અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના ઉમેદવારોના વિરોધના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યા છે. જેમાં વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સ્થાનિકો પોતાની સમસ્યાને લઇને ભાજપના ઉમેદવારને રજૂઆત કરી રહ્યા છે. ત્યારે એક ‘હોશિયાર’ કાર્યકર આ વાતચીત વચ્ચે આવીને ભારત માતા કી જય બોલીને સ્થાનિકોની રજૂઆતને કોરાણે મૂકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ‘જાગૃત્ત’ સ્થાનિકોએ રાષ્ટ્રવાદ પાછળ સમસ્યાનો ઢાંકપિછાડો કરતા કાર્યકરને ઓળખી તેનો બરાબરનો ઉધડો લઈ તેને ત્યાંથી રવાના કરી દીધો હતો. ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે કહ્યું હતું કે, ટિકિટ કાપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે. આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો.
