એઈમ્સ રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ: સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

નિઃશુલ્ક મેગા સર્વરોગ કેમ્પનો લાભ લઈને વધુ સારવારની જરૂર જણાય તો રાજકોટ એઈમ્સ ખાતેની સુવિધાઓનો લાભ લેવાનું જણાવતાં ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ સહિત પદાધિકારીઓ, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રી અને આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ રહ્યા ઉપસ્થિત

કચ્છના નાગરિકો માટે ભુજમાં એઈમ્સ (AIIMS) રાજકોટ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો ‘નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ’

જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ ખાતે એઈમ્સના નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ રોગોના વિનામૂલ્યે નિદાન સાથે કરાયું દવાઓનું વિતરણ

ભુજમાં યોજાયેલા એઈમ્સ રાજકોટના મેડિકલ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, કેન્સર, જનરલ સર્જન સહિત ૧૯ જેટલા વિવિધ વિભાગોની નાગરિકોને મળી નિઃશુલ્ક સારવાર

૧૯૩૫થી વધુ જરૂરિયાતમંદ નાગરિકોએ ઉપસ્થિત રહીને વિવિધ વિભાગોની તબીબી સેવાઓનો લીધો લાભ

કચ્છ જિલ્લાના નાગરિકોની સુખાકારી અને ઉત્તમ સ્વાસ્થ્યને વિશેષ પ્રાધાન્ય આપીને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન – એઈમ્સ રાજકોટ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ ખાતે ‘નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એઈમ્સ રાજકોટના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ૧૯૩૫થી વધુ નાગરિકોએ ઉપસ્થિત રહીને તબીબી સુવિધાઓનો લાભ લીધો હતો.

આ કેમ્પને દીપ પ્રાગટય દ્વારા ખુલ્લો મૂકીને રાજકોટ એઈમ્સના સભ્ય અને સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે કચ્છના નાગરિકોને ભારતની સર્વશ્રેષ્ઠ આરોગ્ય સંસ્થા એવી એઈમ્સની તબીબી સેવાઓનો લાભ મળવા જઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થપાયેલી રાજકોટ એઈમ્સ આજે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત તેમજ દેશના અનેક લોકો માટે આરોગ્યક્ષેત્રે આશાનું નવું કિરણ બની છે. એઈમ્સ રાજકોટ ખાતે વિશ્વસ્તરીય આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે કચ્છના જરૂરિયાતમંદ નાગરિકોને એઈમ્સ રાજકોટનો લાભ લેવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.

સાંસદ અને એઈમ્સ રાજકોટના સભ્યશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, એઈમ્સ રાજકોટ આ પ્રકારના નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પ મારફતે સૌરાષ્ટ્ર કચ્છના જરૂરિયાતમંદ નાગરિકો સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડી રહી છે. કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ નાગરિકો એઈમ્સ રાજકોટના તબીબી સેવાઓનો લાભ લે તેમ અનુરોધ કરતાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતના કોઈપણ દર્દીને ખાસ સારવાર માટે દિલ્હી કે મુંબઈ સુધી જવાની જરૂર નહીં રહે. એઈમ્સ રાજકોટ ખાતેની હાલની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.

સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ સમગ્ર કેમ્પની મુલાકાત લીધી હતી અને દર્દીઓને કોઈ જ અગવડ ન પડે તે માટે સંકલન તેમજ વ્યવસ્થાપન માટે જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે તમામ વિભાગોની મુલાકાત લઈ તબીબોને માર્ગદર્શન આપ્યું હતું અને દર્દીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી દેશમાં એઈમ્સનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ રાજકોટ ખાતે એઈમ્સ આજે કાર્યરત બની છે. એઈમ્સ રાજકોટ એ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને માટે આર્શીવાદરૂપ બની છે. ભુજમાં નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પના આયોજન બદલ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ એઈમ્સ રાજકોટના સભ્ય તેમજ સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છમાં આરોગ્યક્ષેત્રે સરકારની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ સુંદર કાર્ય કરી રહી છે. ધારાસભ્યશ્રીએ આજના એઈમ્સ રાજકોટ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિઃશુલ્ક મેગા કેમ્પને ઐતિહાસિક ગણાવીને જરૂરિયાતમંદ નાગરિકો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી કે, આજે એઈમ્સ રાજકોટમાં વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે તો તેનો લાભ દરેક નાગરિકોએ લેવો જોઈએ.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, આ પ્રકારના નિઃશુલ્ક કેમ્પથી લોકો એઈમ્સની સુવિધાઓ અંગે જાગૃત થશે. તેઓએ આ કાર્યને સેવાનું કાર્ય ગણાવીને જરૂરિયાતમંદ નાગરિકો સુધી એઈમ્સ રાજકોટની સુવિધાઓ પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

આ નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ ૧,૯૩૫ જરૂરિયાતમંદ દર્દીઓએ વિવિધ વિભાગોની તબીબી સેવાઓનો લાભ લીધો હતો. જેમાં સેન્ટ્રલ લેબ ખાતે કુલ ૧,૨૫૪ ટેસ્ટ તેમજ રેડિયોલોજી વિભાગમાં કુલ ૬૪૨ તપાસ કરવામાં આવી હતી. જેમાં એક્સ-રેના ૪૪૯, યુએસજી (USG)ના ૧૩૦, એમઆરઆઈ (MRI)ના ૩૬, સીટી (CT) સ્કેનના ૧૫ અને ડોપ્લરના ૧૨ રિપોર્ટનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ નિઃશુલ્ક મેગા સર્વરોગ કેમ્પમાં દર્દીઓના રજિસ્ટ્રેશનથી લઈને માર્ગદર્શન, તબીબી નિદાન અને વિનામૂલ્યે દવાઓ સહિતની સુવિધાઓ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે એઈમ્સ રાજકોટ દ્વારા ઊભી કરવામાં આવી હતી. આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસાં, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડીના રોગ, કાન-નાક-ગળા, આંખ, દાંત, જનરલ મેડિસિન અને હાડકાંના નિષ્ણાત ડોક્ટરો પોતાની સેવાઓ આપી હતી. આ ઉપરાંત, ડાયેટિશિયન, ફિઝિયોથેરાપી તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથી વિભાગની સારવાર પણનો નાગરિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી શિતલભાઈ શાહ, અગ્રણીશ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી હરીશભાઈ ભંડેરી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રણજીતસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, ભુજ પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉર્વીશ વાળંદ, એઈમ્સ રાજકોટના ડૉ.યશદીપસિંહ પઠાનીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેશ ભંડેરી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ.કિશોરકુમાર રોય, અદાણી ગેઈમ્સના મેડિકલ ડીરેક્ટરશ્રી ડૉ. નરેન્દ્ર હિરાણી, રાજ પરિવારના યુવરાજશ્રી પ્રતાપસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!