પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અફરા તફરી મચી ગઈ છે. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા. ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનીમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા છે તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી છે, તેવામાં એર ઇન્ડિયાના ભાડામાં ચાર ગણો વધારો થયો છે. મજબુરીમાં હવે મુસાફરોનેે બસ-ટ્રેનમાં મુસાફરી કરવી પડશે. મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઈન્સે બીજી એક મોટી ભૂલ કરી છે. 4 ડિસેમ્બરની ફ્લાઈટના જેટલા પણ પેસેન્જર છે એ બધાના લગેજ આપવામાં આવ્યા નથી. 4 ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે, તેઓની ફ્લાઈટ ગઈકાલે ટેકઓફ થઈ ગઈ હતી, પરંતુ તેઓનો સામાન હજુ પરણ અમદાવાદ એરપોર્ટ પર જ છે. 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન પણ હજુ સુધી પરત કરવામાં આવ્યો નથી. એક મુસાફરે એવું જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન 4 ડિસેમ્બરની જે ફ્લાઈટ ગોવા ગઈ છે, તેમાં જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં લગેજને લઈને મુસાફરો હોબાળો મસાવી રહ્યાં છે.
વડોદરાથી ઉડાન ભરતી ઈન્ડિગોની 9 ફ્લાઈટ રદ
વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી ઈન્ડિગોની નવ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ 2 ફ્લાઇટ રદ કરાઈ હતી અને 2 ફ્લાઇટ મોડી પડી હતી. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. બીજી તરફ વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે એર ઇન્ડિયા આજે અને કાલે દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની બે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. આજની એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી વડોદરા 13:45 વાગ્યે પહોંચશે અને 15:05 વાગ્યે વડોદરાથી દિલ્હી માટે રવાના થશે. વડોદરા એરપોર્ટ પર પચેલા મુસાફરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, કંપનીએ હાથ ઊંચાકરી દીધા છે. કંપનીની પોલિસી ફક્ત પ્રોફિટ છે, પેસેન્જર તમારા માટે કોઈ મહત્વના નથી. તમારે જ પ્રોફિટ કમાવો છે, પેસેન્જર બિચારા ઝાડ ઉપરથી તોડીને પૈસા લાવે છે. મારા દીકરાનો હનીમૂનનો પ્લાન કેન્સલ કરવો પડ્યોઃ પદ્મકાન્તભાઈ
વડોદરા એરપોર્ટ પર આવેલા પદ્મકાન્તભાઈ શાહે જણાવ્યું હતું કે, મારા દીકરા અને તેની પુત્રવધુને હનિમૂન માટે ગોવા જવાનું હતું, જેથી હું વડોદરા એરપોર્ટ આવ્યો હતો. અહીંથી મને કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદથી તમારી ટિકિટ કન્ફર્મ છે, તમે અમદાવાદ જાઓ, જેથી હું મારા પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ગયો હતો, જ્યાં અમને કહેવામાં આવ્યું હતું કે, ફ્લાઇટ રાત્રે એક વાગે ઉપડશે. પછી અમને કહેવાયુ કે, ફ્લાઈટ સવારે ચાર વાગે ઉપડશે. પછી કહ્યું કે, ફ્લાઈટ આઠ વાગે ઉપડશે. પછી સવારે 9:15 વાગેનો ટાઈમ આપ્યો, પછી છેલ્લી ઘડીએ કહ્યું કે, ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. અહીં કોઈ જવાબ આપતું નથી, ખબર નહિ આપણે ક્યાં જીવી રહ્યા છીએઃ ઝાકીર હુસૈન
અન્ય મુસાફર ઝાકીર હુસૈનએ જણાવ્યું કે, આવતીકાલે મારી મુંબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે. આજે indigoની ઘણી બધી ફ્લાઇટ રદ થવાથી મેં indigoનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. મારે આવતીકાલે સાઉદી અરેબિયા જવાનું છે, જેના માટે આજે મુંબઈ પહોંચવું જરૂરી છે. હું ત્યાં નોકરી કરું છું, તેથી મારે સમયસર પહોંચવું જરૂરી છે. હવે ટિકિટ ન મળતા મારો એક દિવસ ખરાબ થશે અને મને ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે બીજી ટિકિટ કરાવી પડશે, તેના ચાર ગણા રૂપિયા ચૂકવવા પડશે અને જેના માટે એક લાખ રૂપિયાનું નુકસાન છે. અહીં કોઈ જવાબ આપતું નથી, ખબર નથી આપણે ક્યાં જીવી રહ્યા છીએ. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ
રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે, પરંતુ ઈન્ડિગો એર લાઇન્સની છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે. આજે પણ રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડિગોની આઠ ફ્લાઈટ રદ થઈ છે. હાલ એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. રાજકોટ એરપોર્ટ પરથી 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ઉપરાંત 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલુરુ, 4.55 વાગ્યાની મુંબઈ, 5.55 વાગ્યાની દિલ્હી, 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઈન્ડિગોની મોટા ભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતાં મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે.
