સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની સમસ્યાઓ હાવી રહી છે. 

ખાસ કરીને હાલમાં ચાલી રહેલી નવરાત્રીના પાવન તહેવારમાં વારંવાર લાઈટ ડુલ રહેતા ગામજનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે.

અબિયાણા, લીમગામડા, ઉનડી સહિતના ગામોને જોડતી આશરે 46 કિ.મી. લાંબી લાઈન પર નાની ખામીઓ સર્જાતાં હોવા છતાં કલાકો સુધી વીજળી બંધ રહે છે.

પરિણામે ગામજનોને નવરાત્રીના કાર્યક્રમો તથા રોજિંદા જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગામના યુવાઓ જાતે જ કરે છે લાઈન રીપેરીંગ

અબિયાણા ગામના અગ્રણી મેવાભાઈ આહીરએ જણાવ્યું હતું કે “આજના સમયમાં પણ વીજ પુરવઠાની આવનજાવનથી લોકો પરેશાન છે.

સામાન્ય ફોલ્ટ આવે ત્યારે ગામના જાગૃત છોકરાઓ જાતે જ લાઈન રીપેર કરે છે.

પરંતુ મોટી ખામી આવે ત્યારે અમારી પાસે કંઈ કરવાનો વિકલ્પ નથી રહેતો.

આ જવાબદારી સંપૂર્ણપણે જીઈબીની છે, તેમ છતાં કર્મચારીઓ કોઈ ધ્યાન આપતા નથી.”

ગામજનોનો આક્ષેપ છે કે નાના-મોટા ફોલ્ટને ઠીક કરવામાં સ્થાનિક કર્મચારીઓ બેદરકારી દાખવે છે.

વરસાદના બે છાંટા પડતાં જ વિજલાઈન ડુલ થઈ જાય છે, પરંતુ અધિકારીઓના મોબાઈલ ફોન સ્વીચ ઑફ રહેતા લોકો કલાકો સુધી રાહ જોતા રહે છે.

રાધનપુર સબ ડિવિઝન કચેરીએ પહોંચ્યા ગ્રામજનો

આ સમસ્યાથી કંટાળીને સાંતલપુર વિસ્તારના ગ્રામજનો રાધનપુર સબ ડિવિઝન કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

અહીં તેમણે રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા અને જીઈબી અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો.

લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે જો તાત્કાલિક વ્યવસ્થા સુધારી નહીં લેવાય તો નવરાત્રીના તહેવાર સાથે રોજિંદા જીવનમાં લોકો પરેશાન થશે.

સામાન્ય ફોલ્ટ માટે પણ લોકો પરેશાન

સાંતલપુર વિસ્તારની વીજલાઈન લાંબી અને જૂની હોવાને કારણે વારંવાર નાના ફોલ્ટ સર્જાય છે.

આવી ખામીઓને ઠીક કરવામાં કલાકો પસાર થઈ જાય છે. 

અનેકવાર ગામના જાગૃત નાગરિકો પોતાની મહેનતે ફોલ્ટ ઠીક કરે છે, પરંતુ મોટી ખામી આવે ત્યારે તેઓ અસમર્થ સાબિત થાય છે.

આવી સ્થિતિમાં ગ્રામજનોને કલાકો સુધી અંધકારમાં રહેવું પડે છે.

ગ્રામજનોની માગણી

સ્થાનિક લોકોએ માંગ કરી છે કે યુજીવીસીએલ તાત્કાલિક અસરથી ફોલ્ટ રીપેરીંગની વ્યવસ્થા સુધારે, સ્થાનિક કર્મચારીઓને જવાબદારીપૂર્વક કામ કરવા માટે સજાગ બનાવે અને અધિકારીઓને લોકોની સમસ્યાઓને અવગણવા બદલે સમયસર પગલા લેવા સૂચના આપે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!