શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ બે જગ્યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની જેમ જ દક્ષિણ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. કાગવડ ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય
કોર કમિટીની બેઠક બાદ ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી મંડળની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયના પ્રકલ્પોની પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ કરીને સમાજને અર્પણ કરવામાં આવશે. સાથે સાથે આવતા દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં એક શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું પણ આયોજન છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરવામાં આવશે. સુરત અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલ બનાવાશે
વધુમાં નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ શ્રી ખોડલધામ મંદિર સાથેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. સાથે જ વધુ આનંદની વાત એ છે કે, આજે આ કોર કમિટીની બેઠક યોજાવાની હતી તેના થોડા કલાકો પહેલા લંડનમાં વસતાં ખોડલધામના સ્વયંસેવકોએ આજે શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ અમારી સાથે ચર્ચા કરીને લંડનમાં પણ ખોડલધામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી લંડનમાં પણ ટૂંક સમયમાં શ્રી ખોડલધામ મંદિર નિર્માણનું કામ ચાલુ થશે. આ બન્ને જગ્યાએ નિર્માણ પામનાર મંદિર સંકુલ પાટણના સંડેર ખાતે બની રહેલા મંદિર સંકુલની જેમ જ નિર્માણ પામશે. પાટણના સંડેર ખાતે હાલ 42 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ સુરત અને લંડનમાં નિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર સંકુલ પ્રોજેક્ટની વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!