સુરત શહેરમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા લોકો સાવધાન. સુરત ટ્રાફિક-પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ-પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરનાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ હવે બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને 500થી લઈને 1,000 સુધીનો દંડ થઈ શકે છે. પહેલા જ દિવસે સિગ્નલો પર હોર્ન વગાડવા મુદ્દે પોલીસે ટોકતાં વાહનચાલકોએ અલગ અલગ બહાનાં કાઢ્યાં હતાં. સિગ્નલ બંધ હોવા છતાં વાહનચાલકો સતત હોર્ન વગાડે છે
ટ્રાફિક-પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું હતું કે સુરતમાં લોકો જાણતા-અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઊભેલા અન્ય વાહનચાલકો પરેશાન થાય છે. ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઊભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય, તેમ છતાં પાછળના વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે. ફ્રી લેફ્ટ ટર્ન પર બાઈકવાળો ઊભો હતો તો એને સાઈડ કરવા હોર્ન વગાડ્યો
સિગ્નલ પર ટ્રક લઈને પસાર થઈ રહેલા કંચનભાઈએ જણાવ્યું હતું કે મેં હોર્ન એટલા માટે વગાડ્યો કે આજુબાજુના ગાડીવાળા આવીને ઘૂસી જાય છે. હોર્ન વધારે નથી વગાડ્યો, એક બાજુ હોન્ડાવાળા તો બીજી બાજુ મારુતિવાળા ઘૂસી જાય છે, આ માટે હોર્ન વગાડું છું. પછી એ જ લોકો કહે છે કે ગાડી અડાવી દીધી, અકસ્માત થઈ ગયો. જ્યારે ડાબી બાજુ ટર્ન લેવા માટે અનેકવાર હોર્ન વગાડનાર યશભાઈએ જણાવ્યું હતું કે મેં બેથી ત્રણ હોર્ન વગાડ્યા છે. મારે લેફ્ટ ટર્ન લેવાનો હતો અને સામે એક બાઈકવાળો હતો, આ માટે હોર્ન વગાડ્યો. જગ્યા નહીં હોય તો આપણે શું કરીએ?, માત્ર બે જ હોર્ન વગાડ્યા છે. પછી આ બાઈકવાળાએ મને રસ્તો પણ આપી દીધો હતો. ‘મેં હોર્ન નથી વગાડ્યો, પણ પોલીસે સાંભળ્યો’: વાહનચાલક
અન્ય એક વાહનચાલક જશવંતભાઈએ જણાવ્યું હતું કે મેં હોર્ન વગાડ્યો જ નથી, પણ તેમને સાંભળ્યો, પણ મેં નથી વગાડ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હોર્નનો અવાજ વધારે છે, ત્યારે તેમણે તેમની ભૂલ સ્વીકારતાં કહ્યું કે હા, અન્ય વાહનો કરતાં તેમના હોર્નનો સાઉન્ડ વધારે છે. ત્યાર પછી તેમણે માફી પણ માગી લીધી. PSIએ વધુમાં જણાવ્યું હતું કે અમે લોકોને જણાવી રહ્યા છે કે બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળો. મોટા જંક્શન અને જ્યાં મેઈન ચાર રસ્તા છે ત્યાં બૂમ કેમેરા લગાડવામાં આવ્યા છે. જો કોઈ કામ વગર હોર્ન વગાડશે તો વધુપડતા હોર્ન વગાડવા અંગે ઈ-ચલણ તાત્કાલિક મોકલી આપવામાં આવશે. ટ્રાફિક-પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું
એસ.આર.ટંડેલના જણાવ્યા અનુસાર, લોકોમાં ધૈર્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનોમાં માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિ ઊભી થાય છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક-પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ લોકોને સમજાવશે કે વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો. નિયમ ભંગ કરનારને 500થી 1,000 સુધીનો દંડ
જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક-પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને આઇડેન્ટિફાય કરીને દંડની કાર્યવાહી શરૂ કરશે, જોકે એસીપી ટંડેલએ સ્પષ્ટ કર્યું કે પોલીસનો મુખ્ય પ્રયાસ દંડ કરવાનો નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. કાયદાકીય કાર્યવાહીની વિગતો ધ્વનિ-પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજર
ટ્રાફિક-પોલીસ હવે માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ કે હેલ્મેટ ન પહેરવા જેવા નિયમોના ભંગ કરનારાઓ પર જ નહીં, પરંતુ ધ્વનિ-પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજર રાખશે. આ પગલાથી લોકોને રાહત મળે અને શહેરીજનોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એવો પોલીસનો ઉદ્દેશ છે. સતત કર્કશ અવાજ વાહનચાલકોની એકાગ્રતા ભંગ કરે છેઃ ટ્રાફિક-પોલીસ
સુરત દેશના સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાંનું એક છે અને ટ્રાફિક સતત વધી રહ્યો છે. આવા સંજોગોમાં બિનજરૂરી હોર્ન વગાડવાની આદત માત્ર અવાજનું પ્રદૂષણ નથી ફેલાવતી, પરંતુ એ અકસ્માતનું કારણ પણ બની શકે છે, કારણ કે સતત કર્કશ અવાજ વાહનચાલકોની એકાગ્રતા ભંગ કરે છે. ટ્રાફિક-પોલીસનું આ નવું અભિયાન સુરત શહેરને ટ્રાફિકની શિસ્ત અને ધ્વનિ- પ્રદૂષણ મુક્ત બનાવવા તરફનું એક મહત્ત્વનું પગલું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી થતા ધ્વનિ-પ્રદૂષણ વિશે જાગ્રત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય એ પહેલાં લોકો પોતાની આદતો સુધારી લે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!