મહિલા સરપંચ નામે, વહીવટ બીજા હાથમાં? સુઈગામ તાલુકામાં ચોંકાવનારા આક્ષેપ
ગ્રાન્ટ તો આવી, વિકાસ ક્યાં ગયો? સુઈગામ તાલુકામાં કમિશન રાજના આક્ષેપ
સુઈગામ તાલુકામાં વિકાસ કામો માત્ર કાગળ પર? 15થી 20% કમિશનના આક્ષેપોથી ખળભળાટ
સુઈગામ તાલુકામાં વિકાસના નામે લૂંટ? સરપંચ–કોન્ટ્રાક્ટર–અધિકારીઓની સાંઠગાંઠનો ખુલાસો
સરપંચ–કોન્ટ્રાક્ટર–અધિકારીઓની સાંઠગાંઠથી ગ્રામ વિકાસને ગ્રહણ
સુઈગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરકારના વિકાસ કામોમાં ભારે ગેરરીતિઓ ચાલી રહી હોવાના ચોંકાવનારા આક્ષેપો સામે આવી રહ્યા છે. તાલુકાના અનેક ગામોમાં સરપંચો જાતે વિકાસ કામો કરવાના બદલે 15થી 20 ટકા સુધીનું કમિશન લઈ ખાનગી કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરિણામે વિકાસ કામોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ગ્રામ્ય વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય, ગામડાં શહેર જેવી સુવિધાઓથી સજ્જ બને અને ગરીબ–સામાન્ય લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે તે માટે નાણાં પંચ, ATVT, 15 ટકા વિવેકાધિન, વિકાસશીલ ગ્રાન્ટ, રોયલ્ટી ગ્રાન્ટ તેમજ સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ દર વર્ષે ગ્રામ પંચાયતોને લાખો રૂપિયાનાં કામો મંજૂર કરવામાં આવે છે. આ ગ્રાન્ટોથી સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, સ્મશાન છત્રી, પ્રોટેક્શન દીવાલ, ફ્લોર બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા, લાયબ્રેરી, કચરા ઘર જેવા અનેક વિકાસ કામો થવાના હોય છે.
પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. તાલુકાના મોટા ભાગના ગામોમાં સરપંચો કામ કરતા જ નથી અને કોન્ટ્રાક્ટરોને કમિશન લઈ કામ સોંપી દેતા હોવાથી જ્યાં પૂરું કામ થવું જોઈએ ત્યાં અડધું–અધૂરું કામ થતું હોવાના આક્ષેપો છે. એટલું જ નહીં, કામની ચકાસણી કરનાર એન્જિનિયર, હિસાબનીશ, ટી.ડી.ઓ સહિતના અધિકારીઓને પણ નક્કી ‘હિસ્સો’ પહોંચાડવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સરહદી સુઈગામ તાલુકામાં આ પ્રકારનો ગેરકાયદેસર ખેલ વર્ષોથી ચાલતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીના કામ કરવાની મંજૂરી હોવા છતાં સરપંચોને વિકાસ કાર્યમાં રસ ન હોવાનું જણાય છે. તાલુકાના ઘણા ગામોમાં મંજૂર થયેલા કામોની જાણ પણ સરપંચોને નથી હોતી, કારણ કે તાલુકામાં કેટલાક ચોક્કસ કોન્ટ્રાક્ટરો સરકારી અધિકારીઓની મીલીભગતથી સીધા કામ મેળવી લેતા હોવાનું કહેવામાં આવે છે.
ચોંકાવનારી બાબત એ છે કે તાલુકાના મોટા ભાગના ગામોમાં મહિલા સરપંચો ચૂંટાયેલા હોવા છતાં તેઓ ભાગ્યે જ તાલુકા પંચાયત કચેરીમાં દેખાય છે. વાસ્તવમાં તો અનેક મહિલા સરપંચો સહિત અન્ય સરપંચોને પણ પોતાના ગામમાં કયા વિકાસ કામ મંજૂર થયા છે તેની માહિતી હોતી નથી. બીજી તરફ, તાલુકા પંચાયત કચેરીમાં એવા ખાનગી લોકો નિયમિત રીતે જોવા મળે છે, જેઓનું ગામ સાથે કોઈ સીધું જોડાણ નથી છતાં અનેક ગામોની ફાઇલો હાથમાં લઈ ખુલ્લેઆમ ફરી રહ્યા હોય છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે, “જ્યાં વાડ જ ભક્ષક બને ત્યાં ન્યાય ક્યાંથી મળે?”
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાના કાર્યકાળ દરમિયાન તાલુકા પંચાયતમાં કામ વગરના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ખોટા કામ કરનાર તત્વોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ આવેલા અધિકારીઓ સરપંચો અને કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સ્થિતિમાં લોકોની સ્પષ્ટ માંગ છે કે જે ગામમાં જે કામ માટે ગ્રાન્ટ આવે તે કામ સરપંચ જાતે કરે, મહિલા સરપંચો વાસ્તવિક રીતે સત્તા સંભાળે અને વચેટિયા કોન્ટ્રાક્ટરો પર અંકુશ આવે. સાથે સાથે સુઈગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં થયેલા તમામ વિકાસ કામોની જિલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
