રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે. દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ, દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હવે આખરે સસ્તા અનાજના દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાથી અળગા રહીને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે. સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે એવી માગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પરિપત્ર થતા હોવાના આરોપ સાથે દુકાનધારકોએ પરમિટ જનરેટ કરવાનો પણ ઇન્કાર કર્યો છે. પુરવઠા વિભાગના અધિકારી દ્વારા અનેક પ્રકારના વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી લગાવી રહ્યા છે. વિવાદિત પરિપત્ર કરીને સસ્તા અનાજના દુકાનધારકોને ગુલામ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દુકાનદારોને વાચા આપવા માટે બે સંગઠન અસ્તિત્વમાં
ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોને વાચા આપવા માટે બે સંગઠન અસ્તિત્વ ધરાવે છે. બંને સંગઠન સાથે દોઢ વર્ષ પહેલા અમારી પડતર માંગણીઓ બાબતે થયેલી ચર્ચા અને સરકાર સાથે થયેલી સહમતિનો અમલ ના થતા 1લી નવેમ્બરથી વિતરણ પ્રથાથી અળગા રહી અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી છે. જૂના પ્રશ્નોની ચર્ચા થયા પછી તેનો અમલ નથી થયો તેનો અમલ કરાવવા માટે આંદોલન કરીશું. કમિશન ચાર વર્ષથી વધાર્યું નથી એટલા કમિશન વધારવાની પણ અમારી માંગણી છે. હયાતીમાં વારસાનો પરિપત્ર હતો તે રદ કરાવી દીધો
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારા જોઇન્ટ કમિશનર ગાંધી સાહેબ આવ્યા છે ત્યારથી વિવાદિત પરિપત્ર શરૂ થઈ ગયા છે. અમારી જીવતા હયાતીમાં વારસાનો પરિપત્ર હતો, તે રદ કરી હયાતીમાં વારસાઈ બંધ કરી દીધી છે. આજે માણસ રોગમાં સપડાય અને દવાખાનામાં હોય અને તેની હયાતીમાં વારસાઈ ન થાય તો દુકાન બંધ થઈ જાય. એક તરફ આર્થિક રીતે દવાખાનામાં તૂટે અને બીજી તરફ ઘરના લોકોને ભૂખે રહેવું પડે એવી સ્થિતિ ઊભી થાય. આ એક અમાનવીય પરિપત્ર છે તેમજ આ પરિપત્ર ગાંધી સાહેબે જ નક્કી કર્યો હોય એવું મારું માનવું છે. ‘અનાજ ઉતારતી વખતે 8 લોકોને ફરજિયાત રાખવાનો પરિપત્ર કર્યો’
આ અંગે આગળ વાત કરતા તેઓએ જણાવ્યું કે, બીજો પરિપત્ર હતો કે દરેક સસ્તા અનાજની દુકાનની એક કમિટી બનાવવામાં આવે. જેમાં ગ્રાહકની, પડોશના વેપારીની, સ્થાનિક કોર્પોરેટર હોય અથવા નગરપાલિકાનો સભ્ય હોય એવા 11 માણસની કમિટી બનાવવામાં આવે, આ માણસમાંથી કોઈપણ એક માણસ માલ ઉતારવાનો હોય ત્યારે સહી કરી આપે ત્યારે માલ ઉતારી જાય અને વિતરણ થઈ શકે. જોકે, ગાંધી સાહેબે એવો પરિપત્ર કર્યો છે કે કમિટીના 11માંથી 8 લોકોને હાજર રાખવાના, 11માંથી 8 લોકો ક્યારેય હાજર રહે નહીં આ અશક્ય વસ્તુ છે પરંતુ, વ્યાજબી ભાવના દુકાનદારોને ગુલામ સમજવાની જે પ્રથા શરૂ થઈ છે, તેનો અમારો સખત વિરોધ છે. આ પ્રકારના પરિપત્ર રદ કરવા જ પડશે અને અમે પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. 1લી નવેમ્બરથી સરકાર નહીં જાગે ત્યાં સુધી દુકાનો બંધ રાખીશું.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!