આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આજે 24 માર્ચે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. યાદી જાહેર થયા બાદ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખુદ શહેર પ્રમુખ અશોક ઓઝાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ રાજીનામા ધરી દીધા છે. આમ આદમી પાર્ટી માટે ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ થયો છે. કાર્યકરોએ કાર્યાલયની બહાર ખેસ લટકાવી દીધા
કેટલાક કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર જ પોતાના ખેસ લટકાવી દીધા હતા અને સ્થળ પર જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. કાર્યકરોએ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે, આ યાદી સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ દિલ્હીથી નક્કી થઈ છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. એક ઉમેદવારની ડિપોઝિટ પાછી લાવશે તો મુંડન કરી ફરીશઃ રાજેશ માળી
આ મામલે વોર્ડ નંબર 13ના પ્રભારી રાજેશ માળીએ જણાવ્યું હતું કે, આ યાદીમાં એવા લોકોને સમાવ્યા છે, જેઓ એક-બે મહિનાથી પાર્ટીમાં જોડાયા છે. અમે વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે, તેમ છતાં અમારી અવગણના થઈ રહી છે. મરદને મૂકી માયકાંગલાઓને લાવ્યાઃ ભાવિકાબેન
વોર્ડ નંબર 12માંથી ઉમેદવારી નોંધાવનાર ભાવિકાબેને જણાવ્યું હતું કે, પાર્ટીમાં જે કામ કરે છે, એવા મરદ ઉમેદવારોને મૂકીને માયકાંગલાઓની પસંદગી કરી છે. અમે વર્ષોથી પાર્ટી માટે ઘસાયા છે, પરંતુ અમને હાંસિયામાં નાખી દીધા છે. અમે વોર્ડ નં.12માં હજુ પણ કામ કરીશું પણ હવે સામાજિક કાર્યકર તરીકે કામ કરીશું. પૈસા લઈને ટિકિટો આપી છેઃ મહામંત્રી
આમ આદમી પાર્ટીના મહામંત્રી જ્હાનવી ગોહિલે જણાવ્યું હતું કે, બધો પૈસાનો ખેલ છે. અહીંથી પૈસા મોકલી અપાય તે પ્રમાણે પાર્ટી ચાલે છે. અમારો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો, પણ તે પ્રમાણે નથી થયું. મારી સામે પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાનના 3 કેસ ચાલે છે પણ અમને કોઈ સપોર્ટ આપવામાં આવ્યો નથી. લીગલ ટીમ તારીખ પણ લેવા રાજી નથી અને તેના કારણે અમારા ફોન પણ હજુ પોલીસ સ્ટેશનમાં જમા છે. કેટલાય ગરીબ લોકોના ફોન જમા છે. જો પાર્ટી આમ કરતી રહેશે તો તેની સાથે કોણ ઊભું રહેશે? તેઓએ પ્રમુખ સામે પણ બળાપો ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, પ્રમુખ સામે અમે અનેક રજૂઆત કરી છે, પરંતુ તેઓને પૈસાના જોરે 2027 સુધીના ઇલેક્શન સુધી ફિક્સ કરી દેવાયા છે. પ્રમુખનું જ ન ચાલ્યું, રાજીનામુ ધર્યું
પ્રથમ યાદીને લઈ નારાજ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ પણ રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જે ઉમેદવારોના નામ મૂક્યા હતા, તેઓની જ બાદબાકી થતાં તેઓએ જાતે રાજીનામુ ધરી દીધું હતું. જો કે આ મામલે તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. જો કે, કાર્યકરોમાં એવો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે કે, પાર્ટી લેવલથી ભલે જે થયું હોય, પરંતુ પ્રમુખે તો પોતાની પરિપક્વતા બતાવવી જોઈતી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની નૈયા કેટલી આગળ ચાલે છે તે જોવું રહ્યું.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!