ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. કોમ્પલેક્સમાં અનેક હોસ્પિટલો આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડને કોલ મળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યૂ કરાયું હતું. હોસ્પિટલમાંથી અંદાજિત 20 બાળકોનું રેસ્કયૂ કરાયું હતું. આ બનાવમાં નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ એક બાળકીના પિતાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. એ ખતરનાક ઘટનાને યાદ કરતા તેઓ જણાવે છે કે આગ લાગી ત્યારે મારી બેબી ક્રિટિકલ યુનિટમાં પેટીમાં હતી અને હું અને પત્ની રૂમમાં હતા. બહાર જઈને જોયુ તો લોબીમાં કઇંજ દેખાતું નહોતું. ધુમાડાને કારણે ગુંગણામણ થતી હતી. તો આ દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે સૌથી પહેલા પહોંચેલા EMT ગોપાલ ચૌહાણે પણ રેસ્કયૂ ઓપરેશન વિશે જણાવ્યું હતું. તો આવો જાણીએ આ દુર્ઘટનામાં નજરે જોનારે શું કહ્યું? ‘આગ લાગી ત્યારે બેબી ક્રિટિકલ કેર યુનિટમાં પેટીમાં હતી અને હું અને પત્ની રૂમમાં હતા’
આ બનાવમાં હોસ્પિટલમાં દાખલ બાળકીના પિતા દર્શનભાઈ હરસોરાએ જણાવ્યું હતું કે મારી પત્નીએ 28 તારીખે અન્ય હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો અને 4 દિવસની બાળકીને કમળો થવાથી તબિયત સારી ન હતી. ગઈકાલે બપોરે બાળકીને નાઇસ હોસ્પિટલમાં NISU(નીયોનેટલ આઇસીયુ)માં એડમિટ કરવામાં આવી હતી. મારી બેબીને ક્રિટિકલ કેર યુનિટમાં પેટીમાં રાખેલી હતી અને મારી પત્ની અને અમે બંને રૂમમાં હતા. ‘લોબીમાં બહાર ગયા તો કંઈ દેખાતું નહોતું અને ગુંગણામણ થતી હતી’
સવારે 9:30થી 9:45ની આસપાસ હોસ્પિટલમાં ધુમાડો આવવાનો શરૂ થયો. અમે બહાર જઈને જોયું તો લોબીમાં અને બધે ધુમાડો હતો. એટલે અમે તરત જ જે કાંઈ હાથમાં હતું એ લઈ બહાર દોડી આવ્યા. પછી દરવાજો ખોલ્યો તો ધુમાડો હોવાથી કંઈ દેખાતું નહોતું. પછી દરવાજાથી અમે સીધા ગયા તો ત્યાં પણ કંઈ દેખાતું ન હતું અને ધુમાડો હતો તથા ગુંગણામણ થવા લાગી. ‘બચવા માટે બધા બારી ખોલીને ત્યાંથી કુદકો મારતા હતા’
ત્યાંથી અમે ડોક્ટરની કેબીનમાં ગયા અને ત્યાંથી જોયું કે એક બારી ખુલ્લી છે અને ત્યાં સ્ટાફના એક-બે વ્યક્તિ ઊભા હતા. બચવા માટે બધા બારી ખોલીને ત્યાંથી કુદકો મારતા હતા અને નીચે બચાવવા માટે બે-ત્રણ વ્યક્તિઓ કાર ઉપર ચડીને ઊભા હતા. ‘કેમેરામાં સ્ટાફે મને દેખાડ્યું કે બેબી સુરક્ષિત છે’
બાદમાં હોસ્પિટલ સ્ટાફે મને કેમેરામાં દેખાડ્યુ કે બેબી સુરક્ષિત છે, એક નર્સ તેની સાથે જ હતી. કોરિડોરમાંથી આવીને નર્સે બેબીને મને આપી અને પછી અમે બંને નીચે ઉતરી ગયા. આમ આ રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્ટાફનો પૂરો સપોર્ટ હતો.
