ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. તેમણે 41 શહેર અને જિલ્લા પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા. હવે ફરીવાર આજે તેઓ આ શિબિરમાં ભાગ લેવા આવશે. રાહુલ ગાંધીનું આજે સવારે 11 વાગ્યે દિલ્હીથી રવાના થઈ બપોરે એક વાગ્યે કેશોદ એરપોર્ટ પર આગમન થશે. કેશોદ એરપોર્ટથી બાય રોડ જૂનાગઢ પહોંચશે. બપોરે બે વાગ્યે ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર સ્થળ પર પહોંચશે. સાંજે 6 વાગ્યા સુધી રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેશે. બાદમાં સાંજે 6 વાગ્યે પ્રેરણાધામથી બાય રોડ પોરબંદર એરપોર્ટ જવા રવાના થશે. પોરબંદર એરપોર્ટથી 8 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધી સાથે સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક, અજય માકન સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે 12 સપ્ટેમ્બર શિબિરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કુસ્તીમાં એક નિયમ હોય છે જ્યારે સામે વાળો તમને મારે ત્યારે તમારે તેને મારવાનું હોતું નથી પણ બચવાનું હોય છે. ગુજરાત બીજેપીનો ગઢ છે અહીં તમારી ઉપર બીજેપીના નેતાઓ ગમે તેટલો દાવ લે તમે શાંતિથી તેમાંથી નિકળો બાકીનો રસ્તો આરામ થી મળી જશે. 4 કલાકમાં પ્રમુખોને કરાટે- યોગ કરાવ્યા, ચૂંટણીલક્ષી માર્ગદર્શન
રાહુલ ગાંધી પ્રેરણાધામ પ્રશિક્ષણ શિબિરમાં બપોરે 3 કલાકે પહોંચ્યા હતા. બાદમાં શિબિર પૂર્ણ કરીને 7 કલાકે દિલ્હી જવા રવાના થયા હતા. આ 4 કલાક દરમિયાન રાહુલ ગાંધીએ શહેર- જિલ્લા પ્રમુખોને કરાટે, યોગ સહિતના શારિરીક કસરતો, આગામી સમયમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો BJPને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. 2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં એકપણ સીટ ન મળી
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. ભાજપને કોંગ્રેસ કરતાં 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014ની ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો, જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો. જ્યારે 2009માં કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા, જે 2014માં 11 ટકા ઘટીને 33 ટકા થઇ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 62 ટકા અને કોંગ્રેસને 32 ટકા મત મળ્યા હતા. તમામ 26 બેઠક પર ભાજપે ફરી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 30.1 ટકા વધુ મત મળ્યા હતા. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ 1 સીટ મેળવી હતી. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠક પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી. 21 જૂને જાહેર કર્યા શહેર અને જિલ્લા-પ્રમુખ
ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી, જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!