અન્ય ડેરી એકમનું FSSAI લાયસન્સ સસ્પેન્ડ, 45 કિગ્રા ઘી જપ્ત; બંને સ્થળેથી કુલ 10,200 લીટર છાશનો નાશ
![]()
![]()
![]()
પાટણ શહેરમાં ડેરી તથા દૂધની બનાવટોના એકમોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તે માટે પાટણ નગરપાલિકા અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર (FDCA)ની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે ડેરી એકમોમાં ગંભીર પ્રકારની ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત ખામીઓ મળી આવતાં નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન પાટણના સુભાષનગર સોસાયટી વિસ્તારમાં સંચાલિત એક ડેરી એકમ FSSAI લાયસન્સ વિના ચાલતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ ટીમને ઉત્પાદન પ્રક્રિયા અસ્વચ્છ પરિસ્થિતિમાં થતી હોવાનું તેમજ દૂધની ખરીદી અંગેના જરૂરી રેકોર્ડ અને પુરાવાઓ ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું.
તપાસમાં વધુ ગંભીર બાબત એ સામે આવી હતી કે માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તેવી વેસ્ટ છાશનો ઉપયોગ છાશ, માખણ અને ક્રીમ બનાવવા માટે કરવામાં આવતો હોવાનું જણાયું હતું. એકમમાં ખાદ્ય વ્યવસાય માટે જરૂરી દસ્તાવેજો તેમજ યોગ્ય અને સ્વચ્છ ઉત્પાદન સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો.
આ દરમિયાન છાશ અને ક્રીમના બે નમૂના લેવામાં આવ્યા હતા, જેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ એકમમાંથી આશરે 10,000 લીટર છાશ, જેની અંદાજિત કિંમત રૂ. 3 લાખ હોવાનું જણાવાયું છે, તેનો પાટણ નગરપાલિકાની ટીમના સહયોગથી STP ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
બીજા ડેરી એકમનું FSSAI લાયસન્સ સસ્પેન્ડ
આ ઉપરાંત સિદ્ધપુર રોડ પર આવેલા Shri Sai Krupa Buttermilk Center, Patan ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. આ એકમ પાસે Dairy Manufacturing માટે FSSAI Licence હોવા છતાં સ્થળ તપાસ દરમિયાન સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી ગંભીર ખામીઓ જોવા મળી હતી.
તપાસ દરમિયાન પરિસરમાં ભારે પ્રમાણમાં માખીઓનો ઉપદ્રવ, પક્ષીના માળા, જાળાં તથા અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી. ઉત્પાદન વિસ્તારમાં ખાદ્ય પદાર્થો અને વેસ્ટ છાશનો યોગ્ય માર્કિંગ કે અલગ વ્યવસ્થા વિના સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ તપાસમાં નોંધાયું હતું. દૂધના સ્ત્રોત અંગે જરૂરી વ્યવસ્થા અને રેકોર્ડ પણ ઉપલબ્ધ નહોતા.
આ ગંભીર ખામીઓને પગલે સંબંધિત એકમનું FSSAI Licence તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમજ એકમને તમામ પ્રકારની food processing, manufacturing, storage, distribution અને sale activities બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
તપાસ દરમિયાન અહીંથી છાશ અને ઘીના બે નમૂના લેવામાં આવ્યા છે. સાથે જ આશરે 45 કિગ્રા ઘી, જેની અંદાજિત કિંમત રૂ. 24,750 છે, જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ આશરે 200 લીટર છાશ, જેની અંદાજિત કિંમત રૂ. 1,000 છે, તેનો નાશ કરવામાં આવ્યો હતો.
કુલ રૂ. 3.25 લાખથી વધુનો ખાદ્ય જથ્થો કાર્યવાહી હેઠળ
બંને ડેરી એકમો સામે થયેલી કાર્યવાહીમાં કુલ 10,200 લીટર છાશનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે 45 કિગ્રા ઘી જપ્ત કરવામાં આવ્યું છે. નાશ કરાયેલા તથા જપ્ત કરાયેલા ખાદ્ય પદાર્થોની કુલ અંદાજિત કિંમત રૂ. 3,25,750 હોવાનું જણાવાયું છે.
FDCA દ્વારા પાટણ જિલ્લાના તમામ ડેરી તથા ખાદ્ય વ્યવસાય સંચાલકોને માન્ય FSSAI Licence સાથે જ વ્યવસાય કરવા, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ઉત્પાદન કરવા, કાચા માલના સ્ત્રોત તથા જરૂરી રેકોર્ડ જાળવવા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

