દેવ દિવાળીના પવિત્ર પર્વે વઢિયાર પંથકના સુપ્રસિદ્ધ આસ્થાધામ વરાણા ખોડિયાર મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

સવારથી જ માઁ ખોડિયારનાં દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું.

કારતક સુદ પૂનમના પાવન દિવસે માઁ ખોડિયારના દર્શનનું વિશેષ મહાત્મ્ય હોવાથી ભક્તો પરિવાર સાથે ધામ ખાતે પહોંચ્યા હતા. મંદિરના દર્શન માર્ગ પર લાંબી કતારો લાગી હતી અને સમગ્ર પરિસર ‘જય ખોડિયાર’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ભક્તોની સુવિધા માટે વિશેષ આયોજન

ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી દર્શન, પાર્કિંગ અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વયંસેવકોએ સેવા આપીને ભક્તોને દર્શન કરવામાં સહયોગ આપ્યો હતો. મંદિરના ભોજનાલયમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

માનતા પૂર્ણ કરવા દૂરદૂરથી પહોંચ્યા શ્રદ્ધાળુઓ

વઢિયાર પંથક ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાંથી ભક્તો માઁ ખોડિયારના ચરણે શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. દીપમાળા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવતા ધામનો માહોલ વધુ ભક્તિમય બન્યો હતો.

દેવ દિવાળીના પાવન અવસરે વરાણા ખોડિયાર ધામમાં ઉમટેલી ભક્તોની ભારે ભીડે આ યાત્રાધામ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું દર્શન કરાવ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!