ વસુલતા હતા. મેં રૂ.1 કરોડ સામે 55 લાખ જેટલી રકમ પરત આપી દીધી હોવા છતાં વધુ રૂ. 2.39 કરોડની માંગણી કરતા હતાં. બાદમાં વ્યાજનું વ્યાજ અને મૂળ રકમ સહિત 10 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. અમારી પાસે આટલા રૂપિયા છે પણ નહિ તો અમે કેવી રીતે આપીએ. દીકરાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વિજય મકવાણા અને ભાવેશ મકવાણા અમને હેરાન કરી રહ્યા છે. (ભાઈ પરિવારનું ધ્યાન રાખજે-હિંમત આપજે…) રેવન્યુ તલાટી ભાઈને રોકી મારમાર્યો
યુવાનના ભાઈ દિલીપભાઈ વીરડા કે, જેઓ કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમને 6 નવેમ્બરના રોજ નોકરીથી પરત આવતા સમયે વાજડી ગામ નજીક અજાણ્યા શખ્સોએ અટકાવી વિશાલ ક્યાં છે? તે જ તેને ગુમ કરી દીધો છે, રૂપિયા તો આપવા જ પડશે. અમે વિજયભાઈના માણસો છીએ, કહી બેફામ માર માર્યો હતો, જેના કારણે હાથ તથા પગમાં ઈજાઓ પહોંચતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે હાલ સારવાર હેઠળ છે અને તેમણે પણ સમગ્ર મામલે પોલીસ વિજય મકવાણા અને અજાણ્યા માણસો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. મારે વિશાલના પરિવાર સાથે કોઈ દુશ્મની નથીઃ ભાવેશ મકવાણા
બીજું બાજુ ભાવેશ મકવાણાએ વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે, હું એક સિંગર છું. વિશાલ વીરડા મારો નાનપણનો ખુબ સારો મિત્ર છે. મેં કોઈ પઠાણી ઉઘરાણી કરી નથી. વિશાલ વીરડાએ મને જુદા-જુદા બહાના આપી મારી પાસેથી અને મારા મોટાભાઈ વિજય મકવાણા પાસેથી રૂપિયા લીધા છે જે પરત આપ્યા નથી. મારા ઉપરાંત વિશાલે અનેક લોકો પાસેથી રૂપિયા લીધેલા છે, જેઓને પણ તેને પરત આપ્યા નથી. મારે વિશાલના પરિવાર સાથે કોઈ દુશ્મની નથી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!