આ પણ વાંચો… ઇન્ડિગો સ્ટાફ કટોકટી, આજે પણ 400+ ફ્લાઇટ રદ, પેસેન્જર્સે કહ્યું- કોઈ મેઈલ-મેસેજ નહીં, એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવડાવે છે
મુસાફરોને અગાઉથી જાણ કરાત તો એરપોર્ટ સુધીનો ધક્કો બચે!
રાજકોટથી 36 કિલોમીટર દૂર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે, જેને કારણે તેમનો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે, જોકે હવે મુસાફરોને થોડા સમય પહેલાં ફ્લાઇટ કેન્સલ થયાની એડવાન્સમાં જાણ કરવામાં આવતાં એરપોર્ટ સુધીનો ધક્કો તો બચે છે, પરંતુ મેડિકલ ઈમર્જન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થતાં હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો
અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોની ફ્લાઈટ ડીલે અથવા કેન્સલ થતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. રોષે ભરાયેલા મુસાફરોએ ઇન્ડિગો ચોર હૈ અને ઇન્ડિગો મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આજની ફ્લાઇટ હતી તેવા ઘણાં લોકોને આવતીકાલ માટે રિ-શિડ્યુલ કરીને ટિકિટ આપવામાં આવી રહી છે. કોઈ પોતાની મિટિંગ પોસ્ટપોન્ડ કરી રહ્યું છે, તો કોઈનું ઇન્ટરવ્યુ કેન્સલ થઈ રહ્યું છે. અહીં એવા પણ મુસાફર છે જે પોતાના લગ્નના રિસેપ્શનમાં પણ સમયસર પહોંચી શક્યાં નથી. હાલમાં એરપોર્ટ પર લગેજ લેવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. અહીં ધર્ષણના દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. કેનેડામાં લગ્ન કરીને આવેલા કપલને 16 કલાક બસમાં ટ્રાવેલ કરવું પડશે
કેનેડામાં લગ્ન કરીને આવેલા એક પંજાબી પરિવાર આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓને પોતાના વતનમાં આવતીકાલે રિસેપ્શન રાખેલું હોવાથી તેઓએ ફ્લાઇટ બુક કરી હતી, પરંતુ ફ્લાઈટ ડિલે થતા તેઓ હવે બસનું અરેન્જમેન્ટ કરીને પોતાના વતનમાં જઈ રહ્યા છે. કંટાળેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, ઓલરેડી અમે લગ્નમાં થાકીને આવ્યા હતા, હવે ફરીથી અમારે બસમાં ટ્રાવેલ કરીને 16 કલાકનું ટ્રાવેલ કરીને જવું પડશે. આવતીકાલે રિસેપ્શન છે, તો ઈન્ડિગો એરલાઇન આવું કેવી રીતે કરી શકે? ઓલરેડી અમે લગ્નમાં થાકીને આવ્યા, હવે બસથી રિસેપ્શન સ્થળે પહોંચવું પડશેઃ સુરીન
