પાટણ શહેરના રાજકીય માહોલમાં આજે મોટો વિવાદ ઉભો થયો છે.
પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 9ના સક્રિય કોર્પોરેટર ડૉ. નરેશ દવેએ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવને સુપરત કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ડૉ. નરેશ દવેએ રાજીનામાના કારણ તરીકે નગરપાલિકાના ચીફ ઓફિસરના વલણ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ચીફ ઓફિસર દ્વારા તેમના વ્યવસાય અને સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે તેમના વિસ્તારના મતદારો વચ્ચે તેમના વ્યવસાય અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવાનો આક્ષેપ પણ ડૉ. દવેએ કર્યો છે.
ડૉ. દવેના જણાવ્યા અનુસાર, ચીફ ઓફિસરે જાહેરમાં એવું કહ્યું હતું કે, “આ ડોક્ટર આયુર્વેદિક છે, તેથી સરકારી દવાખાનામાં સારવાર લેવા જવું. જો તમે આ ડોક્ટર પાસે કોઈ કામ અર્થે જશો તો વિસ્તારના વિકાસના કામો અટકી જશે.” આ નિવેદનથી તેમની વ્યક્તિગત છબી અને રાજકીય કાર્યક્ષમતાને નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું છે.
આ ઉપરાંત, વોર્ડ નં. 9માં વિકાસલક્ષી કામોમાં નગરપાલિકા તંત્ર દ્વારા ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો પણ ડૉ. દવેએ આક્ષેપ કર્યો છે. શાસક પક્ષના જ એક કોર્પોરેટર દ્વારા વહીવટી અધિકારી સામે ખુલ્લા આક્ષેપો સાથે રાજીનામું આપવામાં આવતાં નગરપાલિકાના સત્તાધીશો તેમજ ભાજપ સંગઠન માટે પરિસ્થિતિ કઠિન બની છે.
ડૉ. નરેશ દવેના આ અચાનક નિર્ણયથી વોર્ડ નં. 9ના મતદારો અને તેમના સમર્થકોમાં પણ રોષ અને અસંતોષની લાગણી ફેલાઈ છે, ત્યારે હવે આ મુદ્દે આગળ શું રાજકીય પરિણામો આવશે તે તરફ સૌની નજર મંડાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
