ગુજરાત હાઇકોર્ટે, કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફ ટ્રસ્ટોની લગભગ 150 અરજીઓ ફગાવી દીધી છે. હવે વકફ સંસ્થાઓ કોર્ટ ફી ચૂકવ્યા વગર ટ્રિબ્યુનલમાં જઈ શકશે નહીં. રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી રજૂ થયેલા સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે જો હિન્દુ મંદિર ટ્રસ્ટ, ચેરિટેબલ સંસ્થા, સહકારી સંસ્થા અથવા ખાનગી વ્યવસાય જેવી કોઈપણ સંસ્થાને ન્યાય મેળવવા કોર્ટ ફી ચૂકવવી પડે છે, તો વકફ સંસ્થાઓ પણ એ જ રીતે કોર્ટ ફી ચૂકવવાની ફરજદાર છે અને તેમને કોઈ ખાસ છૂટછાટ આપી શકાય નહીં. સુન્ની મુસ્લિમ ઇદગાહ મસ્જિદ ટ્રસ્ટ, વડોદરા શહેર મસ્જિદ સભા ટ્રસ્ટ અને અમદાવાદની સરખેજ રોજા કમિટી જેવી સંસ્થાઓની અરજીઓ પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ ટ્રસ્ટોએ વકફ ટ્રિબ્યુનલ દ્વારા સુનાવણી પહેલાં કોર્ટ ફી ચૂકવવાનો આદેશ પડકાર્યો હતો, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સ્થાપિત કાનૂની પ્રક્રિયા કરતાં કોઈ પણ વાદી ઉપર નથી અને કોર્ટ ખર્ચ બાબતે વકફ સંસ્થાઓને હવે અન્ય તમામ ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓની જેમ જ ગણવામાં આવશે. કોર્ટ ફીમાં છુટછાટની માગ કરતી 150 અરજી ફગાવવામાં આવી
અત્યાર સુધી વકફ સંસ્થાઓ કેટલીક કાયદાકીય જોગવાઈઓ હેઠળ કોર્ટ ફીમાં છૂટછાટનો લાભ લેતી હતી. હવે મુસ્લિમ વકફોને અન્ય ધાર્મિક ટ્રસ્ટો અથવા સખાવતી સંસ્થાઓની સમકક્ષ ગણવામાં આવશે. ન્યાયિક પ્રક્રિયામાં સામેલ થવા માટે વકફોએ હવે નિયત કોર્ટ ફી ભરવી અનિવાર્ય રહેશે. નિયત કોર્ટ ફી છૂટછાટની માંગ કરતી તમામ 150 જેટલી પડતર અરજીઓને કોર્ટે બિનપાયાદાર ગણીને રદ કરી છે. દાયકાઓથી નાની દરગાહોથી લઈને મોટા મસ્જિદ બોર્ડ સુધીના ઘણા વકફ સંચાલકો એવો અંદાજ લગાવતા હતા કે, જૂના વકફ કાયદામાં કોર્ટ ફીનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી વકફ સંબંધિત વાદો કોર્ટ ફીમાંથી મુક્ત છે. હવે આ માન્યતા ઉલટાઈ ગઈ છે. ફગાવાયેલી લગભગ 150 અરજીઓમાં રાજ્યભરના મહત્વપૂર્ણ વકફ મિલકતો અંગે ભાડા વિવાદ, કબજા સંબંધિત ઝઘડા અને હકદાર નિવાસના મુદ્દાઓ સામેલ હતા, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા માગવામાં આવેલી કોર્ટ ફી ચૂકવવામાં નિષ્ફળ જતા તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી. દેશના ઈતિહાસમાં આ સૌથી પ્રથમ ચુકાદો છે- હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. દેશના તમામ ધર્મો એકસરખા છે. તમામ નાગરિકોને એકસરખો હક મળે તે માટે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. કોંગ્રેસના શાસનમાં માત્રને માત્ર વોટબેંકની રાજનીતિ માટે એવું વકફ બિલ બનાવવામાં આવ્યું હતું કે, જેના કારણે મંદિર હોય, ગુરુદ્વારા હોય કે કોઈ ધર્મસ્થાન હોય તેના કોઈ ટ્રિબ્યુનલ કેસ લડવા જાવ તો કોર્ટ ફી ભરવી પડતી હતી પણ વક્ફ પ્રોપર્ટી માટે કોઈ પ્રકારની કોર્ટ ફી વસૂલાતી નહોતી. આજે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. વકફની 150 જેટલી પ્રોપર્ટી છે એને પણ કોર્ટ ફી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં આ સૌ પ્રથમ ચુકાદો છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે વકફ મિલકતોના શાસન અને સંચાલન અંગે વ્યાપક ચર્ચા ચાલી રહી છે. આ વર્ષના શરૂઆતમાં સંસદે વકફ (સંશોધન) અધિનિયમ, 2025 પસાર કર્યો હતો — એક વિવાદાસ્પદ કાયદો, જેનો હેતુ વકફ જમીન અને સંપત્તિના સંચાલનને આધુનિક બનાવવાનો છે, પરંતુ જેના વિષે દેશભરમાં સમર્થન તેમજ ટીકા બંને થઈ છે. સમર્થકોનું કહેવું છે કે પારદર્શિતા વધારવા અને વહીવટ મજબૂત કરવા માટે આ ફેરફારો જરૂરી છે. સરકારી સૂત્રોએ હાઈકોર્ટના આ આદેશને કાયદા સામે સમાનતા સુનિશ્ચિત કરનાર અને કાનૂની પ્રક્રિયામાં લાંબા સમયથી રહેલી એક અસંગતતા દૂર કરનાર મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ સમાચાર પણ વાંચોઃ
ગુજરાત વકફ બોર્ડ પાસે 45,000થી વધુ મિલકતો
ગુજરાતમાં વકફ બોર્ડની કેટલી મિલકત છે એ બાબતે દિવ્ય ભાસ્કરે ઑફિશિયલ માહિતી એકત્રિત કરી છે. ગુજરાતમાં આવી મિલકતોની સંખ્યા 45 હજાર કરતાં પણ વધુ છે, જેમાં સ્થાવર મિલકત 39 હજારથી વધુ છે, જ્યારે બાકીની જંગમ મિલકત છે. ઘણાને કદાચ એ વાતની પણ નવાઈ લાગી શકે કે આ મિલકતની યાદીમાં ફક્ત કબ્રસ્તાન, મસ્જિદ, મદ્રેસા જ નહીં, પરંતુ રહેણાક ઘર, ખેતીલાયક જમીન, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આ મિલકતની કિંમત જો બજારભાવે ગણીએ તો આંકડો કરોડોમાં પહોંચી શકે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!