સુરીન નામના મુસાફરે જણાવ્યું કે, ફ્લાઇટમાં થઈ રહેલા વિલંબના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવવાની અને પાછા જવાની બંને ફ્લાઇટ માટે એરલાઇન્સે સંપૂર્ણ રિઇમ્બર્સમેન્ટ અને ફુલ રિફંડ આપવું જોઈએ. મને અહીંના હવાઈ ભાડા વિશે કોઈ જાણકારી નથી. ફ્લાઇટ રદ કરવા પાછળનું ચોક્કસ કારણ મુસાફરોને જણાવવામાં આવતું નથી, આના કારણે સામાન્ય લોકોના આયોજનો ખોરવાઈ રહ્યા છે. વ્યક્તિગત રીતે મને ખૂબ જ તકલીફ પડી છે. જેમ કે, ફ્લાઇટ રદ થવાને કારણે બસની વ્યવસ્થા કરવી પડી છે. લગ્નના પ્લાન બગડી ગયા છે અને 16 કલાકની ડ્રાઇવ કરીને હવે સવારે રિસેપ્શન સ્થળે પહોંચવું પડશે. તેઓએ આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપીને ઉકેલ લાવવાની માગ પણ કરી હતી. ઇન્ડિગો એરલાઇન્સ તરફથી કોઈ મદદ મળી નથીઃ પવનીત
પવનીત નામના અન્ય મુસાફરે જણાવ્યું કે, ફ્લાઇટમાં થઈ રહેલા ડિલેના કારણે ખુબ મુશ્કેલી પડી રહી છે. સવારે 7 વાગ્યાથી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ રહ્યો છું. ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે હોટેલ પહોંચ્યા હતા અને આજે વહેલી સવારે 4 વાગ્યે જલ્દી એરપોર્ટ પહોંચવા માટે નીકળી ગયા હતા. મારૂં રિસેપ્શન હોવાથી, ફ્લાઇટ રદ થવાને કારણે મને મુશ્કેલી પડી છે. હવે મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી, તેથી બસની વ્યવસ્થા શોધી રહ્યો છું. અન્ય એરલાઈન્સમાં તપાસ કરતા ભાડું વધારે છેઃ શીતલ શાહ
શીતલ સ્વપન શાહે જણાવ્યું હતું કે, અમે વડોદરાથી અમદાવાદ આવ્યા. અમદાવાદથી અમારી બોમ્બેની ફ્લાઈટ હતી અને બોમ્બેથી કોલંબો જતા હતા અમે. એટલે એક્ચ્યુઅલમાં કાલે રાત્રે અમારી દોઢ વાગ્યાની ફ્લાઈટ હતી. એ કેન્સલ થઈ છે. એટલે એ લોકોએ દોઢના સવાચાર કર્યા, સાડાપાંચ કર્યા, ફાઈનલી દસ વાગ્યા સુધી કંઈ જ કહ્યું નથી અને હવે કેન્સલ થઈ છે ફ્લાઈટ. એટલે અમે રાત્રે બાર વાગ્યાથી એરપોર્ટ પર બેઠા છીએ અને હવે કેન્સલ થતાં અમે લોકો પાછા જઈએ છીએ. અમે એર ઈન્ડિયા માટે ટ્રાય કર્યો. એક્ચ્યુઅલમાં અમે લોકો ટૂરમાં સાથે છીએ, પેકેજ ટૂર હતી અમારી. તે અમારા ટૂર મેનેજરે એર ઈન્ડિયામાં ટ્રાય કર્યો, તો કહે છે પર પેસેન્જર 25,000 ટિકિટના થશે. હું પરફેક્ટલી નહીં કહી શકું પણ પાંચથી છ ગણું તો ભાડું વધી ગયું છે. સુરત એરપોર્ટની ત્રણ ફ્લાઈટ રદ, એકને ડાઈવર્ટ કરાઈ
સવારે હૈદરાબાદથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આ સાથે જ દિલ્હીથી સુરત આવતી ઇન્ડિગોની ફ્લાઈટને બેંગલુરુ ડાઇવર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે જ આજે બપોર બાદની બેંગલુરુ, જયપુર, ગોવા અને કોલકાતાથી સુરત આવતી ફ્લાઈટનું પણ કોઈ ઠેકાણું નથી, જેના પગલે સુરતથી દિલ્હી, બેંગલુરુ, જયપુર, ગોવા, અને કોલકાતા જતી ફ્લાઈટોનું પણ હજુ કોઈ શિડ્યૂલ સામે આવ્યું નથી. પ્રેક્ષા નામની મુસાફરે ઓડિયો રેકોર્ડિંગ કરી પોતાનો રોષ ઠાલવ્યો..
