બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચોમાસામાં પૂરતો વરસાદ ન પડતાં ખરીફ પાકને નુકસાન થયું છે, ત્યારે હવે રવિ સિઝનની વાવણી શરૂ થતાં જ સિંચાઈના પાણીની ગંભીર અછત ઊભી થઈ છે. ખેતરો તૈયાર છે, બિયારણ અને ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સિંચાઈ માટે પાણી ક્યાંથી લાવવું તે સૌથી મોટો સવાલ બન્યો છે. ખેડૂતો અને પશુપાલકો કહી રહ્યાં છે કે ઓછો વરસાદ છતાં બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કર્યો. અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અને માલઢોર માટે ઘાસચારાની ખૂબ જરૂર છે, આમ છતાં સરકાર મદદ નથી કરી રહી. એક પશુપાલકે તો ભાસ્કર સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે 40 વર્ષ પહેલા ઓછો વરસાદ પડ્યો હતો ત્યારે કોંગ્રેસની સરકારે અમારી ખૂબ મદદ કરી હતી, આ સરકારને મદદ કરવામાં શું તકલીફ છે? બનાસકાંઠામાં પાણીની અછત હવે માત્ર ખેતી પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ ખેડૂતોના પરિવારના ગુજરાન અને પશુપાલનના અસ્તિત્વ સામે પણ પડકાર બની છે. જો સરકાર સમયસર પાણી અને આર્થિક સહાયની વ્યવસ્થા નહીં કરે તો આગામી ઉનાળામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ચોમાસાની વિદાય સમયે સપ્ટેમ્બર 2026ના વરસાદના આંકડા પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય સરેરાશની સરખામણીએ આશરે 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ હતી. જો કે ખેડૂતો આ આંકડાને ખોટા ગણાવતા કહે છે આ આંકડાઓ વાસ્તવિક સ્થિતિથી વેગળા છે અને સરકારના અધિકારીઓએ આ આંકડા કેવી રીતે લખ્યા એ મોટો પ્રશ્ન છે. બોરવેલ અને ટ્યુબવેલ પણ પાણી આપતા બંધ થયા
પાલનપુર, અમીરગઢ, વડગામ, દાંતીવાડા, ડીસા, દાંતા, ધાનેરા, કાંકરેજ, ઓગડ અને હડાદ સહિતના વિસ્તારોમાં દર વર્ષે ઘઉં, બટાકા સહિતના રવિ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જોકે, આ વર્ષે વરસાદની અછતના કારણે ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે નીચે ઊતરી ગયું છે. અનેક વિસ્તારોમાં બોરવેલ અને ટ્યુબવેલમાંથી પૂરતું પાણી મળતું નથી. કેટલાક ખેડૂતોને નવા બોર કરાવવા છતાં પાણી મળતું ન હોવાથી વાવેતર કરવું કે નહીં તે અંગે મુશ્કેલી ઊભી થઈ છે. પાણીની અછતના કારણે બટાકાનું વાવણી કરેલું બિયારણ સડી ગયું
ડીસાના ખેડૂત અશોકભાઈ માળીએ જણાવ્યું હતું કે, ઓછા વરસાદને કારણે પાણીના તળ ઊંડા ઊતરી ગયા છે. તેમણે બટાકાનું વાવેતર કર્યું છે, પરંતુ અગાઉ જ્યાં 100 ફુવારા ચાલતા હતા ત્યાં હવે માત્ર 50 ફુવારા જ ચાલી રહ્યા છે. ઓછા પાણીમાં કરેલું બટાકાનું વાવેતર પણ નિષ્ફળ જવાની ભીતિ છે. પાણીની અછતના કારણે બટાકા સડી જતાં ફરીથી જમીન ખેડીને વાવેતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. તેમણે જળાશયો ભરી ભૂગર્ભ જળસ્તર જાળવવા માટે સરકાર પાસે તાત્કાલિક આયોજન અને સહાયની માંગ કરી હતી. 360થી 500 ફૂટ સુધી બોર કર્યા છતાં પાણી મળતું નથી
ડીસાના ખેડૂત મોહનભાઈ માળીએ આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠામાં પાણીના તળ સતત ઊંડા ઊતરી રહ્યા છે. કેટલીક જગ્યાએ 1200 ફૂટ ઊંડે પાણી હોવા છતાં તે ખેતીલાયક કે પીવાલાયક નથી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો અગાઉના નુકસાન બાદ લોન લઈને બટાકાનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી જાહેર કરાયેલી સહાય અંગે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ પાણી અને ઘાસચારાની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. વાસણના ખેડૂત વીરજીભાઈએ જણાવ્યું હતું કે તેમના ગામ નજીક આવેલી ઉમરદશી નદીમાં પણ આ વર્ષે પાણીનો પ્રવાહ જોવા મળ્યો નથી. ખેતી ઉપરાંત પીવાના પાણી અને પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, બાલીસણાના ખેડૂત જીતાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમણે બે-ત્રણ બોર કરાવ્યા હોવા છતાં પાણી મળ્યું નથી. 360 ફૂટે પથ્થર આવ્યા બાદ પણ પાણી મળતું નથી. પશુઓને પીવડાવવા માટે મર્યાદિત પાણી ઉપલબ્ધ છે, જ્યારે ઘાસચારો પણ મોંઘા ભાવે ખરીદવો પડી રહ્યો છે. મગફળીની ફોતરીના એક કિલોના રૂ.15 સુધી ભાવ હોવાની તેમણે વાત કરી હતી. પશુપાલન પર પણ સંકટ, ઘાસચારાના ભાવ આસમાને
બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન આધારિત હોવાથી પાણીની અછતની સીધી અસર પશુધન પર પણ પડી રહી છે. વરસાદ ઓછો પડતાં ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું છે અને બજારમાં ઘાસચારાના ભાવમાં વધારો થયો છે. અમીરગઢ તાલુકાના આંબાપાણી ગોળિયાના પશુપાલક કાળાભાઈ રબારીએ જણાવ્યું હતું કે આજુબાજુનાં ખેતરો, વગડા અને તળાવોમાં પાણીનું ટીપું પણ નથી. 400થી 500 ફૂટ ઊંડા બોર કરવા છતાં પાણી મળતું નથી. તેમણે પશુઓને બચાવવા માટે સરકાર ઘાસચારાનું વિતરણ કરે અને પશુપાલકોને આર્થિક સહાય આપે તેવી માંગ કરી હતી. તેમના મતે પશુધન ગુમાવ્યા બાદ ફરીથી પશુઓનો ઉછેર કરવામાં વર્ષો લાગી શકે છે. ઉનાળામાં પાણીની સ્થિતિ વધુ ભયાનક બનવાની ભીતિ
હાલ શિયાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર અછત સર્જાઈ છે ત્યારે આગામી ઉનાળામાં સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. મોલાણાના ખેડૂત દલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો છે. ખેતીની સાથે હવે પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. આગામી સમયમાં પશુઓને જીવાડવા માટે પણ વેચાતું પાણી લાવવાની નોબત આવી શકે છે. તેમણે ખેડૂતો માટે રાહત પેકેજ, પશુઓ માટે ઘાસચારો અને સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. માત્ર 8થી 10 ઇંચ વરસાદ પડ્યો પણ સરકારી આંકડામાં વધુ દર્શાવાયો
મોલાણાના ખેડૂત માવજીભાઈએ દાવો કર્યો હતો કે તેમના વિસ્તારમાં આ વર્ષે માત્ર 8થી 10 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે, જ્યારે સરકારી આંકડામાં વધુ વરસાદ દર્શાવવામાં આવ્યો હોવાના કારણે ખેડૂતોને દુષ્કાળની રાહતથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાણીના તળ નીચે જતાં ખેડૂતો નવા બોર કરાવી રહ્યા છે, પરંતુ તેમાં પણ પાણી મળતું નથી. નર્મદા આધારિત પાણીની યોજનાઓ હજુ તેમના વિસ્તારમાં કાર્યરત ન હોવાથી મુશ્કેલી વધી છે. કેટલાક ખેડૂતો ટેન્કર મારફતે પશુઓને પાણી પીવડાવી રહ્યા છે. આગામી ઉનાળામાં ખેડૂતોને હિજરત કરવાની કે જમીન વેચવાની નોબત આવે તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી. પાલનપુર, અમીરગઢ અને દાંતા સહિતના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
હસનપુરના ખેડૂત કિસનસિંહ ચૌહાણે પણ સરકારને બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની અપીલ કરી હતી. ખાસ કરીને પાલનપુર, અમીરગઢ અને દાંતા સહિતના વિસ્તારોની સ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોને રાહત આપવાની માંગ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે કચેરીઓમાં બેસીને તૈયાર થતા આંકડાઓના બદલે અધિકારીઓએ ખેતરોમાં જઈ વાસ્તવિક પરિસ્થિતિનો સર્વે કરવો જોઈએ, જેથી પાણીની અછત અને પાકને થયેલા નુકસાનની સાચી સ્થિતિ સામે આવે. ખેડૂતોની સરકાર પાસે મુખ્ય માંગણીઓ
ખરીફ સિઝનમાં નુકસાન અને રવિ સિઝનમાં પાણીની અછત વચ્ચે ફસાયેલા ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે બનાસકાંઠાની વાસ્તવિક સ્થિતિનો તાત્કાલિક સર્વે કરી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી વળતર અને રાહત પેકેજ આપવામાં આવે. દાંતીવાડા ડેમ તથા નર્મદા કમાન્ડ વિસ્તારના પાણીનું યોગ્ય આયોજન કરી જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે. સાથે જ તળાવો અને જળાશયો ભરવા, ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા તથા પશુઓ માટે ઘાસચારા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે.

By Gujrat

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!