માંડલ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી પુસ્તકાલય મળ્યું છે. આ પુસ્તકાલય આશરે 20 લાખના ખર્ચે તૈયાર થયું છે. તેનું લોકાર્પણ 29 જૂને ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવશે. આ સુવિધા વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અને સાહિત્યપ્રેમીઓ માટે ઉપયોગી બનશે.

માંડલમાં લાંબા સમયથી પુસ્તકાલય જેવી મહત્વપૂર્ણ સુવિધાનો અભાવ હતો. ભૂતકાળમાં ગ્રંથાલયની પ્રવૃત્તિઓ સક્રિય હતી, પરંતુ સમય જતાં જૂની વ્યવસ્થા નબળી પડી ગઈ હતી. નવા પુસ્તકાલયના નિર્માણથી શહેરમાં વાંચન અને જ્ઞાનની પરંપરાને ફરીથી વેગ મળશે.
પુસ્તકાલયમાં ધાર્મિક ગ્રંથો જેવા કે શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, GPSC, UPSC, પોલીસ, તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો પણ મળશે. કાયદા વિષયક પુસ્તકો, જનરલ નોલેજ, નવલકથાઓ, વાર્તાસંગ્રહો અને કાવ્યસંગ્રહો સહિત વિવિધ જ્ઞાનવર્ધક સાહિત્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્થાનિક નાગરિકોના મતે, આ પુસ્તકાલય આવનારી પેઢીના જ્ઞાન, સંસ્કાર અને વ્યક્તિત્વ નિર્માણનું કેન્દ્ર બનશે. માંડલ અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુવિધાસભર સ્થળ મળતાં શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઊભી થશે. આધુનિક માળખું અને શાંત વાતાવરણ વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી બનશે.
The Gujarat Live News અહેવાલ વિપુલ ચૌધરી રાધનપુર
