3,807 બોટલ વિદેશી દારૂ અને બિયર સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, રૂ.18.31 લાખનો મુદ્દામાલ જપ્ત; પાંચ શખસો સામે ગુનો નોંધાયો
પાટણ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાધનપુર-સમી હાઈવે પર બાસ્પા ગામની સીમમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ અને બિયરની 3,807 બોટલો ભરેલી મહિન્દ્રા બોલેરો કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના એક શખસની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, SMCની ટીમ પાટણ જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલ માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન રાધનપુરની સમી ચોકડી નજીક ખાનગી બાતમી મળી હતી કે સફેદ રંગની બોલેરો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સમી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ટીમે ખાનગી વાહન દ્વારા કારનો પીછો શરૂ કર્યો હતો.
ગોચનાદ ગામની સીમમાં બનાસ નદીના પુલ નજીક પોલીસે રસ્તા પર આડશ ઊભી કરીને કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે પોલીસને થાપ આપીને તૂટેલા કાચ સાથે કાર ભગાવી હતી. SMCની ટીમે પીછો ચાલુ રાખતાં બાસ્પા ગામની હદમાં HP પેટ્રોલ પંપ પાસે કાર ઊભી રાખી ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ગુડામાલાણી તાલુકાના મોખાવા ગામના 26 વર્ષીય સુરેશકુમાર રામારામ ગોદારા (બિશ્નોઈ) તરીકે થઈ છે.
કાળા કપડાં નીચે છુપાવ્યો હતો દારૂનો જથ્થો
બોલેરો કારની તલાશી લેતાં કાળા કપડાં નીચે સંતાડેલી વિદેશી દારૂ અને બિયરની કુલ 3,807 બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ.8,11,146 હોવાનું જાણવા મળ્યું છે.
હારીજના જલારામ મંદિર પાસે થવાની હતી ડિલિવરી
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ, રાજસ્થાનના સાંચોર તાલુકાના બીરાવા ગામે જાટ નામના શખસના ઠેકા પરથી દારૂનો જથ્થો ભરાવવામાં આવ્યો હતો. વોટ્સએપ મારફતે હારીજના જલારામ મંદિર નજીકનું લોકેશન મોકલી આપવામાં આવ્યું હતું અને ત્યાં આ કાર અન્ય શખસને સોંપવાની હતી.
રૂ.18.31 લાખનો મુદ્દામાલ જપ્ત
SMCએ વિદેશી દારૂ અને બિયરની 3,807 બોટલો, મહિન્દ્રા બોલેરો કાર તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.18,31,146નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં સુરેશકુમાર સહિત બીરાવાના જાટ નામના શખસ, ફાસ્ટેગ ધારક અને દારૂ મંગાવનાર અજાણ્યા શખસો મળી કુલ પાંચ વ્યક્તિઓ સામે પ્રોહીબીશન એક્ટ તથા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂની હેરાફેરી પાછળના નેટવર્કનો પર્દાફાશ કરવા અને અન્ય સંડોવાયેલા શખસો સુધી પહોંચવા SMC દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
TheLive News ગોવાભાઈ આહીર પાટણ
