APMC ખાતે યોજાયેલા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમમાં અપેક્ષા કરતાં ઓછી હાજરી જોવા મળી હોવાની ચર્ચા; સ્થાનિક પ્રશ્નો અને ખેડૂતોની સમસ્યાઓને લઈને કાર્યકરોમાં અસંતોષ હોવાની અટકળો
![]()
![]()
રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ ચર્ચાનું કેન્દ્ર બનતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુર APMC માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા હતી, પરંતુ કાર્યક્રમના સ્થળેથી સામે આવેલી તસવીરોમાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
રાધનપુર વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ માટે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના કાર્યકરો તથા આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણ પત્રિકા મુજબ સાંજે 4 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વરુચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમ છતાં કાર્યક્રમ દરમિયાન સભામંડપમાં ખુરશીઓ ખાલી રહેતાં રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે રાધનપુર શહેરના નાગરિકોના પાયાના પ્રશ્નો, ખેડૂતોની સમસ્યાઓ અને વિકાસનાં કામો અંગે અપેક્ષિત કામગીરી ન થતી હોવાના કારણે કેટલાક કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી છે. જોકે, આ નારાજગી જ ઓછી હાજરીનું કારણ છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
ખાસ નોંધનીય બાબત એ છે કે સ્નેહમિલન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ ભાજપના જ એક કાર્યકરે રાધનપુર શહેરની સમસ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જેમાં કાર્યક્રમોના આયોજન કરતાં શહેરના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વિકાસનાં કામો પર ધ્યાન આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ વીડિયોએ પણ સ્થાનિક રાજકીય માહોલમાં ચર્ચા જગાવી હતી.
હવે રાધનપુરના રાજકીય વર્તુળોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ભાજપના કાર્યકરોમાં અસંતોષ વધી રહ્યો છે? શું સંગઠન દ્વારા કાર્યકરો અને પ્રજાની સમસ્યાઓને પૂરતું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે? આગામી ચૂંટણી પહેલાં આ નારાજગી દૂર કરવા ભાજપનું સ્થાનિક સંગઠન શું પગલાં લેશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
ખાલી ખુરશીઓ માત્ર કાર્યક્રમની હાજરીનો આંકડો છે કે પછી સંગઠન માટે કોઈ રાજકીય સંકેત? રાધનપુરમાં આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

