6 સપ્ટેમ્બરની સાંજથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરજના હેઠવાસમાં હાલમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે અર્થે હાલમાં વાસણા બેરજના કુલ 27 ગેટ ખોલવામાં આવ્યા છે, જેથી આ અંગે સબંધીત જવાબદાર સત્તાધિકારીઓને સાવધ રહેવા અને પૂરની સભંવિત અસરથી ગ્રસ્ત થનાર તમામ ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે (7 સપ્ટેમ્બર) ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ ગઈકાલે મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમજ આજે યોજાનારી GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરોને સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને એમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યાર બાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું. સાથે જ કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક NDRFની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. ગઈકાલે શનિવારે રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.17 ઈંચ તો સૌથી ઓછો બોટાદના રાણપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો હતો. અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 34.32 ઈંચ, એટલે કે 98.85 ટકા વરસાદ વરસી ગયો છે. બીજી તરફ મહીસાગરના કડાણા ડેમમાં સતત જળસ્તર વધવાને કારણે ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવશે. (6 સપ્ટેમ્બરના વરસાદની પળેપળનાં અપડેટ)
