પશુપાલન એ ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે, પરંતુ જો આ પશુઓને આપવામાં આવતો ખોરાક જ ઝેરી બની જાય તો? જૂનાગઢ તાલુકાના ધંધુસર ગામના એક જાગૃત ખેડૂત હરેશભાઈ વદરે આ સવાલને હાઈકોર્ટ સુધી પહોંચડ્યો છે. ગત ફેબ્રુઆરી 2024માં હરેશભાઈએ એક જાણીતી કંપનીનો પશુ આહાર (ખોળ-દાણ) ખરીદ્યો હતો. આ ખોળ ખવડાવ્યાના ગણતરીના દિવસોમાં જ તેમની બે તંદુરસ્ત ભેંસોના અચાનક કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાથી વ્યથિત ખેડૂતે જ્યારે ખોળનો લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો ત્યારે જ સત્ય સામે આવતા તેણે સૌના હોશ ઉડાવી દીધા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, બજારમાં વેચાતા પશુ આહારમાં 30થી 50% સુધીની ભેળસેળ કરવામાં આવે છે. જે પશુઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ખેડૂતની અરજી બાદ હાઈકોર્ટનો અધિકારીઓને હાજર થવા હુકમ
પોતાના કિંમતી પશુઓ ગુમાવ્યા બાદ હરેશભાઈએ ન્યાય માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) જેવી મોટી એજન્સીઓના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે પુરાવા તરીકે લેબોરેટરી રિપોર્ટ અને ભેળસેળ કરનારાઓની યાદી પણ અધિકારીઓને સોંપી હતી. જોકે, જવાબદાર અધિકારીઓએ કાર્યવાહી કરવાને બદલે એકબીજા પર જવાબદારી ઢોળવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓએ એવું કહીને હાથ ઊંચા કરી દીધા કે ખોળ વેચનારા પાસે લાયસન્સ હોવું જોઈએ પણ અમે તેમને સીધા રોકી શકીએ નહીં. સરકારી વિભાગોની આ શિથિલતા જોઈને આખરે ખેડૂતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. હાઈકોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ 29 જાન્યુઆરીએ સંબંધિત અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા અથવા લેખિત જવાબ રજૂ કરવા કડક હુકમ કર્યો છે. પશુઓને આકર્ષવા કૃત્રિમ ફ્લેવર્સ ભેળવવામાં આવે છે
પશુ આહાર એટલે કે દાણ અને ખોળની કિંમત બજારમાં સતત વધી રહી છે. આ નફાખોરીના ખેલમાં ઉત્પાદકો દાણની કિંમત ઘટાડવા માટે તેમાં નકામા અને સસ્તા તત્વો ઉમેરે છે. ખાસ કરીને પ્રોટીનનું પ્રમાણ કૃત્રિમ રીતે વધારે બતાવવા માટે જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં ‘યુરિયા’ અને નકામા ‘હેવી મેટલ્સ’ ઉમેરવામાં આવે છે. પશુઓને આકર્ષવા માટે તેમાં કૃત્રિમ ફ્લેવર્સ ભેળવવામાં આવે છે, જેથી પશુ હોંશે હોંશે તે ખાય છે, પરંતુ આ આહાર તેના શરીરમાં મેટાબોલિક ડિસઓર્ડર અને ઝેરી તત્વો પેદા કરે છે. યુરિયા અને અન્ય કેમિકલ્સ તેના દૂધમાં ‘રિફ્લેક્ટ’ થાય
કામધેનુ યુનિવર્સિટીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. કે. વી. કરંગીયાના જણાવ્યા મુજબ, પશુ આહારમાં થતી ભેળસેળ માત્ર પશુને જ નહીં પણ દૂધ પીનારા મનુષ્યોને પણ જોખમમાં મૂકે છે. જ્યારે પશુ ભેળસેળયુક્ત દાણ ખાય છે, ત્યારે યુરિયા અને અન્ય કેમિકલ્સ તેના દૂધમાં ‘રિફ્લેક્ટ’ થાય છે. આવા દૂધમાં ફેટ અને એસએનએફ (SNF) ની ટકાવારી ઘટી જાય છે અને સોમેટિક સેલ્સનું પ્રમાણ વધી જાય છે. BIS અને FSSAI ના નિયમોનું છડેચોક ઉલ્લંઘન
હાઈકોર્ટમાં અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, પશુ આહારના ઉત્પાદન અને વેચાણ માટે IS 2025ના માપદંડો અને BISની નોંધણી ફરજિયાત છે. ફૂડ સેફ્ટી એક્ટની કલમ 16(5) હેઠળ નબળી ગુણવત્તાવાળા આહાર સામે કાર્યવાહી કરવાની સત્તા હોવા છતાં સ્થાનિક તંત્ર મૌન સેવી રહ્યું છે. આ ભેળસેળ રોકવા માટે હાઈકોર્ટે હવે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને પણ પક્ષકાર બનાવીને માર્ગદર્શિકાનું પાલન કરાવવા દિશાનિર્દેશ માંગ્યા છે. જો 29 જાન્યુઆરીની સુનાવણીમાં તંત્ર સંતોષકારક જવાબ નહીં આપે, તો હાઈકોર્ટ આ ગેરકાયદે વેપારને રોકવા માટે રાજ્યવ્યાપી આદેશો આપી શકે છે. પશુપાલકો માટે લાલબત્તી સમાન સલાહ
વૈજ્ઞાનિકોના મતે, ખેડૂતોએ પશુઓને માત્ર બજારુ દાણ પર નિર્ભર રાખવાને બદલે સંતુલિત આહાર આપવો જોઈએ. સૂકો ચારો સંગ્રહ કરતી વખતે તેમાં ભેજનું પ્રમાણ 12થી 14% થી વધવું ન જોઈએ, અન્યથા તેમાં ફૂગ લાગવાથી ‘અફલાટોક્સીન’ પેદા થાય છે. ખેડૂતોએ પોતે જે ખોળ કે કપાસિયા ખરીદે તેની વિશ્વસનીયતા ચકાસવી જોઈએ. હરેશભાઈની આ લડત હવે માત્ર બે ભેંસોના મોત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ગુજરાતના લાખો પશુપાલકો અને દૂધ ગ્રાહકોના સ્વાસ્થ્યની રક્ષા માટેનો જંગ બની ગઈ છે. જનતામાં પણ હવે એવી માંગ ઉઠી રહી છે કે જે રીતે માનવ ખોરાકમાં ભેળસેળ સામે ઝુંબેશ ચલાવાય છે, તેવી જ રીતે પશુ આહારના કૌભાંડીઓને પણ જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!