રાધનપુર : શહેરના વોર્ડ-૭ના વિઠલનગર-૨ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે.
યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી બગડી ગઈ છે, પીવાનું પાણી ગંદકીથી ભળતા આરોગ્યના ગંભીર જોખમો ઊભા થયા છે.






ટોયલેટના કુવા ભરાઈ જતાં પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની ગઈ છે, સાથે ઝેરી જાનવરોના ત્રાસથી રહીશો વધુ પરેશાન થયા છે.
સ્થાનિક નાગરિકોએ ભાજપના હાલના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી પર નિષ્ક્રીયતાના આક્ષેપો કર્યા છે.
રહીશોએ જણાવ્યું હતું કે ત્રણેય ભાજપના એન્જિન ફેલ સાબિત થયા છે, કારણ કે અત્યાર સુધીમાં નગરપાલિકા કે કોઈપણ સરકારી તંત્ર પરિસ્થિતિની મુલાકાતે આવ્યું નથી કે લોકચિંતા લીધી નથી.
આ દરમિયાન રાધનપુર કોંગ્રેસ પક્ષના વોર્ડ-૧ના નગરસેવક જયાબેન ઠાકોર તથા શહેર મહિલા પ્રમુખ સમીરાબેન ઘાંચી પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા.
તેમણે રહીશોની પીડા સાંભળી અને તાત્કાલિક રાહત માટે વહીવટી તંત્રને જાગૃત કરવાની ખાતરી આપી.
સ્થાનિક બહેનોએ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓની ઉદાસીનતાથી કંટાળીને તેઓ વરસાદી પાણીમાં જ છાંજીયા લેવા મજબૂર બન્યા છે.
રહીશો હવે એક જ સવાલ કરી રહ્યા છે – “ક્યારે થશે પાણીનો નિકાલ?”
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

