મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાનાર ખાસ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ ખાસ ગ્રામસભાઓ યોજાશે. ૨ જી ઓક્ટોબરના રોજ દરેક ગામમાં “આદર્શ બાલ મિત્ર ગામ” બનાવવાનો સંકલ્પ લેવાશે.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, વિકાસ કમિશ્નરશ્રીની કચેરી (પંચાયત શાખા) તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સૂચનાઓ અનુસાર આ ખાસ ગ્રામસભાઓમાં બાળકોના અધિકારોના સંરક્ષણ માટે સંકલ્પ પત્ર મુજબ ઠરાવ પસાર થશે.
આ સંકલ્પ પત્ર અંતર્ગત –દરેક બાળકનો શાળામાં પ્રવેશ અને નિયમિત હાજરી સુનિશ્ચિત કરાશે. બાળક ચાલુ અભ્યાસે શાળા છોડી ન જાય તે માટે કાળજી રાખીશું. તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને રસીકરણ નિયમિત કરાશે. આંગણવાડી અને મધ્યાહન ભોજનનો લાભ દરેક બાળકને અપાશે. બાળકોને હિંસા, શોષણ અને ભેદભાવથી બાળકોને સુરક્ષિત રાખાશે. બાળમજૂરી અને બાળવિવાહને સંપૂર્ણપણે રોકી “બાળમજૂરી મુક્ત અને બાળવિવાહ મુક્ત ગામ” બનાવાશે. બાળ પંચાયત નિયમિત યોજી બાળકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. બાળકોને ચાઈલ્ડ લાઈન ટોલ ફ્રી નંબર ૧૦૯૮ (૧૧૨)થી માહિતગાર કરાશે.
આ સંકલ્પ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દરેક ગામ બાળકો માટે સ્વસ્થ, શિક્ષિત, સુરક્ષિત અને આનંદિત રહે તેવા સંકલ્પ સાથે “બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની” સુત્રને સૌ સાથે મળી સાકાર કરીએ તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
The Gujarat Live News
