અકસ્માતગ્રસ્ત યુવકની સારવાર સાથે 108 કર્મચારીઓએ સાચવી રાખ્યા ₹19,460 રોકડ, મોબાઈલ અને દસ્તાવેજો

સાંતલપુર તાલુકાના સીધાડા બ્રિજ પર વહેલી સવારે અકસ્માતની ઘટના : 108ની ટીમે ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો, મળેલું પાકીટ અને મોબાઈલ ડોક્ટરને સોંપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

સાંતલપુર તાલુકાના સીધાડા બ્રિજ ઉપર શનિવારે બપોરે સર્જાયેલા અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ફરજ સાથે ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અકસ્માતની જાણ થતાં સાંતલપુર 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સાથે જ યુવક પાસેથી મળી આવેલી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જરૂરી દસ્તાવેજો પણ સુરક્ષિત રાખી સગા-સંબંધીઓને પરત મળે તેવી વ્યવસ્થા કરી હતી.

મળતી માહિતી મુજબ, આજે તા. 26 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:51 વાગ્યે સીધાડા બ્રિજ ઉપર અકસ્માત અંગેનો કોલ સાંતલપુર 108 એમ્બ્યુલન્સને મળ્યો હતો. અકસ્માતમાં બાવરડા ગામના આહિર મોમાયાભાઈ ભચાભાઈ ઈજાગ્રસ્ત થયા હતા.

કેસની માહિતી મળતા જ સાંતલપુર 108ના પાયલોટ પ્રદ્યુમનસિંહ ઉર્ફે ભરતસિંહ અને EMT મહેશભાઈ સોલંકી તાત્કાલિક એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને કર્મચારીઓએ ઈજાગ્રસ્ત મોમાયાભાઈને જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે પોતાની એમ્બ્યુલન્સ મારફતે વારાહી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.

હોસ્પિટલમાં સારવારની પ્રક્રિયા દરમિયાન ઈજાગ્રસ્ત યુવકના ખિસ્સામાંથી એક પાકીટ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તપાસ કરતાં પાકીટમાંથી ₹19,460 રોકડ રકમ, આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો અને અન્ય સામાન મળી આવ્યો હતો.

આ સામાન પોતાના પાસે રાખવાને બદલે 108ના કર્મચારીઓએ સંપૂર્ણ ઈમાનદારી દાખવી તમામ વસ્તુઓ વારાહી સરકારી હોસ્પિટલના ડોક્ટરને સોંપી દીધી હતી, જેથી દર્દીના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમનો સામાન યોગ્ય રીતે પરત કરી શકાય.

અકસ્મતના સમયે ઈજાગ્રસ્ત યુવક સાથે કોઈ સગા-સંબંધીઓ હાજર ન હોવાથી ધોકાવાડા ગામના રૈયાબેન પણ માનવતાના ધોરણે મદદ માટે આગળ આવ્યા હતા. દર્દીના પરિવારજનો હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રોકાઈ ઈજાગ્રસ્ત યુવકની મદદ કરતા રહ્યા હતા.

અકસ્મતમાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર અપાવવાની સાથે તેના પાસે રહેલી રોકડ રકમ, મોબાઈલ અને મહત્વના દસ્તાવેજોની પણ સુરક્ષા જાળવવાની કામગીરી 108ના કર્મચારીઓએ કરી હતી. સમગ્ર ઘટનામાં 108ની ટીમે ફરજ પ્રત્યેની નિષ્ઠા, જવાબદારી અને ઈમાનદારીનો પરિચય આપ્યો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

અકસ્મતમાં અનેક વખત પરિવારજનો ઘટનાસ્થળે હાજર ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઈજાગ્રસ્તની સારવાર સાથે તેની અંગત ચીજવસ્તુઓની સુરક્ષા પણ મહત્વપૂર્ણ બની રહે છે. સાંતલપુરની 108 ટીમે આ બાબતમાં દાખવેલી કાળજીને માનવતાભરી અને સરાહનીય કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!