10 કિલોમીટરના વિસ્તારના સ્થાનિકો પાસેથી ટોલ વસૂલાતના આક્ષેપો; સર્વિસ રોડ, ઇમરજન્સી સેવા અને ટ્રાફિક સમસ્યાના ઉકેલની માંગ સાથે તંત્રને રજૂઆત

કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન ભચાઉ તાલુકાના શીકારપુર–સુરજબારી ટોલ પ્લાઝા ખાતે સ્થાનિક ખેડૂતો, મજૂરો અને માલધારીઓને પડતી મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો છે. ભચાઉ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને શીકારપુર–સુરજબારી–વાઢીયા વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય મનજીભાઈ આર. રાઠોડે ટોલ પ્લાઝાના વહીવટીતંત્ર સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે.

મનજીભાઈ રાઠોડે રજૂઆતમાં જણાવ્યું છે કે હાઇવેની આસપાસ ખાઈ ખોદીને તારની ફેન્સિંગ કરવાની સંભવિત કામગીરીથી સ્થાનિક ખેડૂતો અને માલધારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. ખેતરોમાં જવાના પરંપરાગત રસ્તા બંધ થવાની સાથે પશુઓ ખાઈમાં પડીને અકસ્માતનો ભોગ બને તેવી આશંકા વ્યક્ત કરી છે. આથી કામગીરી પહેલાં ખેડૂતો અને પશુપાલકોના હિતોનું ધ્યાન રાખી યોગ્ય સર્વિસ રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે.

સ્થાનિકો પાસેથી બળજબરીથી ટોલ વસૂલાત થતી હોવાનો આક્ષેપ

ટોલ પ્લાઝાથી આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામોના લોકોને ટોલમાં મળવાપાત્ર નિયમિત રાહત હોવા છતાં કેટલાક સ્થાનિક વાહનચાલકો પાસેથી ડરાવી-ધમકાવીને ટોલ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યા છે. આ મામલે તપાસ કરી નિયમ મુજબ સ્થાનિક લોકોને રાહત આપવા માંગ ઉઠી છે.

ટોલના પૈસા વસૂલાય છે, તો સુવિધાઓ કેમ નહીં?

ટોલ વસૂલાત છતાં હાઇવે પર મોબાઇલ પેટ્રોલિંગ વાન, ઇમરજન્સી આરોગ્ય સેવા, ટોઇંગ વેન અને અકસ્માત સમયે તાત્કાલિક મદદ જેવી સુવિધાઓ પૂરતી ન મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. હાઇવેની આસપાસ માટી અને મીઠાના થર જામી જવા તથા શીકારપુર–સુરજબારી ટોલ પ્લાઝા પર વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ રજૂઆતમાં દર્શાવવામાં આવી છે.

ફાસ્ટેગ અને ઓનલાઇન ટોલ વ્યવસ્થાની ખામીઓને કારણે વાહનચાલકોને 10થી 15 મિનિટ સુધી ટોલ પર અટવાવું પડતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા સામે પણ સવાલ

સ્થાનિક લોકો વર્ષોથી ટોલના આર્થિક બોજનો સામનો કરી રહ્યા હોવા છતાં તેમની સમસ્યાઓનું નિરાકરણ કેમ આવતું નથી, તેવો સવાલ મનજીભાઈ રાઠોડે ઉઠાવ્યો છે. તેમણે કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદને પણ આ મુદ્દે અવાજ ઉઠાવી પ્રજાને ન્યાય અપાવવા અપીલ કરી છે.

આ સમગ્ર મામલે કચ્છ કલેક્ટર, ગુજરાતના મુખ્યમંત્રી, ભચાઉના નાયબ કલેક્ટર અને કચ્છ-મોરબીના સાંસદને રજૂઆતની નકલ મોકલી તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો, માલધારીઓ અને સામાન્ય વાહનચાલકોની આ સમસ્યાઓ અંગે તંત્ર ક્યારે જાગશે અને શીકારપુર–સુરજબારી ટોલ પ્લાઝા પર લોકોને ખરેખર રાહત ક્યારે મળશે?

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!