પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ પ્રચારસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભા કોંગ્રેસ માટે શક્તિપ્રદર્શન સમાન રહી હતી.


આ પ્રસંગે સાંતલપુર જિલ્લા પંચાયતની કોંગ્રેસ ઉમેદવાર જેઠીબેન પરબતભાઈ ભચાભાઈ તથા તાલુકા પંચાયતની ઉમેદવાર સાનુબેન વિરમભાઈ સવાભાઈના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. બંને ઉમેદવારો માટે ગ્રામજનોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો.
સભામાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ભચાભાઈ આહીર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસ પક્ષની નીતિઓ અને વિકાસના એજન્ડા વિશે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ મતદારોને કોંગ્રેસના ઉમેદવારોને મત આપી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
રઘુભાઈ દેસાઈએ પોતાના ભાષણમાં વિસ્તારની વિવિધ સમસ્યાઓને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે ધોકાવાડા સહિત આસપાસના ગામોમાં રોડ-રસ્તાની અપૂર્ણ વ્યવસ્થા, નર્મદા કેનાલના પાણીથી વંચિત ખેડૂતોની પરેશાનીઓ, પૂરતી આરોગ્ય સેવાઓનો અભાવ અને ગટર લાઈન જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ આજે પણ યથાવત છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારોને જીત મળ્યા બાદ આ તમામ પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઝડપી ઉકેલ લાવવામાં આવશે.
સભા દરમિયાન સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમણે કોંગ્રેસ પક્ષની વિચારધારા અને વિકાસકાર્યો અંગે માહિતી આપી હતી. ગ્રામજનો તરફથી કોંગ્રેસ ઉમેદવારોને જંગી સમર્થન મળ્યું હતું અને જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રચારસભાએ કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઉર્જા ભરી દીધી હતી અને ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ વધુ ગરમાયો હોવાનું જોવા મળ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
