સાંતલપુર તાલુકાના વૌવા અને મઢુત્રા ગામમાં છેલ્લા બે દિવસથી સતત વીજળીની આવનજાવન અને ડીપ થવાને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
વીજ પુરવઠાની અસ્થિરતાથી દૈનિક જીવન પર અસર થઈ રહી છે, જ્યારે ખેતીના કામ માટેના મોટર તથા ઘરગથ્થુ ઉપકરણોને નુકસાન થવાની શક્યતા વધતી જઈ રહી છે.
ગામલોકોના જણાવ્યા મુજબ, છેલ્લા 48 કલાકથી વીજળી વારંવાર જતી રહે છે અને ડીપ મારતી હોવાથી રાત્રિના સમયે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને દૈનિક ઘરકામ કરતી મહિલાઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાના ઉકેલ માટે શનિવારે સવારે વૌવા અને મઢુત્રા ગામના લોકો એકત્ર થઈ UGVCL કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.
પરંતુ કચેરી ખાતે કોઈ ઉચ્ચ અધિકારી હાજર ન હોવાથી લોકોએ ટેલિફોન દ્વારા સમસ્યા અંગે જાણ કરી હતી.
ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પગલા લઈ સ્થિર વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા આગ્રહ કર્યો હતો.
નાગરિકોએ ચેતવણી આપી છે કે જો વીજળીની આ અવિરત સમસ્યાનો નિકાલ નહિ આવે તો તેઓ આંદોલનનો રસ્તો અપનાવવા મજબૂર બનશે.
વૌવા-મઢુત્રામાં વીજળીના ધાંધિયા : 48 કલાકથી નાગરિકો પરેશાન
વારંવાર વીજળી ડીપથી ગ્રામજન ત્રસ્ત : UGVCL કચેરીએ રજૂઆત
તાત્કાલિક ઉકેલ લાવવા લોક માંગ ઉઠી છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

