અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ રાજકોટની આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાના છેલ્લા 15 વર્ષથી સપના બતાવવામાં આવી રહ્યા છે.આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂ.1181 કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટની કામગીરી 11 કિલોમીટર વિસ્તારમાં વિકસાવવા જાહેરાત કરવામાં આવી રહી છે. 2022માં પ્રોજેક્ટ માટે પર્યાવરણી મંજૂરી મળી ગયા બાદ પણ કામગીરી આગળ વધી નહોતી. જો કે, હવે આજી નદી કાંઠામાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપી તંત્ર આ એક ડગલું આગળ વધ્યું હોય તેમ લાગે છે. રાજકોટના જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં 1350 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવતા લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. રાજકીટ ઈશારે લોકોને ટાર્ગેટ કરાતા હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે, તંત્રનું કહેવું છે કે, સરકારી જગ્યા પર દબાણો થઈ શકે નહીં. ભવિષ્યમાં અહીં રિવરફ્રન્ટ બનાવવાની પણ યોજના છે. જેથી દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. ભવિષ્યમાં બનનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈ દબાણો દૂર કરવાની તૈયારી
રાજકોટમાં આજી નદીના કાંઠે ભવિષ્યમાં આકાર લેનારા રિવરફ્રન્ટ પ્રોજ્કેટને ધ્યાનમાં રાખીને નદી કાંઠા પર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાંઆવી છે. અંદાજિત 400 કરોડ રૂપિયાની જમીન પર થયેલા 1350 જેટલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને રાજકીય ઈશારે આ કામગીરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. રાજકોટમાં 15 વર્ષથી બજેટમાં રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત!
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ વર્ષ 2011થી કાર્યરત છે. જેમાં સૌથી મહત્વનું અને પ્રથમ પગલું એનવાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવાનું કામ 17.02.2022 ના રોજ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે State Expert Appraisal Committee (SEAC) સમક્ષ તા. 20.08.2021થી સર્ટીફિકેટ મળવા માટે સબમિટ કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને કમિટી દ્વારા જરૂરી સુધારા વધારા કરવા જણાવેલ જે અન્વયે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજુ કરાયું હતું. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિમિટેડ અમદાવાદની તા.5.3.2014થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જેની ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહેલ છે. જેમાં પ્રથમ ફીઝીબીલીટી સ્ટડી, બીજું રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી અને ત્રીજું ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડીટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી. જે પૈકી ફીઝીબીલીટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. અને એન્વાયરમેન્ટલ કલીયરન્સ (EC) ની મંજુરી પણ મળી ગયેલ છે. હવે પછી આજી નદીમાં રિવરફ્રન્ટ અન્વયેના વિશેષ કામો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નદીમાં ઠલવાતો ગાર્બેજ બંધ થશે, અને નદી શુદ્ધ થશે. હાલમાં નદીની પહોળાઈ 80 થી 150 મીટરની છે જેને અંદાજીત 70 મીટરની કરી આજુ બાજુના કાંઠા વાળા ભાગોમા ગાર્ડન, રસ્તા, વોક-વે, ફૂડ કોર્ટ, હોકર્સ ઝોન, STP વી.ની કામગીરી કરવામાં આવશે. હાલ આ નદીનો દૂધસાગર બ્રીજથી ઇન્દિરા બ્રીજ સુધીનો ભાગ ડેવલોપ કરવામાં આવનાર છે. દબાણ દૂર કરાવવા માટે નોટિસ અપાતા સ્થાનિકોમાં નારાજગી
રાજકોટ શહેરના જંગલેશ્વર શેરી નંબર 7માં રહેતા અસલમભાઈ અન્સારીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે જે ગેરકાયદેસર છે. શહેર પૂર્વના વિસ્તારના મામલતદારનું કહેવું એવું છે કે અમે અહીં ગેરકાયદેસર દબાણ કરેલું છે. ગેરકાયદેસર દબાણ તો તમારી સરકાર નહોતી અને તમારી નોકરી નહોતી અને કદાચ તમારો જન્મ પણ નહીં થયો હોય ત્યારથી અમે અહીં રહીએ છીએ. અમે અહીં 50 વર્ષથી રહીએ છીએ. મારાથી પણ જુના એટલે કે 70 વર્ષથી અહીં અનેક પરિવારો રહે છે. