વડોદરા શહેરના હૃદયસ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવે અને ધામધૂમથી નીકળ્યો. ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પધારતાં જ ભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો વરઘોડાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. ફૂલોના વરસાદ વચ્ચે ભગવાનના જયઘોષના નાદ ગુંજી ઉઠ્યા હતા. મોડી રાત્રે વરઘોડો તુલસી વાડી ખાતે પહોંચશે, જ્યાં તુલસી વિવાહનું ધાર્મિક વિધિપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક યાત્રા દરમિયાન વડોદરાના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું
વડોદરામાં આજે નીકળેલા ભગવાન નરસિંહજીના ઐતિહાસિક વરઘોડાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો પરથી ખ્યાલ આવે છે કે, વડોદરાના રાજમાર્ગો પર ભક્તિનો કેવો અપાર મહાસાગર ઉમટ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તોએ આ નગરયાત્રાના દર્શન કર્યા હતા. આ ઐતિહાસિક યાત્રા દરમિયાન વડોદરાના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા વરઘોડાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભક્તિનો અદ્ભૂત અને વિરાટ નજારો સ્પષ્ટપણે દેખાય છે. હજારોની સંખ્યામાં ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેરનું વાતાવરણ જય નરસિંહજીના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી લગ્ન વિધિ થશે
આજે રાત્રે 8 વાગ્યે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનનો થાળ અને આરતી બાદ વરઘોડો આગળ નીકળશે. રાતે 11 વાગ્યે તુલસી વાડી પહોંચશે. જ્યાં મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી લગ્ન વિધિ થશે. 2 વાગ્યે પરત આવવા વરઘોડો પ્રસ્થાન કરશે જે સવારે 5 વાગ્યા સુધીમાં નરસિંહજીની પોળની બહાર દરબાર બેન્ડના ખાંચા સુધી આવી પહોંચશે. મંદિર દ્વારા પરત આવેલા ભગવાનના સ્વાગત માટે દરબારના ખાંચામાં દરેક ઘરે પધરામણી કરાવવામાં આવશે. તેમજ વરઘોડો પરત આવતા સુધી આખી રાત ભગવાનની પ્રતિક્ષામાં જાગેલા પોળના લોકોનું મંદિર દ્વારા સન્માન કરવામાં આવશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!