પ્રેક્ષા નામની મુસાફરે પોતાના ઓડિયો રેકોર્ડિંગમાં જણાવ્યું કે, હું લાંબી મુસાફરી પછી વહેલી સવારે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી. અહીં આવીને, તેઓ મને હેરાન કરે છે કે છેલ્લી ઘડીએ મારી ફ્લાઇટ રદ થઈ ગઈ છે. છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેવી રીતે રદ થઈ શકે? શું તે વ્યાજબી છે? મારે ખૂબ જ અગત્યનું જવાનું હતું. મારી બોર્ડની પરીક્ષાનો વાયવા હતો જે ફરીથી લેવાતો નથી. વધુમાં ઉમેર્યું કે, મેં તે ગુમાવ્યો. મેં તેમને ઘણી વિનંતી કરી, ઘણી પ્લીઝ કરી, ઘણી રિક્વેસ્ટ કરી. તેમનો કાઉન્ટર નંબર 26 છે હેલ્પલાઈન માટે. મેં ઈન્ડિગોની હેલ્પલાઈન પર પણ કોલ કર્યો. કોઈ પહેલ કરી રહ્યું ન હતું. તેઓ ફક્ત ખોટી આશ્વાસન આપી રહ્યા હતા કે, તેઓએ બધુ ઠીક કરી દીધું છે અને વગેરે કે તેઓ મદદ કરી રહ્યા છે, પણ કોઈ મદદ થઈ રહી નથી. તમે અહીં સામાન જુઓ છો, કોઈ જવાબદારી નહીં. કશું જ નહીં. સામાન કચરાની જેમ ફેંકવામાં આવી રહ્યો છે. અંદરની હાલત તેનાથી પણ ખરાબ છે. સામાન ફક્ત ફેંકી દેવામાં આવ્યો છે. કોઈ એ પણ નથી જોઈ રહ્યું કે કોણ કોનો સામાન ઉપાડીને જઈ રહ્યું છે. વૃદ્ધ લોકો જે વૃદ્ધાવસ્થાના છે, તેમને અંદર વ્હીલચેર પણ મળી રહી નથી. Indigo એરલાઇન મુસાફરના સામાનની કદર નથી કરી રહી અને જેમતેમ વેરવિખેર કરી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુસાફર નો સામાન નીચે વેરવિખેર પડી રહ્યો છે. 1 નવેમ્બરથી પાઇલટ્સ-ક્રૂ-મેમ્બર્સનાં કામ સંબંધિત નિયમોમાં ફેરફાર
એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ચોથા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. DGCAએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-મેમ્બર્સનાં કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારોને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો હતો, જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો છે, જેના પછી એરલાઇન કંપનીઓ ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી છે. દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન્ડિગો પાસે આખરે ઇન્ડિગોથી તણાવ કેમ?
ઇન્ડિગો પાસે સૌથી વધુ 434 વિમાન છે. એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની 60%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની પાસે છે. હાલ કેટલો સ્ટાફ છે?
હાલ તેની પાસે 5456 પાઇલટ અને 10212 કેબિન ક્રૂ-મેમ્બર છે. 41 હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે. ક્રૂની અછત કેમ છે?
ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત સર્જાઈ છે. નવા નિયમોમાં પાઇલટોના ઉડાન ભરવાના નિયમો ઘટાડીને દરરોજ 8 કલાક કરી દીધા છે. નાઇટ લેન્ડિંગ 6થી ઘટાડીને 2 કરી દીધી છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે. કંપની સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિગોની શિડ્યૂલિંગ સિસ્ટમ આ બદલાવ પછી હજુ સંપૂર્ણપણે સ્થિર થઈ નથી, જેના કારણે ઘણા મહત્ત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે.
આ પણ વાંચો…. ગઈકાલે પણ ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ છવાયો હતો. નવા DGCA સલામતી નિયમોના કારણે ક્રૂની અછતને લીધે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ભારે સંકટમાં છે. દેશભરમાં ગઈકાલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ કેન્સલ, 12 ફ્લાઈટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને આવતીકાલની ફ્લાઇટ મળશે કે કેમ તેની પણ કોઈ ખાતરી નથી. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!