વી.સી. અને તલાટીની સતત ગેરહાજરીથી કામગીરી ખોરવાઈ, વિદ્યાર્થીઓને આવકના દાખલા માટે વારંવાર ધક્કા

રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં ગ્રામ પંચાયતના વહીવટી તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા વી.સી. (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) અને તલાટી નિયમિતપણે હાજર રહેતા ન હોવાથી સામાન્ય નાગરિકોની સાથે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને શાળા અને કોલેજમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ યોજનાઓ, સરકારી સહાય તેમજ અન્ય શૈક્ષણિક પ્રક્રિયાઓ માટે આવકના દાખલા, જાતિના દાખલા, રહેઠાણના દાખલા સહિતના વિવિધ પ્રમાણપત્રોની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ કમાલપુર ગ્રામ પંચાયત કચેરીમાં જવાબદાર કર્મચારીઓની ગેરહાજરીને કારણે આવા મહત્વના દસ્તાવેજો સમયસર મળી શકતા નથી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત કચેરીએ પહોંચ્યા બાદ પણ વી.સી. અને તલાટી હાજર મળતા નથી. જેના કારણે લોકો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બને છે. કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે બાળકોના દાખલાઓ અને શૈક્ષણિક કામકાજ માટે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો, વૃદ્ધો, મહિલાઓ અને અન્ય નાગરિકોની કામગીરી પણ અટવાઈ રહી છે. આવકના દાખલા, વારસાઈના કામો, પ્રમાણપત્રો અને અન્ય વહીવટી સેવાઓ માટે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. પરિણામે ગ્રામ પંચાયતની કામગીરી પ્રત્યે લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે.
ગ્રામજનોનું માનવું છે કે સરકાર દ્વારા ગામડાંના નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ કમાલપુર ગ્રામ પંચાયતની સ્થિતિ આ દાવાઓથી વિપરીત જોવા મળી રહી છે. જવાબદાર કર્મચારીઓની નિયમિત હાજરી ન હોવાને કારણે લોકોને સમય અને નાણાં બંનેનો વ્યય સહન કરવો પડી રહ્યો છે.
આ સમગ્ર મામલે કમાલપુરના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વહીવટી તંત્રનું તાત્કાલિક ધ્યાન દોરવાની માંગ કરી છે. સાથે જ પંચાયત કચેરીમાં વી.સી. અને તલાટીની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવામાં આવે, લોકોના અટવાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજો સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે.
હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને કમાલપુર ગ્રામ પંચાયતની કામગીરીને સુચારુ બનાવવા માટે શું પગલાં ભરે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