આગ લાગી ત્યારે પાર્કિંગમાં હતો: નજરે જોનાર
અન્ય એક નજરે જોનાર EMT ગોપાલ ચૌહાણએ જણાવ્યું હતું કે, આગ લાગી ત્યારે હું પાર્કિંગમાં બેઠો હતો. મારી નજરની સામે સમીપ કોમ્પ્લેક્સમાંથી ધુમાડા નીકળતા હોય તેમ દેખાયું. હું તરત અધિકારીને ઇન્ફોર્મ કરી સામે બિલ્ડિંગમાં પહોંચ્યો. 108માં ફોન કરી જણાવ્યું કે તાત્કાલિક જેટલી ટીમો હોય તે કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સ પાસે પહોંચી જાવ. અમારા પાયલોટ ઘનશ્યામભાઈ ડાંગરે પબ્લિક એનાઉન્સમેન્ટથી ભીડ કંટ્રોલ કરી
સાથે જ અમારા પાયલોટ ઘનશ્યામભાઈ ડાંગરે સાંઈરામથી પબ્લિક એનાઉન્સમેન્ટ કર્યું કે સાથ સહકાર આપો અને બચાવ કામગીરીમાં ભીડ ન કરો, ટ્રાફિક ન કરો. આમ અમે આ ઘટનાને પાર પાડી હતી. બચાવ કામગીરીમાં કોઈ જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક 108ની આઠથી દસ ટીમ પહોંચી ગઈ હતી. નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એડમિટ 5 બાળકોને સર ટી હોસ્પિટલમાં ખસેડાયા
નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એડમિટ 5 જેટલા બાળકોને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 5 ફાયર ફાઇટર-50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા: ફાયર ઓફિસર
ફાયર ઓફિસર પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું હતું કે ફાયર વિભાગને સવારે 9:43 વાગ્યે કોલ મળ્યો હતો અને માત્ર 7 મિનિટમાં જ ફાયર કાફલો બનાવ સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ટીમે 4 લોકોનું અને લેડર ટીમે અંદાજિત 20 લોકોનું રેસ્કયૂ કર્યું હતું. તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કોમ્પ્લેક્સમાં મોટેભાગે હોસ્પિટલો છે. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગી હતી ને પછી પ્રસરી હતી. 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા. 7 ટુ-વ્હીલર અને 3 ફોર વ્હીલર બળીને ખાખ
સમીપ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગમાં અંદાજિત 7 ટુ-વ્હીલર અને 3 ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી: મનપા કમિશનર
ભાવનગરના કમિશનર એન.વી.મીનાએ જણાવ્યું કે કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી. એના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યાએ ખસેડાયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. ક્યાં કારણસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરી પગલાં લઈશું. સમીપ કોમ્પલેક્સમાં આગ લાગતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું કે કાળુભા રોડ સમીપ કોમ્પલેક્સમાં સવારે આગ લાગતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી. બાળકોનું રેસ્કયૂ કરાયું હતું. કોઈ જાનહાનિ થઈ નથી. પાર્કિંગમાં આગ લાગ્યાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ કોમ્પલેક્સને ખાલી કરાવાયું છે. મેયર ભરત બારડ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા
બનાવની જાણ થતાં ભાવનગરના મેયર ભરત બારડ બનાવ સ્થળે પહોંચ્યા હતા. સાથે જ બનાવ સ્થળ પર અને જે હોસ્પિટલમાં બાળકો એડમિટ હતા તે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ફાયર સેફ્ટીની સિસ્ટમ બંધ હોય તેમ લાગે છે: શહેર કોંગ્રેસ પ્રમુખ
આ બનાવ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ અને હોસ્પિટલની કેટલી બેદરકારી કહેવાય કે પાર્કિંગમાં કેટલો કચરો હતો જેના કારણે આગ લાગી હતી. મને જોવા મળ્યું છે તે પ્રમાણે ફાયર સેફટીની સિસ્ટમ બંધ હોય તેવું લાગ્યું છે. પાર્કિંગમાં 8-10 ફોર-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!