ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરાયેલી PSI કેડરની 858 જગ્યા માટે આજે રાજ્યના ચાર શહેરોમાં લેખિત પરીક્ષા યોજાશે. શારીરિક કસોટીમાં પાસ થયેલા 1,10,680 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (બિન હથિયારી પો.સ.ઇ, હથિયારી પો.સ.ઇ.(પ્લાટુન કમાન્ડર) તથા જેલર ગૃપ-ર) ની કુલ-858 જગ્યાઓ માટેની શારીરિક કસોટી તા.21 જાન્યુઆરી, 2026 થી તા.9 ફેબ્રુઆરી, 2026દરમિયાન યોજવામાં આવેલ હતી. શારીરિક કસોટીમાં 2.47 લાખ જેટલા ઉમેદવારોએ ભાગ લીધેલ, જે પૈકી ઉત્તીર્ણ થયેલ કુલ-1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજેઅમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની કૂલ 371 શાળાઓમાં યોજાશે. ગેરરીતિ અટકાવવા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટે 4000 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા 8000 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી/ કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવેલ છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવેલ છે. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવનાર છે તથા Facial recognition technologyનો ઉપયોગ કરવામાં આવનાર છે.પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, કરાઈ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવનાર છે અને સમગ્ર પરીક્ષા CCTV મોનીટરીંગ હેઠળ યોજવામાં આવનાર છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિરૂધ્ધ કાયદેસર યોગ્ય પગલાં ભરવામાં આવશે. ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા
અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ ખાતેની આ લેખિત પરીક્ષા સબંધિત પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ IGP/DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.
આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્રારા પુર્ણ કરવામાં આવેલ છે. ઉમેદવારોને કોઇ મદદની જરૂરીયાત હોય તો હેલ્પ નંબર 8160880331, 8160853877, 8160809253 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!