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે, 8- 4- 1989નું લખાણ છે કે મેં આ મકાન લીધેલું છે. તે પહેલા 1950થી અહીં લોકો વસેલા છે. જેથી ગેરકાયદેસર દબાણની વાત ખોટી છે. મનોરસિંહજી દાદાએ જ્યારે અહીં રજવાડું હતુ ત્યારથી અમને અહીં રહેવા માટે જમીન આપેલી છે. જેથી તમે રજવાડાની ઉપર તો નથી જ. રજવાડા વખતથી જમીન આપવામાં આવેલી છે ત્યારથી અમારા બાપ – દાદા અહીં રહે છે. જો અમે ગેરકાયસર દબાણ કરેલું હોય તો અત્યાર સુધી તમે ક્યાં હતા ? અત્યાર સુધી અમે લાઈટ બિલ, વેરાબીલ ભર્યુ તે મફત ભરીએ છીએ? જો ગેરકાયદેસર દબાણ હોય તો તમે વીજ જોડાણ આપો ? તેમણે જણાવ્યું કે એક તરફ આજી રિવરફ્રન્ટ નીકળે છે અને બીજી તરફ 80 ફૂટનો રોડ નીકળે છે. પરંતુ તમે એક વિચાર કરો કે અહીં 18000 જેટલા લોકો રહે છે. તો તેઓ રહેવા ક્યાં જશે ? તમે અમને લોકોને રહેવા માટે જગ્યા આપો. અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અથવા તો આવાસ યોજનાના ક્વાટર આપવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. નોટિસ આપવા આવનાર અધિકારીઓ અને તેની ટીમને આડે હાથ લેતા કહ્યું કે તમે જેટલા નોટિસ આપવા માટે આવ્યા હતા તે બધાના મકાન પડી જાય તો તમે શું કરો ? ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવે અને તમને એમ કહે કે તમારો બંગલો ગેરકાયદેસર છે તો શું તમે માની લેશો ? રાજકીય ઈશારે કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ
જંગલેશ્વરમાં આટલા વર્ષો બાદ નોટિસ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મને આનું કારણ એવું લાગે છે કે આ લઘુમતી વિસ્તાર છે અને એક રાજકીય ઈશારા ઉપર આ કામ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના ઇશારે આ થઈ રહ્યું છે. લઘુમતી વિસ્તારની વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી થઈ રહી છે તે તદન ખોટી છે. તેમણે કહ્યું કે અમે તમને નહીં પહોંચી શકીએ પરંતુ ઉપરવાળો તો તમને પહોંચી જ જશે. ગરીબની હાય લેવી કોઈ સારી વાત નથી. તમારા હિતમાં સરકાર કે પોલીસ હોય તો તમે બળ પ્રયોગ કરી જંગલેશ્વર ખાલી કરાવશો તો ઉપરવાળો તમને પહોંચશે. ‘અમને ક્વાર્ટર નથી જોઈતું, મહેરબાની કરીને અહીંથી કાઢવામાં ન આવે’
આ જ વિસ્તારમાં રહેતા શેનીલા ગડિયાએ જણાવ્યું હતું કે, અમે 50 વર્ષથી અહીં જંગલેશ્વર વિસ્તારમાં રહીએ છીએ. વેરો અને લાઈટ બિલ ભરીએ છીએ. આમ છતાં પણ નોટિસ આપી અમારા ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે. અમે એક ઘરમાં 15 વ્યક્તિઓ રહીએ છીએ અને ત્રણ પરિવાર છીએ. જેથી અમારે ક્વાટર નથી જોઈતું. અમે ગરીબ અને મજૂર વર્ગ છીએ તો ક્યાં જવું. અમને અહીંથી મહેરબાની કરીને કાઢવામાં ન આવે. આ વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી રહેતા અબ્દુલભાઈ હાલાએ જણાવ્યું હતું કે, મારો જન્મ જંગલેશ્વર વિસ્તારમાં જ થયો છે. અમને જે નોટિસ આપવામાં આવી છે તેમાં તેઓ એવું કહેવા માંગે છે કે ખરાબાની જગ્યામાં ટીપી સ્કીમ બહાર પડી છે. જ્યાં ગેરકાયદેસર દબાણ કરેલું છે તો તે ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવેલી છે. 29 મી ડિસેમ્બર મામલતદાર કચેરીએ આધાર પુરાવાઓ સાથે રજૂ થવાનું છે. અહીં તમામ લોકો એક ટંકનું કમાઈને એક ટંકનું ખાય છે તો આ લોકો જશે ક્યા ? જંગલેશ્વરમાં ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારમાં નોટિસ આપવામાં આવેલી છે. અમને પ્રથમ વખત નોટિસ આપવામાં આવેલી છે. અમારી એવી માગણી છે કે અમને અમારું ઘર છીનવવામાં ન આવે. અમને આશરો આપવામાં આવે અથવા તો આ મકાનોને કાયદેસર કરી દેવામાં આવે. 1.05 લાખ ચો.મી. જમીન પર દબાણ
રાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારના સર્વે નંબર 256 ટીપી સ્કીમ નંબર 6 ના ફાઇનલ પ્લોટ નંબર 133,136,137 અને 159 ની કુલ જમીન 1,05,800 ચોરસ મીટર થાય છે. જ્યાં રહેતા 1350 આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે. આ નોટિસ લેન્ડ રેવન્યુ કલમ 61 હેઠળ આપવામાં આવેલી છે. આ જમીનની કિંમત અંદાજે ₹400 કરોડ કેટલી થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી તારીખ 29, 30 અને 31 ડીસેમ્બરના રોજ હિયરિંગ રાખવામાં આવેલું છે. આ સમયે આ સમયે દ્વારા પોતાના માલિકી હકના આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે. આ સાથે જ તેઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. તે બાદ તેઓ પોતાના રહેઠાણના આધાર પુરાવાઓ રજૂ નહીં કરી શકે તો કલમ 202 હેઠળ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે સરકારી જમીન ઉપર દબાણ હોય તે ખાલી કરાવવાનું જ હોય છે. જોકે અહીં ભવિષ્યમાં આજી રિવરફ્રન્ટ બનવાની પણ યોજના છે. નોટિસ દરમિયાન ત્યાંના લોકોનું શું કહેવું છે તે બાબતે પૂછવામાં આવતા તેમની જણાવ્યું હતું કે ત્યાંના લોકો પણ જાણે છે કે આ સરકારી જમીન છે અને તેના પર દબાણ થયેલું છે અને તેને કારણે જ મકાનો અને દુકાનો ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી રહી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!