રાધનપુર નગરપાલિકામાં અગાઉ ફરજ બજાવનાર એકાઉન્ટન્ટ સંદીપ જોશી સામે કરોડો રૂપિયાની ગેરરીતીના આક્ષેપો થયા હોવા છતાં આજદિન સુધી તપાસનો અહેવાલ પ્રાદેશિક કમિશનર કચેરીએ મોકલાયો નથી.
આ કારણે હવે નગરજનોમાં ચર્ચા ગરમાઈ છે કે, આખરે ચીફ ઓફિસર શા માટે આ મામલો દબાવી રહ્યા છે?
લાખોની ઉચાપતના આક્ષેપો
સંદીપ જોશી પર ખોટા બીલો બનાવી રૂ.૬૫,૦૦,૦૦ લાખનું ખોટું ચુકવણું કર્યાનો તેમજ ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.૯૫,૦૦,૦૦૦ની ઉચાપત કર્યાના ગંભીર આક્ષેપો છે.
તેમ જ છેલ્લા બે-ત્રણ વર્ષમાં કોન્ટ્રાક્ટરોને કરવામાં આવેલા ચુકવણાંમાં ૧૦થી ૧૫ ટકા જેટલી રકમ પોતાના ખિસ્સામાં લેતાં મોટો ભ્રષ્ટાચાર કર્યાનો પણ આરોપ છે.
જાગૃત નાગરિકોની રજુઆત છતાં કાર્યવાહી અટકી
આ ગેરરીતી અંગે જાગૃત નાગરિકોએ તા.૧૦-૯-૨૦૨૪ તથા તા.૨૦-૧૨-૨૦૨૪ના રોજ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશનર ગાંધીનગરને લેખિત રજુઆત કરી હતી.
આ અનુસંધાને પ્રાદેશિક કમિશનરે તા.૨૬-૯-૨૦૨૪ અને તા.૨૨-૧-૨૦૨૫ના રોજ રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક હકીકતલક્ષી અહેવાલ મોકલવા જણાવ્યું હતું.
પરંતુ આજદિન સુધી ચીફ ઓફિસર દ્વારા કોઈ અહેવાલ મોકલવામાં આવ્યો નથી.
પરિણામે પ્રાદેશિક કમિશનરે ફરીથી લખિતમાં કડક સૂચના આપી છે કે વધુ વિલંબ ન કરતાં નિયમોનુસાર કાર્યવાહી કરી અહેવાલ મોકલવો.
ચીફ ઓફિસર પર પણ શંકાના વાદળ
રાધનપુરમાં નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે, વારંવાર પત્રવ્યવહાર છતાં અહેવાલ ન મોકલવો એ ચીફ ઓફિસર જાતે જ સંદીપ જોશીને છાવરી રહ્યા હોવાની નિશાની છે.
આથી હવે નગરજનોમાં ચીફ ઓફિસર પર પણ શંકાના વાદળ ઊભા થયા છે.
નગરજનોની માંગ – કડક કાયદેસર પગલાં
અરજદારો તેમજ નગરજનોની સ્પષ્ટ માંગ છે કે, સંદીપ જોશી સામે થયેલા આક્ષેપોની તાત્કાલિક તપાસ કરી, જો કોઈ જવાબદાર હોય તો તેના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
