
Indigo Flights Cancelled : ગુજરાતભરના એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની સેવા સતત ચોથા દિવસે ખોરવાતા હજારો મુસાફરો અટવાયા છે. સ્ટાફની અછતને કારણ આગળ ધરીને ઈન્ડિગો દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતથી ઓપરેટ થતી અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરોની ધીરજ ખૂટી ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પર રોષે ભરાયેલા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો અને ‘ઈન્ડિગો ચોર હૈ, મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઈન્સ દ્વારા તેમને સમયસર યોગ્ય માહિતી આપવામાં આવી નથી.
