સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટા વરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ એક જ ઘરમાંથી બે અલગ-અલગ વિચારધારા અને પક્ષો સાથે જોડાયેલા પતિ-પત્નીની રાજકીય દાવેદારી છે. પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા ધાર્મિક માલવીયા અને તેમના પત્ની એડવોકેટ મોનાલી હિરપરા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. બંનેએ અલગ-અલગ પક્ષોમાંથી એક જ વોર્ડ માટે દાવેદારી નોંધાવતા “ઘરની લડાઈ હવે મેદાનમાં” આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ધાર્મિક માલવીયાની ભાજપમાંથી દાવેદારી
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના પૂર્વ કન્વીનર અને જાણીતા પાટીદાર અગ્રણી ધાર્મિક માલવીયાએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી. તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટર મોનાલી હિરપરાની AAPમાંથી દાવેદારી!
બીજી તરફ, ધાર્મિક માલવીયાના પત્ની એડવોકેટ મોનાલી હિરપરા જેઓ આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી છે. તેમણે આમ આદમી પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને પ્રદેશ પ્રભારી સમક્ષ વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિરોધાભાસી નિવેદનો અને વિવાદ
આ સમગ્ર મામલે ત્યારે વળાંક આવ્યો જ્યારે ધાર્મિક માલવીયા અને આપના શહેર પ્રમુખના નિવેદનો સામસામે આવ્યા છે.આપ શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. બહેન પોતે આવીને સેન્સ આપી ગયા છે.એમણે કહ્યું છે કે વોર્ડ નંબર-2ના લોકો માટે કામ કરવા માંગુ છું.પાર્ટી મને ઉમેદવાર તરીકે પસંદ કરશે તો ફરીથી કોર્પોરેટર બનવા માંગુ છું અને કોર્પોરેટર બનીશ.
તો આ તરફ ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી દાવેદારી કરી છે. એ સાથે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્પષ્ટ જવાબ આપ્યો કે, તેમના પત્ની આમ આદમી પાર્ટીમાં સક્રિય નથી અને રાજકીય ક્ષેત્રમાં હવે આગળ વધવા નથી માંગતા. શું પતિ-પત્ની વચ્ચે થશે ચૂંટણી જંગ?
જો ભારતીય જનતા પાર્ટી ધાર્મિક માલવીયા પર પસંદગી ઉતારે અને આમ આદમી પાર્ટી મોનાલી હિરપરાને ટિકિટ આપે, તો સુરતના ઈતિહાસમાં આ એક દુર્લભ કિસ્સો બની રહેશે. એક જ ઘરના બે સભ્યો, એક જ વોર્ડમાં, બે વિરોધી પક્ષો તરફથી સામસામે ચૂંટણી લડતા જોવા મળી શકે છે.
અત્યારે તો બંને પક્ષોમાં આંતરિક પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જો બંનેને ટિકિટ મળે તો વોર્ડ નંબર 2 ની ચૂંટણી માત્ર વિકાસના મુદ્દે નહીં, પણ પારિવારિક વિરુદ્ધ રાજકીય વિચારધારાના જંગ તરીકે જોવામાં આવશે. સવાલ એ છે કે, જો આવું થાય તો મતદારો કોના પર કળશ ઢોળશે? અલ્પેશ કથીરિયાની પત્નીએ પણ દાવેદારી નોંધાવી
તો આ તરફ પાસના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયાના સ્થાને હવે તેમના પત્ની કાવ્યા કથીરિયાએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. કાવ્યા કથીરિયાએ આગામી ચૂંટણી માટે ભાજપમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં તેમણે સુરતના વોર્ડ નંબર 3 માટે ફોર્મ ભર્યું છે. ખાસ વાત એ છે કે, આ દાવેદારી માટેનું ફોર્મ અન્ય એક જાણીતા પાસ નેતા ધાર્મિક માલવિયા દ્વારા ભરવામાં આવ્યું હતું, જે આ ફેરબદલ અને રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે. પાટીદોરાના ગઢમાં આપનો દબદબો
વોર્ડ નંબર 2માં સૌથી વધુ પાટીદાર વસ્તી છે. આ સાથે જ સુરત શહેરનો સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે. 2021માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર અહીંથી જીત્યા હતા.ત્યારબાદ ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા.જ્યારે રાજેશ મોરડીયાને આમ આદમી પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ વોર્ડમાં માત્ર એક જ કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા રહ્યા હતા.પાટીદારોના ગઢ ગણાતા આ વોર્ડમાં આપનો પણ દબદબો રહ્યો છે. ત્યારે હવે ભાજપ પણ પાટીદાર ને જ ઉભો રાખીને આપને ટક્કર આપે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે ભાજપમાં જ દાવેદારી કરનાર ધાર્મિક માલવયાની પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યા છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!