હવામાન નિષ્ણાત અને જ્યોતિષ બાદ હવે હવામાન વિભાગે પણ ગુજરતામાં માવઠાંની આગાહી કરી છે. આજે (22 જાન્યુઆરી) કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, યલો એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું પડવાની શક્યતા છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. માવઠાંની અસર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ જોવા મળશે. રાજસ્થાનના 6 જિલ્લામાં આજે માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી અઠવાડિયા દરમિયાન કમોસમી વરસાદની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે. 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે, તાપમાન 2થી 3 ડિગ્રી ગગડ્યું
ઠંડીની વાત કરવામાં આવે તો આગામી 24 કલાક બાદ બે દિવસ માટે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યાર બાદ ફરી લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 16.8, અમરેલીમાં 14.6, વડોદરામાં 19, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, દાહોદમાં 14.3, દમણમાં 18.2, ડાંગમાં 15.7, ડીસામાં 15.3, દીવમાં 16, દ્વારકા 17.8, ગાંધીનગર 16, કંડલા 16.5, નલિયા 10.4, ઓખામાં 19, પોરબંદરમાં 16, રાજકોટમાં 14.8, સુરતમાં 17.8 અને વેરાવળમાં 18 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. થોડા દિવસ પહેલાં પરેશ ગોસ્વામી અને જયપ્રકાશ માઢકે પણ આગાહી કરી હતી
અગાઉ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

બીજી તરફ જ્યોતિષ અને હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે પણ જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, ઠંડીની લહેર અને ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીની લહેર આવશે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે. રાજસ્થાનમાં અઠવાડિયા સુધી વરસાદની આગાહી
ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજસ્થાનના 6 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં વાદળો છવાયેલાં રહેશે. હવામાન વિભાગના મતે આગામી અઠવાડિયે બેક ટુ બેક નવી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે 26થી 28 જાન્યુઆરી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળશે.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!