ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ગઇકાલે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી(16 એપ્રિલ) રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે. ગઇકાલે મહેસાણાથી CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાં તેમણે હુંકાર કર્યો કે આ વખતે એવો વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નેતાઓએ પોતાની બધી લાજ શરમ નેવે મૂકી હતી. ચૂંટણી જીતવા માટે નીતિ ભૂલ્યા હતા. હરિફાઇ ન રહે તે માટે સામા પક્ષના ઉમેદવારોને લોભ આપીને, ડરાવી ધમકાવીને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઇ હતી. ગઇકાલના રાજકીય ઘટનાક્રમને જોતા એક વાત તો ચોક્કસથી કહી શકાય કે આ વખતની ચૂંટણી ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવે તેવી ચૂંટણી બની રહેવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ઉમેદવારી પત્રક પાછાં ખેંચવાની સમય મર્યાદા પુરી થતાં મહાનગર પાલિકામાંથી, નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતમાંથી કુલ 1,559 ઉમેદવારીપત્રક પાછા ખેંચાયાં હતાં. જેના પરિણામે મહાનગરપાલિકાની 35, નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની 340 અને પેટા ચૂંટણીની 3 એમ 342 સહિત બધી મળીને કુલ 378 બેઠક બિનહરીફ થઇ હતી. જો કે, આ આંકડો અંતિમ નથી, હજુ રાજય ચૂંટણી પંચને જેમ જેમ વિગત મળતી જશે તેમ આંકડામાં વધારો થઇ શકે છે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ AAP પર કટાક્ષ કરતા જણાવ્યું કે, આ લોકો સત્તામાં આવવાના નથી એટલે વરાછામાં આગ્રાનો તાજમહેલ લાવી દેવાના પણ ખોટા વાયદા કરી શકે છે. તો વોર્ડ નંબર 7 (કતારગામ-વેડ) વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. તો કતારગામમાં આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તપાસ હાથ ધરતા કાર્યકરો અને નેતાઓ લાલઘૂમ થયા હતા. અમદાવાદમાં ભાજપના ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી છે તો વાસણામાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા હતા. વડોદરાના વોર્ડ 15માં બે દિવસ અગાઉ કેટલીક સોસાયટીમાં બેનરો લાગ્યા હતા કે આ સોસાયટી રામ ભક્તોની છે જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં. આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રામભક્ત છીએ અને સનાતની છીએ. અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. વહેલા બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. બાવળા તાલુકા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર જસીબેન ડાભીનું માર્ગ અકસ્માતમાં મોત થતા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ X પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!