મહેસાણા -બહુચરાજી ફોરલેન હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં દોડધામનો માહોલ

માંડલ બેચરાજી તાલુકા પંથકમાં ગુરુવાર તા. 28 મેના રોજ સાંજના અંદાજે 5 વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડવા લાગી હતી અને તેજ ગતિએ પવન ફૂંકાતા લોકોમાં ચિંતા અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. દિવસભરની કાળઝાળ ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક બદલાયેલા હવામાનથી સમગ્ર પંથકમાં થોડા સમય માટે જનજીવન પ્રભાવિત બન્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, માંડલ બેચરાજી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ ધૂળથી છવાઈ ગયું હતું. જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતાં રસ્તાઓ પર દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી. ખેતરો, ખુલ્લા મેદાનો તેમજ રસ્તા કિનારે ધૂળના વંટોળ જોવા મળતા ગ્રામજનોમાં પણ કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા વિસ્તારોમાં લોકોએ ઘરની બહાર સુકવેલ વસ્તુઓ અને સામાન તાત્કાલિક અંદર ખસેડવાની ફરજ પડી હતી.
ખાસ કરીને વિરમગામ-બહુચરાજી ફોરલેન હાઈવે પર ધૂળની ડમરીઓના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. હાઈવે પર ધૂળની ઘેરી ચાદર છવાઈ જતાં વાહનચાલકોને આગળનું સ્પષ્ટ દેખાતું ન હોવાથી ઘણા વાહનચાલકોએ પોતાની ગાડીઓની ગતિ ધીમી કરી દીધી હતી. કેટલાક વાહનચાલકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનો રોડની સાઈડમાં ઊભા રાખી પરિસ્થિતિ સામાન્ય બનવાની રાહ જોઈ હતી. જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પવનની ગતિ અચાનક વધી જતાં ઝાડના પાંદડા અને સૂકી ધૂળ હવામાં ઊડી રહી હતી. અનેક ગામોમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા જોવા મળ્યા હતા. ગ્રામ્ય માર્ગો પર બાઈકચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે, ઉનાળાના અંતિમ દિવસોમાં અને ચોમાસા પૂર્વે આવા પવન અને ધૂળની ડમરીઓ પ્રિ-મોન્સૂન ગતિવિધિઓનો ભાગ હોઈ શકે છે.
જો કે, આ અચાનક પવન અને ધૂળના વંટોળ વચ્ચે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ લોકોએ ખાસ કરીને વાહનચાલકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અચાનક બદલાતા હવામાનને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ અંગે પણ ચર્ચાઓ તેજ બની છે
The Gujarat Live News રીપોર્ટર – પ્રદીપ ઠાકોર બેચરાજી
