ક્ષયમુક્ત ગુજરાતના સંકલ્પ સાથે વાગડના છેવાડાના વિસ્તારોના ટીબીના દર્દીઓને દવાઓની સાથે પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાગડ વિસ્તારના છેવાડાના રાપર તાલુકામાં એક વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા લાયન્સ ક્લબ ભુજના શ્રી ભરતભાઈ મહેતાની પ્રેરણાથી, રાપર તાલુકાના બાદરગઢ ગામના વતની અને હાલ દુબઈ સ્થિત ઉદારમન દાતા શ્રી યોગેશભાઈ દોશી પરિવાર વતી શ્રી ભાવેશભાઈ ચાવડા અને શ્રી અનુપભાઈ કોટક દ્વારા સંચાલિત શાંતિનિકેતન ફાઉન્ડેશનના ઉપક્રમે રાપર તાલુકાના ૧૦૦ ટીબી (ક્ષયરોગ) પીડિત દર્દીઓને પૌષ્ટિક રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવા કાર્યનો મુખ્ય હેતુ ટીબી સામે લડી રહેલા દર્દીઓને યોગ્ય પૌષ્ટિક આહાર મળી રહે અને તેમની સારવાર પ્રક્રિયામાં સામાજિક સહયોગ આપવાનો છે. ટીબી એક સંક્રમિત રોગ છે, જેમાં નિયમિત દવાઓની સાથે યોગ્ય પોષણ પણ અત્યંત અનિવાર્ય બને છે. જ્યારે સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે સમાજના અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આ પ્રકારેમની માનવતાભરી પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને અનાજ, દાળ, તેલ, ખજૂર, મસાલા તેમજ અન્ય પૌષ્ટિક આહાર સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ દર્દીઓને દવાઓ નિયમિત લેવાની અને ડૉક્ટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શ્રી અનુપભાઈ કોટકે જણાવ્યું હતું કે, “ટીબી સામેની લડત માત્ર દવાઓથી નહીં, પરંતુ પૂરતું પોષણ અને સામાજિક સહકાર પૂરો પાડીને પણ જીતી શકાય છે. અમારી સંસ્થા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો અવિરત ચાલુ રાખશે.”

આ અવસરે જિલ્લા ટીબી અધિકારીશ્રી ડૉ. મનોજ દવે , એસ.ડી.એચ. સુપ્રિટેન્ડેન્ટ શ્રી રોબિન રાઠોડ, રાપર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મોતીલાલ રાય, તાલુકા ટીબી સુપરવાઈઝર ચિરાગભાઈ, જીગ્નેશ પંડ્યા, તાલુકા સુપરવાઈઝર રામજીભાઈ પરમાર તેમજ આરોગ્ય કાર્યકરો કિટ વિતરણમાં જોડાયા હતા. ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓએ સંસ્થાના આ પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી દર્દીઓમાં આત્મવિશ્વાસ વધે છે. શાંતિનિકેતન ફાઉન્ડેશનની આ પહેલ એ રાપર તાલુકામાં આરોગ્ય જાગૃતિ અને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છની કચેરી દ્વારા જણાવાયું છે‌.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!